• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

વાલકા - હરિપર ગામને બે હજાર વૃક્ષો વાવી હરિયાળાં બનાવાશે

નખત્રાણા, તા. 26 : તાલુકાનાં વાલકા મોટા - નાના અને હરિપર ગામે સદ્ભાવના ટ્રસ્ટ - રાજકોટ, દાતા રમેશભાઈ દેઢિયા અને ગ્રામજનોના સહયોગથી 2000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરાયો છે. એ અંતર્ગત વાલકા મોટા ગામે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જલધારા સેવા સંઘના મંત્રી પ્રભુદાસ માકાણી, નખત્રાણા તાલુકા પંચાયતનાં પ્રમુખ ભાવનાબેન પટેલ, વાલકા મોટા ગામના સરપંચ ચંદુભાઈ પોકાર, ઉપસરપંચ માનસંગસિંહ રાઠોડ, હરિપર સમાજના પ્રમુખ જાદવજીભાઈ પોકાર, તાલુકા પંચાયતના સદસ્ય ઓસમાણ સુમરા અને પર્યાવરણ સુરક્ષા સમિતિના પ્રમુખ દામજીભાઈ પોકારના હસ્તે  વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પ્રદ્યુમનસિંહ જાડેજાએ વૃક્ષોની સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવ્યું હતું અને ખેડૂતોને સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવવા અપીલ કરી હતી તેમજ કચ્છને અનુકૂળ હોય એવાં વૃક્ષો વાવવા પર ભાર મૂક્યો હતો. પ્રભુભાઈ માકાણીએ ગામેગામ જલમંદિરો ઊભાં કરી કપીત ખેતીને સિંચાઈ હેઠળ લાવવા ગ્રામજનોને સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો. રતિલાલ પટેલે નાના - મોટા વાલકા માટે મંજૂર થયેલી સ્કૂલ બાંધવાની કાર્યવાહી ઝડપથી થાય તે માટે ધારાસભ્યને પ્રયાસો કરવા વિનંતી કરી હતી તેમજ ગામમાં આવેલા પાંચ ડેમની સિંચાઇ ક્ષમતા વધારવા, ગામમાં પવનચક્કી નાખનારી કંપનીઓને સીએસઆરમાંથી ફંડ આપવા અનુરોધ કર્યો હતો. આ વૃક્ષારોપણ અભિયાનમાં ત્રણેય ગામના તમામ જ્ઞાતિજનોએ યથાશક્તિ વૃક્ષોનું દાન આપી વૃક્ષપ્રેમ અને એકતાનાં દર્શન કરાવ્યાં છે તેની વક્તાઓએ પ્રસંશા કરી હતી. પ્રારંભમાં વાલકા મોટા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ પોકારે સ્વાગત પ્રવચન કર્યું હતું. સરપંચ ચંદુભાઈ પોકારે  આભારદર્શન કર્યું હતું. સંચાલન સાવન પોકારે કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા ગામનાં યુવક મંડળે સંભાળી હતી. 

Panchang

dd