ભુજ, તા. 26 : તાલુકાનાં નાના-મોટા કુનરિયામાં
બાજુ-બાજુમાં રહેતા પિતા-પુત્ર ઘરબંધ કરી સવારે મજૂરી અર્થે ગયા હતા અને બપોરે ઘરે
પરત ફરતા ખાતર પડયાનું સામે આવ્યું હતું. બન્ને ઘરમાંથી અજાણ્યા ચોર ઈસમ રોકડ રૂા.
1.40 લાખ તથા ઘરેણા સહિત કુલ રૂા.
1.52 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ
નોંધાઈ છે. આ ચોરી અંગે માધાપર પોલીસ મથકે, કુનરિયા નાના-મોટા ટાવરની બાજુમાં રહેતા ભરતભાઈ નથુભાઈ કોલીએ નોંધાવેલી ફરિયાદ
મુજબ તેનો પરિવાર તથા માતા-પિતા બાજુમાં જ અલગ-અલગ ઘરમાં રહે છે અને મજૂરી કામ કરે
છે. તા. 25/10ના સવારે
સાતેક વાગ્યે તેમનો પરિવાર વાડીએ મજૂરી કામે ગયો હતો અને બપોરે એકાદ વાગ્યે પરત ફરતા
ઘરના દરવાજાનાં તાળાં તૂટેલાં હતાં. ફરિયાદી ભરતભાઈએ ઘરની અંદર જઈને જોયું, તો તિજોરીનું લોક તૂટેલું હતું અને તેમાંથી
રોકડા રૂા. 40,000 તથા
ચાંદીની બંગડી કિં. રૂા. 3,000, સોનાની
બુટ્ટી કિં. રૂા. 4,000, ચાંદીનું
કડું કિં. રૂા. 3,000 તથા એક મોબાઈલ
કિં. રૂા. 2,000 તેમજ તેમના પિતાનાં ઘરમાંથી
તિજોરી તથા પેટીમાંથી રોકડા રૂા. એક લાખ એમ કુલ રૂા. 1,52,000ની ચોરી થયાની ફરિયાદ માધાપર
પોલીસે નોંધીને છાનબીન આદરી છે.