માઓવાદી
આતંકનો હવે અંત આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે સખત પગલાં લીધાં છે. ગૃહપ્રધાન અમિત શાહે
આગામી માર્ચની આખર સુધીમાં દેશ માઓવાદીથી મુક્ત બનશે એવી ખાતરી આપી છે. હવે માઓવાદીઓ
અને માઓવાદના દિવસો ગણાઈ રહ્યા છે. તાજેતરમાં છત્તીસગઢમાં 200 જેટલા માઓવાદી લડાયકે શત્રો નીચે મૂકીને શરણાગતિ સ્વીકારી
છે. આટલી મોટી સંખ્યામાં આતંકવાદીઓએ હિંસાનો ત્યાગ કરીને સમાજમાં ભળવાનો નિર્ણય લીધો
તે ઐતિહાસિક ગણાય છે. માઓવાદીઓની જમાત બનાવી અને આંધ્રમાં પેદા થઈ અને પછી દેશભરમાં
વિસ્તરવા લાગી હતી. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે કે, શહેરી વિસ્તારોમાં માઓવાદી વિચારધારાને પ્રોત્સાહન આપીને કોંગ્રેસે રાજકીય
ઉપયોગ કર્યા છે. દેશમાં જ્યારે આતંકવાદ અને 370મી
કલમની ચર્ચા થઈ રહી હતી, ત્યારે આવી ડાબેરી-અંતિમવાદી વિચારધારાવાળા
લોકોએ ચર્ચામાંથી માઓવાદને બચાવી લેવાની કામગીરી બજાવી હતી. પરિણામે દેશભરમાં લોકોને
ખ્યાલ પણ ન હતો કે માઓવાદી ગ્રુપ કેવો આતંક ફેલાવે છે અને નિર્દોષ લોકો ઉપર ત્રાસ ગુજારે
છે. તાજેતરમાં માઓવાદીઓથી પીડિત નિર્દોષ લોકો મોટી સંખ્યામાં દિલ્હી આવ્યા હતા. આ લોકોમાં
ઘણા હાથ-પગ અને આંખો પણ ગુમાવ્યા હતા, પણ શહેરી નકસલવાદીઓએ આવા
લોકોની પીડા જાહેરમાં આવે નહીં એવી ધાકધમકી આપીને મીડિયાથી પણ દૂર અથવા ચૂપ રાખ્યા
હતા. ગૃહપ્રધાન અમિત શાહે નકસલવાદને ખતમ કરવાનું બીડું ઝડપ્યું છે અને અંતિમ તારીખ
જાહેર પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે આ વિષયમાં થતી કાર્યવાહીથી પરિચિત છે.
દેશભરમાં અગિયાર વર્ષ પહેલાં 125 જિલ્લા
માઓવાદી પ્રભાવિત હતા અને લોકો હિંસા-અત્યાચારનો ભોગ બનતા હતા, પણ આજે આવા જિલ્લાઓની સંખ્યા ઘટીને અગિયાર થઈ છે. આમાં પણ માત્ર ત્રણ જિલ્લામાં
ગંભીર સમસ્યા છે-છેલ્લા 75 કલાકમાં
303 નકસલવાદીએ શરણાગતિ સ્વીકારી છે. રૂા. પાંચ લાખથી એક
કરોડ સુધીનાં ઈનામ જેમના માથે હતા એવા લોકોએ પણ શત્રો છોડયાં છે! છેલ્લાં પંચાવનથી
સાઠ વર્ષ દરમિયાન હજારો લોકો માઓવાદી હિંસાના ખપ્પરમાં હોમાયા છે. હોસ્પિટલો અને શાળાઓનાં
બાંધકામ કરવાની પણ મનાઈ ફરમાવતા હતા. ડોક્ટરોને સેવા આપવાની છૂટ નહીં. આવા અત્યાચાર
બદલ હું પ્રથમ વખત મારી તીવ્ર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું - એમ વડાપ્રધાને કહ્યું
છે. રાષ્ટ્રનો યુવાવર્ગ ગંભીર પાપ અને અન્યાયનો ભોગ બન્યો છે, પણ 2014થી સરકારે
ભટકેલા યુવાનોને સમજાવીને સભ્ય સમાજમાં પાછા ફરવા સમજાવ્યા છે. એમના પુનર્વસવાટની ખાતરી
અને વ્યવસ્થા થઈ છે. પ્રાયશ્ચિત કર્યા પછી ફોજદારી ગુનાના કેસ પાછા ખેંચવામાં આવે છે.
આ પ્રયાસોને પરિણામે બસ્તર-છત્તીસગઢમાં યુવાનો હવે ઓલિમ્પિકનું આયોજન કરે છે અને ભાગ
લઈ રહ્યા છે તે ગૌરવની વાત છે.