ભુજ, તા. 13 : માંડવીમાં આશરે 150 વર્ષ જૂના પીપળાનાં વૃક્ષના
ગેરકાયદેસર છેદનના ગંભીર મામલે મામલતદારની કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા-1951ના ભંગ બદલ ચાર આરોપી સામે
1000નો દંડ તથા ફરજિયાત બેગણા વૃક્ષારોપણનો
હુકમ કરવામાં આવ્યો છે. આ મામલામાં ઝવેરીલાલ શાહ (રહે. કે.ટી. શાહ રોડ, માંડવી) દ્વારા મામલતદાર કોર્ટમાં કરાયેલી ફરિયાદ
મુજબ ભંડારીવાળી ડેલી, મંછાદેવી મંદિર સામે આવેલા વિસ્તારમાં
150 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ
નગરપાલિકાની મર્યાદિત મંજૂરી હોવા છતાં સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યું હતું. જેના
કારણે મિલકતને નુકસાન પહોંચ્યું હતું. સંજય દેવજી મહેતા, જિતેન્દ્ર દેવજી મહેતા, પ્રતીક જિતેન મહેતા અને ભરતભાઈ દેવજીભાઈ મહેતા દ્વારા દલીલ કરવામાં આવી હતી
કે, વૃક્ષ જોખમરૂપ હોવાથી માત્ર નડતરરૂપ ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં
આવ્યું છે અને વૃક્ષ કે લાકડાંનું વેચાણ કરવામાં આવ્યું નથી. કોર્ટ સમક્ષ સર્કલ ઓફિસર
દ્વારા કરાયેલા પંચનામા તથા નગરપાલિકાના પત્ર પરથી સ્પષ્ટ થયું કે પીપળાનું વૃક્ષ માત્ર
ટ્રીમિંગ નહીં, પરંતુ સંપૂર્ણપણે છેદન કરવામાં આવ્યું છે. મામલતદાર
પી.એ. જેઠવા દ્વારા સામાવાળા ચાર આરોપી સામે રૂા. 1000 દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે
જ કાપેલાં વૃક્ષના બદલે બેગણા વૃક્ષો વાવી તેમનો યોગ્ય ઉછેર કરવાનો હુકમ કરવામાં આવ્યો
છે. - ભુજની ચકચારી મિલકતના કેસમાં આગોતરા મંજૂર
: ભુજના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદીએ તા.
9/1/2026ના ચેતનભાઈ મણિલાલ ઠક્કર દ્વારા
કિશોર ચંદુલાલ મોરબીઆ અને મનોજ અશ્વિનભાઈ ગોરે એકબીજામાં મેળાપીપણું કરી સર્વે નં.
778/2વાળી જમીનની જે ચતુર્દિશા સર્વે
નં. 802/પૈકી 2વાળી જમીનના દસ્તાવેજોમાં ખોટી રીતે દર્શાવી
ફરિયાદીને મળેલ સર્વે નં. 778/2/પૈકી/1વાળી જમીન પચાવી પાડવાના ઈરાદાથી રેવન્યૂ
ખાતામાં ખોટી ચતુર્દિશાવાળા દસ્તાવેજનો સાચા
તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો જે બાબતની ફરિયાદ કરી હતી, જેમાં આરોપી કિશોર અને મનોજના આગોતરા જામીન
મંજૂર કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીના એડવોકેટ પી.આર.
પટેલ, એ.આર. મલેક, પ્રફુલ્લકુમાર બી. સીજુ,
નવીન આર. સીજુ, રોનક પ્રફુલ્લભાઈ પટેલ તથા કેશવ
જે. ભદ્રુ હાજર રહ્યા હતા. - ખાવડા : જમીન મુદ્દે તેર વર્ષ બાદ ચુકાદો : આ કેસની હકીકત મુજબ, સવાલવાળી ખેતીની જમીનના મૂળ ધારણકર્તા સ્વ. અંબાલાલ મગનલાલ પટેલ દ્વારા તા.
