નવી દિલ્હી, તા. 26 : અમેરિકાની
50 ટકા ટેરિફની તલવાર વીંઝાયા
પછી પણ ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતીમાં ગાબડું પડયું નથી. વિશ્વ બેન્ક સહિત વિવિધ
વૈશ્વિક સંસ્થાઓમાં સૂર પુરાવતાં હવે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ પણ ભારત
પર ભરોસો કર્યો છે. આઈએમએફના અહેવાલમાં એવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે, ટેરિફ છતાં ભારત વિશ્વમાં સૌથી ગતિશીલ અર્થવ્યવસ્થાવાળા
દેશોની હરોળમાં સામેલ રહેશે. વૈશ્વિક સ્તરની આ સંસ્થાએ કહ્યું હતું કે, 2025-26નાં નાણાં વર્ષમાં ભારતનો જીડીપી
દર 6.6 ટકા રહેશે. ખાસ વાત એ છે કે, દુનિયાનું બીજું સૌથી મોટું અર્થતંત્ર ચીન પણ
ભારતથી ઘણું પાછળ રહેશે. પહેલાં ત્રિમાસિક ગાળાની મજબૂત આર્થિક ગતિવિધિઓને નજર સામે
રાખતાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે આ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. આઈએમએફના મત
મુજબ, ભારત ચીનની તુલનાએ વધારે ગતિ સાથે આગળ વધશે. ચીનનો જીડીપી
દર 4.8 ટકા રહેશે તેવું અનુમાન વૈશ્વિક
સંસ્થાએ જારી કર્યું હતું. દરમ્યાન, વૈશ્વિક વિકાસ દર 3.2 ટકા અને 2026માં 3.1 ટકા રહી શકે છે, જે અગાઉ કરાયેલાં પૂર્વાનુમાનો કરતાં ઓછું છે.