• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

મુનીરની ઠાલી ધમકીઓ

પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ધમકી આપી છે કે, `જો ભારત કોઈ નાનો હુમલો પણ કરે તો તેનો અમે મોટો જવાબ આપશું - જે ભારતની કલ્પના બહારનો હશે.' આ મુનીર ભારતને અણુબોમ્બનો ડર બતાવે છે ! પાકિસ્તાનની ધમકીનો જવાબ આપણા સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે લખનઉમાં આપ્યો છે. આત્મનિર્ભર ભારતના સ્વદેશી - બ્રહ્મોસ મિસાઇલના પ્લાન્ટનું ઉદ્ઘાટન અને ધનતેરસના શુભ દિવસે ચાર બ્રહ્મોસ તૈયાર થયા તે આપણી સંરક્ષણશક્તિ બતાવે છે. પ્લાન્ટ શરૂ થયા પછી માત્ર પાંચ જ મહિનામાં મિસાઇલનો પ્રથમ બેચ તૈયાર થયો છે. ભારતીય સેના, નૌકાદળ અને એરફોર્સ માટે દર વર્ષે આવા એકસો મિસાઇલ તૈયાર થશે. ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોએ ખરીદવાની તૈયારી બતાવી છે. રાજનાથસિંહે મુનીરને કહ્યું છે કે, પાકિસ્તાનમાં તસુભાર જમીન સલામત નથી... સમગ્ર પાકિસ્તાન ભારતની `રેન્જ'માં છે. પાકિસ્તાનના અણુબોમ્બનો ભય ભારતને નથી. ભારતે ઓપરેશન સિંદૂર પછી દુનિયાને કહ્યું છે કે, અણુબોમ્બના `હાઉ'નો ફુગ્ગો ફૂટી ગયો છે. આ પછી મુનીર અને તેના મુલ્લાઓની બોલતી બંધ થઈ ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યાનાં બણગાં ફૂંક્યાં અને મુનીરે વોશિંગ્ટન જઈને ટ્રમ્પના પગ પખાળ્યા. ત્રણ વખત ટ્રમ્પના `દીદાર' જોવા ગયા એટલે મુનીરને જોશ ચડયું લાગે છે ! હવે ભારતને `ભયાનક' પરિણામની ધમકી શા માટે આપી રહ્યા છે? શક્ય છે કે, તેમને હાથમાં અને દિમાગમાં ખંજવાળ ઊપડી હોય... બહાનું શોધે છે ભારત સામે જંગ છેડવાનું ! અને આ બહાના માટે  ભારતને ઉશ્કેરવા માટે આતંકવાદી હુમલા શરૂ કરી શકે છે. ભારતે ઓપરેશન સિંદૂર બંધ કર્યું નથી - માત્ર વિરામ, અલ્પવિરામ આપ્યો છે અને તે પણ પાકિસ્તાનની વિનંતી પછી. એવી પણ સ્પષ્ટતા થઈ છે કે, હવે જો પાકિસ્તાન અડપલું - છૂંછી કરશે તો પાકિસ્તાન યુદ્ધનું આમંત્રણ આપે છે એમ ગણીને ભારત લશ્કરી જવાબ આપશે. હવે મુનીર જાતે આવું બહાનું મળે એમ ઇચ્છે છે. મુનીર આતંકી હુમલા કરીને ભારતને ઉશ્કેરવા માગે છે, જેથી પાકિસ્તાની આવામનો બળવો શાંત કરી શકાય. અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનીઓની એકતા ઊભી કરી શકાય. પાકિસ્તાનની આંતરિક સ્થિતિ અત્યારે ઘણી ખરાબ છે. અફઘાનિસ્તાને મુનીરને પડકાર્યા છે. મુનીર એમની સાથે વાટાઘાટ કરવા તૈયાર છે. અફઘાન - તાલિબાન સરકારે ભારત સાથે દોસ્તીના હાથ મિલાવ્યા છે તેથી મુનીર કહે છે : ભારત બાંગલાદેશનું પુનરાવર્તન કરે છે! આમ કહીને તેઓ ભારત વિરુદ્ધ પોતાના લોકોને ભડકાવી રહ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે ઇમરાન ખાનને જેલમાં નાખ્યા છે, તેથી લોકો રસ્તા ઉપર આવ્યા છે. મુલ્લાઓ પણ મુનીરની ખિલાફ છે. કારણ કે, ગાઝામાં અમેરિકા અને ઇઝરાયલને સાથ આપ્યો છે. પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરીઓ પણ શરીફ - મુનીરના લશ્કર સામે લડી રહ્યા છે. આમ પાકિસ્તાનના ઘરમાં આગ લાગી છે - સરહદ સળગે છે, ત્યારે મુનીર ભારતને અણુબોમ્બની ધમકી આપે છે! હકીકતમાં આ પહેલી વખત ધમકી નથી. અમેરિકાના પડખામાં ભરાયા પછી ત્રીજી વખત છે. મુનીરે તો કહ્યું છે કે, `અમે (પાકિસ્તાન) ડૂબશે - બરબાદ થશે તો સાથે અડધી દુનિયાને પણ ડૂબાવીશું - અણુસત્તા હોવાનો ઘમંડ છે અને પાકિસ્તાને અમેરિકાને અફઘાન વિસ્તારના દુર્લભ ખનિજ તથા બલુચિસ્તાનનું બંદર આપવાની ખાતરી જાહેર કરી છે, તેથી અમેરિકા વહારે ચડશે એવી આશા કે વિશ્વાસ છે, પણ ટ્રમ્પે પૂરો વિચાર કરવો પડશે. પાકિસ્તાનના હાથમાં અણુબોમ્બનું રમકડું છે અને તેથી ટ્રમ્પ સાવધાન છે. 

Panchang

dd