વડાપ્રધાન અને ગૃહ પ્રધાનની જાહેર પ્રચાર સભાઓથી બિહાર ગાજી
ઊઠયું છે, જ્યારે કોંગ્રેસી મહાગઠબંધને તેજસ્વી યાદવને
મુખ્ય પ્રધાન બનાવી દીધા પછી પણ એમની જાહેર સભાઓમાં રાહુલ ગાંધી દેખાતા નથી. મોદીએ
બિહારના લોકનાયક - પ્રથમ અંત્યજ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર અને સીતારામ કેસરીને યાદ
કરીને પ્રચાર સભાઓમાં હાજરી આપી છે. કોંગ્રેસના મહાગઠબંધને તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાનપદના
ઉમેદવાર જાહેર કર્યા પછી તેજસ્વીએ એનડીએના ઉમેદવાર તરીકે નીતીશકુમારનું નામ જાહેર કરવાનો
પડકાર કર્યો હતો, પણ એનડીએ હંમેશાં ચૂંટાયેલા વિધાનસભ્યો ઉપર
મુખ્ય પ્રધાનની પસંદગી છોડે છે તેથી નીતીશકુમારનું નામ `દાવેદારી' જાહેર કરવાની જરૂર નથી. નામ જાહેર કર્યાં વિના
જ વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે નીતીશકુમારને મુખ્ય પ્રધાનપદે સ્વીકાર્યા
છે. મોદીએ સમસ્તીપુર અને બેગુસરાઈની જાહેર સભાઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે,
નીતીશકુમારની નેતાગીરી હેઠળ એનડીએ ઐતિહાસિક વિજય મેળવશે અને અત્યાર સુધીના
તમામ રેકોર્ડ તૂટશે. આમ પરોક્ષ રીતે નીતીશકુમારની દાવેદારીને સમર્થન આપવામાં આવ્યું
છે. બિહારમાં મૂડીરોકાણ કરવા માટે ઇન્વેસ્ટરો આવી રહ્યા છે એમ કહીને મોદીએ જાહેર સભામાં
લોકોને કહ્યું છે કે, તમારા વોટથી બિહારની સમૃદ્ધિમાં વધારો થશે.
નીતીશકુમારની નીતિનાં પરિણામે ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના
આક્રમક દુ:પ્રચારનો જવાબ મોદીએ આપ્યો છે. બેગુસરાઈમાં બરૌની રિફાઇનરીના ભાગરૂપે પેટ્રાકેમિકલ
પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. ઉપરાંત ટેક્સ્ટાઇલનું હબ - મુખ્ય કેન્દ્ર વિકસાવાઈ રહ્યું
છે. આરજેડીના શાસન વખતે ઉદ્યોગો રાજ્યમાંથી પલાયન કરી રહ્યા હતા. કારણ કે, લાલુ યાદવ પરિવારના ભ્રષ્ટાચાર અને જંગલરાજમાં સલામતી નહોતી. મોદીએ કોંગ્રેસના
પૂર્વ પ્રમુખ સીતારામ કેસરીને યાદ કર્યા અને કહ્યું કે, કોંગ્રેસે
એમને અપમાનિત કર્યા હતા. કારણ કે, તેઓ પછાત જાતિના હતા. ગાંધી
પરિવારે એમને બાથરૂમમાં પૂરી દીધા હતા. કોંગ્રેસ સાથે મળીને આરજેડીએ બિહારને બરબાદ
કર્યું છે. લાલુ યાદવનો પરિવાર બિહારમાં સૌથી વધુ ભ્રષ્ટ છે અને કોંગ્રેસનો પરિવાર
દેશભરમાં સૌથી વધુ ભ્રષ્ટ છે એમ કહીને મોદીએ ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો જગાડયો
છે. અમિત શાહે પણ આરજેડી અને કોંગ્રેસના ઉમેદવારોની થયેલી પસંદગીની ટીકા કરી છે. રાજ્યમાં
જંગલરાજ ચલાવનારા લાલુ યાદવ ઉપરાંત શાહબુદ્દીનના અત્યાચારની યાદ અપાવીને અમિત શાહે
લોકોને ખાતરી આપી છે કે, મોદી અને નીતીશના શાસનમાં એક નહીં,
એક સો શાહબુદ્દીન પણ લોકોને હેરાન કરી નહીં શકે.