• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

કચ્છને વિકાસના યશની સાથે ગુનાખોરીની કાળી ટીલી

કચ્છના વિકાસની નોંધ દેશ અને દુનિયામાં લેવાઈ રહી છે, ત્યારે આ ઊજળાં ચિત્રમાં વિકાસની સાથે વધતી-જતી ગુનાખોરી સોનાંની થાળીમાં લોઢાના મેખ સમાન બની રહી છે. સોમવારે મુંદરામાં જ્વેલર્સની  દુકાનને લૂંટવાના વિફળ કારસામાં લૂંટારુઓએ ગોળીબાર કર્યાના બનાવે વધુ એક વખત કચ્છના ગુનાખોરીનું ચોંકાવનારું ચિત્ર સામે આણ્યું છે. એક સમયે કંડલા સંકુલ પૂરતા મર્યાદિત રહેલા ગુનાહિત તત્ત્વોએ હવે તેમનો ત્રાસ કચ્છના વિકસી રહેલા વિસ્તારોમાં વિસ્તાર્યો છે. સ્વાભાવિક રીતે સમાન્ય નિર્દોષ નાગરિકોથી માંડીને કાયદાના રક્ષકો માટે આ ચિંતા અને પડકાર સમાન નવી ઘરેડ સામે એક સુઆયોજિત વ્યૂહરચના અનિવાર્ય બની રહી છે. કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી સામાન્ય રીતે પોલીસના ચોપડે ચડતા હિંસક બનાવો સામાજિક કારણો સાથે જોડાયેલા રહેતા હતા, પણ આર્થિક અને ઔદ્યોગિક વિકાસે આવા ગુના અને તેમની પાછળના ગુનેગારોની પેટર્ન પલટી નાખી છે. આર્થિક ખંડણીથી માંડીને લૂંટ, હત્યા કે પછી અપહરણ જેવા ગુના સતત વધી રહ્યા છે. આમાં મોટાભાગે બારાતુ અપરાધીઓની સંડોવણી સામે આવતી જાય છે. કચ્છમાં પોતાના ધંધાની માટે ઊજળી તકો ભાળતા આ ગુનેગારોનાં વધી રહેલાં ચલણે ગુનાખોરીનાં ચિત્રને પલટી નાખ્યું છે. કચ્છ જેવા વિશાળ જિલ્લામાં પોલીસ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકારે બે પોલીસ જિલ્લાની રચના કરેલી છે, પણ વિસ્તારની વિશાળતાનાં પ્રમાણમાં પોલીસ થાણાથી માંડીને અનુભવી અને પૂરતા પોલીસ દળનો અભાવ બે જિલ્લાનાં વિભાજનથી ભરપાઈ કરી શકાયું ન હોવાની પ્રતીતિ કરાવતા બનાવો સતત સામે આવતા રહ્યા છે. પોલીસિંગના પાયાના સિદ્ધાંતોને જોતાં આર્થિક વિકાસથી આકર્ષાઈને આવતા અન્ય રાજ્ય કે વિસ્તારના લોકોના બી રોલિંગ દ્વારા તેમના રેકર્ડ રાખવા અને તેમના ભૂતકાળને ચકાસવાની જરૂરત સતત વર્તાતી રહી છે. આવામાં કામનાં ભારણ અને વિસ્તારની વિશાળતાના પડકારનો સામનો કરતા પોલીસ દળને બી રોલની કામગીરી માટે મોકળાશ આપવા પર ગંભીરતા સાથે ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.   વળી તાજેતરના સમયમાં કચ્છમાં કેફી દૃવ્યોનું દૂષણ ચિંતાજનક રીતે વકરી રહ્યંy છે. પોલીસ હવે વાહનચાલકોને દારૂના નશાથી દૂર રહેવાની સલાહ આપતા બોર્ડમાં કેફી દૃવ્યોનો નશો કરીને વાહન ન ચલાવવાની સલાહ અપી રહી છે. ગાંજો, પાર્ટી ડ્રગ્સ કે પછી હેરોઈન જેવા જોખમી નશાને નાથવા સતત પ્રયાસ થઈ રહ્યા છે, પણ તેને નાબૂદ કરવાની કોઈ નક્કર કાર્યવાહી થતી જણાતી નથી.   આર્થિક રીતે વિકસી રહેલા કચ્છના વિસ્તારોની સંખ્યા હવે લખપતથી ખાવડા અને કંડલાથી મુંદરા સુધી વધી રહી છે તેવામાં રાજ્ય અને જિલ્લા પોલીસે બારાતુ ગુનેગારોની સામે કાયમી નજર રાખવા અને આવા ગુનેગારોની સામે આગોતરાં દંડાત્મક પગલાં લઈને ગુનાને બનતા રોકવાની અસરકારક વ્યૂહરચના ઘડી કાઢવી જોઈશે. આમ નહીં થાય તો કચ્છ ગુજરાતના વિકાસ મોડેલના યશની સાથોસાથ ગુનાખેરના મોડેલની કાળી ટીલીથી બચાવી શકાશે નહીં. 

Panchang

dd