• મંગળવાર, 15 એપ્રિલ, 2025

બાંગલાદેશને સબક

ભારતે બાંગલાદેશ માટે ટ્રાન્સ-શિપમેન્ટ - ભારતનાં બંદરો અને વિમાની મથકો દ્વારા ત્રીજા દેશો સુધી માલ પહોંચાડવાની સુવિધા સમાપ્ત કરી તે ફક્ત આર્થિકનીતિ નથી, પણ તેમાં રાજકીય અને કૂટનીતિક સંદેશ પણ છે. ભારત અને બાંગલાદેશ ચાર હજાર કિલોમીટરથી પણ વધુ લાંબી સરહદ ધરાવે છે. બન્ને વચ્ચે ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો પણ રહ્યા છે. બાંગલાદેશ દક્ષિણ એશિયામાં ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર છે, પરંતુ બાંગલાદેશમાં વિદ્યાર્થી આંદોલનનાં બહાને શેખ હસીના સરકારના તખતાપલટ પછી વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસનાં શાસને ભારતની ચિંતા વધારી છે, બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાસ લાવવામાં કોઈ કસર નથી છોડી. પાકિસ્તાનીઓ માટે વિઝા નિયમોમાં રાહત અને પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચે સીધા વ્યાપારની શરૂઆત ઉપરાંત, પોતાની ચીન મુલાકાત દરમિયાન યુનુસ દ્વારા ભારતનાં પૂર્વોત્તર રાજ્યોનો વિવાદ છેડતાં ચીનને આ ક્ષેત્રમાં આર્થિક વિસ્તારનું આમંત્રણ આપવાનો તેમનો મનસૂબો જ જાહેર કરે છે. આટલું ઓછું હોય એમ ગયા મહિને થાઈલેન્ડમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પછી યુનુસના મીડિયા સલાહકારોએ બન્ને નેતાઓ વચ્ચે થયેલી મંત્રણાને અયોગ્ય રીતે પ્રસ્તુત કરી હતી અને ભારતે આકરા પ્રત્યાઘાત આપ્યા હતા. `પડોશી પ્રથમ'ની નીતિનાં પગલે ભારતે પાકિસ્તાન સિવાયના બીજા પડોશી દેશો સાથે હંમેશાં એક વરિષ્ઠ પડોશી જેવા સંબંધો રાખવાના પ્રયાસ કર્યા છે. ભારતનાં વિદેશખાતાંએ સ્પષ્ટ કર્યું છે કે, બાંગલાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટની સુવિધાથી ભારતનાં બંદરો અને વિમાની મથકોએ આ વ્યવસ્થા વધવાની સાથે ભારતીય નિકાસમાં વિલંબ થાય છે. હવે બાંગલાદેશને નક્કી મોટો આંચકો લાગ્યો છે. કારણ કે, હવે તેણે પોતાના માલની નિકાસ માટે વૈકલ્પિક માર્ગો શોધવા પડશે, જે સમય અને પૈસાની દૃષ્ટિથી મોંઘા સાબિત થશે. બાંગલાદેશનો કપડાં વત્ર ઉદ્યોગ તેનાં અર્થતંત્રનો આધાર છે, તેની નિકાસને અસર પહોંચી શકે છે. ભારતે સુનિશ્ચિત કર્યું છે કે, નેપાળ અને ભુતાનને બાંગલાદેશની નિકાસ પર કોઈ અસર ન પડે. આમ, ક્ષેત્રીય જવાબદારીઓ પ્રતિ ભારતે પોતાની પ્રતિબદ્ધતા દાખવી છે. આ બાંગલાદેશ માટે એક સબક તો છે જ, આનાથી ભારતે સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાનાં રાષ્ટ્રીય હિતોથી સમજૂતી નહીં કરે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd