વિજ્ઞાનના સરળ ઉપયોગ અને ઉપલબ્ધિએ જટિલ રાસાયણિક મિશ્રણ ધરાવતી
દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોનાં નકલી ઉત્પાદનને પણ સરળ બનાવ્યું છે. લોકોના આરોગ્ય માટે
જોખમરૂપ આ નકલી ઉત્પાદનોને નાથવા માટે હાલના સરકારી તંત્રો અપૂરતા હોવાની ફરિયાદ સતત
સામે આવતી રહી છે. જવાબદાર સરકારી તંત્રની અધૂરાશને લીધે લોકોના આરોગ્ય માટે જોખમરૂપ
નકલી દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોનાં વેચાણને નાથી શકાતું નથી. હવે સરકાર આવી દવાઓ અને
સૌંદર્ય પ્રસાધનોની ગુણવત્તાની તપાસ અને દેખરેખ માટે નવો કાયદો લાવી રહી છે. એમ નથી કે, હાલે દેશમાં આવો કોઈ કાયદો અમલમાં નથી, પણ તેની નબળાઈ
સતત સામે આવતી રહી છે. તાજેતરમાં અમુક રાજ્યોમાં કફ સિરપને લીધે ઘણા બાળકોનાં મોત થયાના
અહેવાલો બાદ જાગેલી ચિંતાને જોતાં કેન્દ્ર સરકારે નવા કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો
છે. ઔષધિ, ચિકિત્સા સાધનો
અને સૌંદર્ય પ્રસાધાન અધિનિયમ 202પનો મુસદ્દો સંસદના આગામી સત્રમાં રજૂ કરવાની સરકારની તૈયારી
છે. આ વખતે કફ સિરપનો મામલો એકાદ રાજ્ય પૂરતો મર્યાદિત ન હોવાને લીધે કેન્દ્ર સરકારે
તેની ગંભીરતા સાથે નોંધ લીધી છે. નહિતર એવું બનતું આવ્યું છે કે, કોઈ કિસ્સો બને એટલી થોડી કડક કાર્યવાહી કરાય
છે અને નીચલાં સ્તરના કર્મચારી કે અધિકારીનો ભોગ લેવાય છે. થોડા સમય માટે શંકાસ્પદ
દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોનાં ઉત્પાદનને અટકાવી દેવાયા છે. સમયની સાથે બનાવ વિસરાઈ
જાય એટલે બધું પૂર્વવત થઈ જતું હોય છે. આમે પણ તાજેતરના સમયમાં વિશ્વ આરોગ્ય સંસ્થા
અને તેની સાથોસાથ દુનિયાના ઘણા બધા આરોગ્ય નિયમનકારોએ ભારતીય દવાઓની ગુણવત્તા સામે
ગંભીર સવાલ અને ચિંતા વ્યક્ત કરી છે. અમુક
દેશોમાં આવી ગુણવત્તાની રીતે જોખમી દવાઓની સામે પ્રતિબંધો પણ લદાવા લાગ્યા છે. આવી
જ હાલત સૌંદર્ય પ્રસાધનોના સંદર્ભમાં છે. તેમાં નુકસાનકારક રસાયણોના ઉપયોગથી શરીરને
હાનિ પહોંચતી હોવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, નવા પ્રસ્તાવિક કાયદાથી નકલી દવાઓ અને જોખમી સૌંદર્ય પ્રસાધનોનાં દૂષણને કેટલા
અંશે નાથી શકાય છે. બાકી કાયદાની સાથોસાથ તેના
અમલીકરણ માટેના તંત્રની મજબૂતી એટલી જ અનિવાર્ય બની રહેશે. આવનારા સમયમાં વાસ્તવિક્તા
સામે આવી જશે.