આધુનિક સમયમાં સાયબર ગુનાખોરીનાં
વધી રહેલાં દૂષણને નાથવાનો પડકાર દિવસો દિવસ મુશ્કેલ બની રહ્યો છે. આરંભમાં બેન્ક
ખાતાંમાંથી નાણાં સેરવી લેવાનાં ચલણનું સ્થાન હવે ડિજિટલ એરેસ્ટે લીધું છે. હવે આ
મામલે સર્વોચ્ચ અદાલતે કેન્દ્રના ગૃહમંત્રાલય અને સીબીઆઈની પાસેથી જવાબ માગ્યો છે, પણ આ દૂષણનો વ્યાપ દિવસો
દિવસ વધી રહ્યો છે તેની સામે ગુનેગારોને ઝડપવાના સાવ નજીવા પ્રમાણને લીધે અદાલતની
નોટિસ છતાં કોઈ નક્કર પરિણામ આવે એવી કોઈ શક્યતા જણાતી નથી. હરિયાણાના એક બુઝુર્ગ
દંપતીની સાથે ડિજિટલ એરેસ્ટના ઓઠા હેઠળ એક કરોડથી વધુ રકમની ઠગાઈના મામલામાંની
સુઓમોટોની નોંધ લઈને સર્વોચ્ચ અદાલતે આ નોટિસ આપી છે. આ કિસ્સામાં ઠગોએ અદાલત અને
તપાસ એજન્સીના બનાવટી આદેશો વડે ગુનો આચર્યો હોવાનું સામે આવતાં અદાલતે તેની નોંધ
લીધી છે. જો કે, ગૃહ વિભાગ અને સીબીઆઈની પાસે આ દૂષણને રોકવા
માટે કોઈ નક્કર કાર્યયેજના ન હોવાની વાસ્તવિક્તા સતત સામે આવી રહી છે. સીબીઆઈ કે
ઈડી, કસ્ટમ કે નાર્કોટિક્સ બ્યૂરોના અધિકારી હોવાનો દેખાવ
કરીને ભોળા અને નિર્દોષ લોકોની સાથે ડિજિટલ એરેસ્ટનાં નામે ઠગાઈ કરતા આવા
તત્ત્વોની હિંમત દિવસો દિવસ વધી રહી છે. હવે અદાલતોના બનાવટી આદેશોના ઓઠા તળે આવાં
કાળાં કામ થવાં લાગ્યાં છે. હાલત એવી છે કે, ગુનેગારો બેલગામ
અને બેફામ બની ગયા છે. વળી જે રીતે આ ગુના વધી રહ્યા છે તેની સામે તેને રોકવા
માટેની જવાબદાર એજન્સીઓ વામણી સાબિત થઈ રહી છે. આ વધી રહેલાં દૂષણની પાછળ બે મુખ્ય
કારણ કામ કરી રહ્યા છે. એક તો લોકોમાં જાણવા છતાં જાગૃતિનો અભાવ સતત સામે આવતો
રહ્યો છે. બીજું તપાસનીશ એજન્સીઓ આવા ગુનામાં
કડક કાર્યવાહી કરવામાં સફળ થતી જણાતી ન હોવાને લીધે ગુનેગારોની હિંમત સતત
વધી રહી છે. મોટાભાગના કિસ્સામાં ગુમાવાયેલી રકમ પરત મળી શકતી નથી તેનાથી સ્પષ્ટ
થાય છે કે, સાયબર ગુનેગારો સલામતી તંત્ર કરતાં હંમેશાં આગળ
રહે છે. વળી આવા સાયબર એરેસ્ટના કિસ્સામાં મોટાભાગે ઠગાતી રકમ નાનીસૂની હોતી નથી
અને તેનો ભોગ બનનારા સાવ અભણ કે અબોધ નથી હોતા. આવા બનાવો અંગે સમાચાર માધ્યમોમાં
સમાચારો પણ આવતા રહે છે, પણ જ્યારે ગુનેગારો ઠગાઈનો કારસો
કરે છે ત્યારે તેમાં સપડાતા લોકો બધું વિસરી જાય છે અને નાણાં ધરી દેતા હોય છે.
વળી આવા અમુક ગુનામાં બેન્ક કર્મચારીઓની સાંઠગાંઠ હોવાનું પણ સામે આવી ચૂક્યું
હોવા છતાં સલામતી તંત્ર સતત વામણું સાબિત થઈ રહ્યંy છે.
આવામાં સર્વોચ્ચ અદાલત ગૃહ મંત્રાલય અથવા સીબીઆઈને કોઈ નક્કર આદેશ આપે તો પણ તેનો
કોઈ ફાયદો થવા અંગે વિશ્વાસ સાથે કહી શકાય તેમ નથી. ખરેખર આ દૂષણ હવે જોખમી બની
ચૂક્યું છે.