ગાંધીધામ, તા. 26 : તાલુકાનાં કિડાણામાં ગૌવંશની
ક્રૂરતાપૂર્વક હત્યા કરનારા બે મહિલા સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કિડાણા
સો ચોરસવાર ખીજડિયા દાદાવાળી ગલીમાં રહેતા આરોપી શબ્બીર નૂરમામદ માણેકના કબજાનાં મકાનમાં પશુમાંસનો જથ્થો
હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ સ્થળે
તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ સ્થળેથી ગૌવંશ
પશુ જીવના શરીરના અંગો તથા ફ્રિજમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી પશુમાંસ મળી આવ્યું હતું.
આ પશુમાંસ કોનું છે, તે તપાસવા
માટે ગાંધીધામના પશુચિકિત્સક પાસે પરીક્ષણ
કરાવ્યું હતું, જેમાં આ માંસ ગૌવંશનું હોવાનું સપાટી ઉપર આવ્યું
હતું. પોલીસે આ સ્થળેથી કિડાણામાં દરોડાનાં સ્થળે
રહેતા આરોપી શબ્બીર નૂરમામદ માણેક,
શેરબાનુ નૂરમામદ માણેક, ફાતમાબેન કાસમ જાકુબ કચાની
ગૌવંશનું માંસ 190 કિ.ગ્રા.
કિં. રૂા. 19 હજાર સાથે ધરપકડ કરી હતી. આરોપી
પાસેથી તીક્ષ્ણ કુહાડી, છરી સહિતનો
મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. તહોમતદારોએ પોતાનાં ઘર આગળથી પસાર થતા ગૌવંશ (નંદી)ને પોતાના ઘરના આંગણામાં ખેંચી દોરી વડે બાંધીને કુહાડી અને છરી વડે ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી
હોવાની કેફિયત આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની
કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.