• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

યુનુસ હદ વટાવે છે : બાંગલાદેશના નકશામાં ભારતનાં રાજ્યો !

ઢાકા, તા. 26 : પાકિસ્તાનના સેનાધ્યક્ષ ફિલ્ડમાર્શલ અસીમ મુનીરના નાયબ જનરલ સાહિર શમશાદ મિર્ઝા બાંગલાદેશના વચગાળાના વડા મોહમ્મદ યુનુસને મળ્યા હતા તેમજ અનેક મુદ્દે વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમ્યાન યુનુસે હદ વટાવીને ભારતના આસામ તેમજ અન્ય પૂર્વોત્તરના રાજ્યોને બાંગલાદેશનો ભાગ બતાવતો બાંગલાદેશનો નકશો મિર્ઝાને ભેટ આપ્યો હતો. બંને નેતા વચ્ચેની વાતચીતમાં ભારત નિશાને હોવાનું પણ મનાય છે. પાકિસ્તાનના ટોચના જનરલ મિર્ઝાની ઢાકા સરકારના મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચે સહયોગ અને પરસ્પર સહાય વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. યુનુસે જનરલ મિર્ઝાને બાંગ્લાદેશનો નકશો દર્શાવતો ફોટોગ્રાફ રજૂ કર્યો હતો, જેમાં આસામ અને ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોનો સમાવેશ થાય છે. આ મુલાકાત ઢાકાના જમુના સ્થિત સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે થઈ હતી. બંને દેશો વચ્ચે આર્થિક, વેપાર અને સંરક્ષણ સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણની તકો અને સંરક્ષણ સહયોગને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને પક્ષો પણ સંમત થયા હતા કે પાકિસ્તાન અને બાંગલાદેશ માટે તેમની આર્થિક ભાગીદારીને નવા સ્તરે વધારવાનો સમય આવી ગયો છે. મુખ્ય સલાહકાર કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, જનરલ મિર્ઝાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને બાંગલાદેશ એક સહિયારા ઐતિહાસિક અને સાંસ્કૃતિક બંધન ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે જોડાણ વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. કરાચી અને ચિત્તાગોંગ વચ્ચે દ્વિમાર્ગી શિપિંગ રૂટ શરૂ કરવામાં આવ્યો છે અને ઢાકા અને કરાચી વચ્ચે હવાઈ સેવા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. 

Panchang

dd