24-10-1977નાં વેચાણ કરારથી સ્વ. હમીર
મલુ કોલીને અઘાટ હક્કે કબજામાં આપી હતી. બાદમાં સ્વ. અંબાલાલ મગનલાલનાં અવસાન બાદ તેના
વારસદારો પટેલ ભરતકુમાર અંબાલાલ વિ. દ્વારા તે મિલકતનો કબજો લેવા અને મનાઈ હુકમ મળવા
સ્વ. હમીર મલુ કોલી અને તેના વારસદારો મણિબેન હમીર કોલી વિ. સામે રે.દી. દાવા નં. 29/2024 (જૂના રે.દી.દા.નં. 343/12)વાળો દાવો કરાયો હતો. જ્યારે
સ્વ. હમીર મલુ કોલી અને તેના વારસદારોએ મિલકતના કબજાના હક્ક હિત માટે તથા વેચાણ કરારનું
પાલન કરવા માટે અલગથી દાવો કર્યો હતો. જે બંને દાવામાં સ્વ. અંબાલાલ મગન પટેલના વારસદારોનો
દાવો નામંજૂર કરવા તથા સ્વ. હમીર મલુ કોલીનો દાવો મંજૂર કરવા હુકમ થયો છે. આ બંને દાવામાં
સ્વ. હમીર કોલી અને તેના વારસદારોના એડવોકેટ તરીકે એમ.એચ. રાઠોડ, ફરહાનખાન સિંધી, અરમાન
રાઠોડ, હાસમશા શેખ,
હનીફભાઈ જત, ધીરજ જાટિયા, ઉમર સમા, શેરાબેન રાઠોડ, આસીફ કુંભાર
હાજર રહ્યા હતા. - વ્યાજખોરીના
ગુનામાં આરોપીના આગોતરા મંજૂર કરાયા : માંડવીના દુર્ગાપુરમાં રહેતા આરોપી સુલેમાન
ચાકી સામે વ્યાજખોરી મામલે ગુનો નેંધાયો હતો, જેમાં આરોપીઓએ ફરિયાદીને ઊંચા વ્યાજે રૂપિયા આપી વ્યાજ વસૂલી લઈ પઠાણી ઉઘરાણી
કરી ફરિયાદીની ઓફિસે જઈ ધકબુશટનો માર મારી પ્લાન્ટની ચાવી તથા વેરના ગાડી લઈ લીધેલ
અને ચેક લઈ લખાણ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુનામાં આરોપીએ આગોતરા જામીન
મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી આરોપીને શરતોને
આધીન જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે કુલદીપ જિતેન્દ્રભાઈ
મહેતા, નરેશ. ડી. ચૌધરી, હેતલ.બી. દવે,
પ્રશાંત રાજપૂત હાજર રહ્યા હતા. - ભુજની નર્સરીમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપી નિર્દોષ : આ કેસની હકીકત
એવી છે કે, આ કામના ફરિયાદી કાનજી
ભુદરભાઈ પ્રજાપતિ તરફથી આરોપી અજીમભાઈ ઈશાકભાઈ સુમરા (રહે.જુમાવાડી, ભુજ)ની સંયુક્ત માલિકીની વડીલો વખતની ખેતીની જમીન ભુજના રેવેન્યુ સર્વે નં.750/ પૈકી 1/ પૈકી 1વાળી ગેરકાયદેસરના દસ્તાવેજથી મુસ્તાક અબ્દુલ્લા
અબુબખર પાસેથી ફરિયાદીએ ખરીદ કરી જે સંબંધેનો દીવાની દાવો ચાલુમાં હોઈ તે દરમ્યાન ફરિયાદી
તરફથી આરોપી અજીમભાઈ વિરુદ્ધ નર્સરીની અંદર
તોડફોડ કરી, ગાળાગાળી કરીને જાનથી મારી
નાખવાની ધમકી આરોપી દ્વારા ફરિયાદીને આપવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં રજૂ થયેલા પુરાવા
અને દલીલો સાંભળીને બીજા અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભુજ
તરફથી આરોપી અજીમભાઇને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. આરોપી તરફે એડવોકેટ યશ જગદીશચંદ્ર
મહેતા હાજર રહ્યા હતા.