• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

પદયાત્રા પ્રવાસ નહીં ભગવાન પ્રત્યેની ભક્તિ, એકતાનું પ્રતીક

અંજાર, તા. 26 : ગામથી પાંચોટિયા ધામ સુધીની ભવ્ય પદયાત્રાનો પ્રારંભ  કરાયો હતો.  આ પવિત્ર પદયાત્રામાં મોટી સંખ્યામાં રસિકજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પ્રારંભ પ્રસંગે  સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે ધ્વજપૂજન અને આરતી કરીને પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે, પદયાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ભગવાન પ્રત્યેની ભક્તિ, શાંતિ અને એકતાનું પ્રતીક છે. તેમણે સૌને ધર્મ, સેવા અને સંસ્કારના માર્ગે ચાલવા પ્રેરણા આપી હતી. આ પદયાત્રા પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ભગવાનદાસજી મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઇ કોડરાણી તેમજ અન્ય આગેવાનો પદયાત્રામાં જોડાઈને રસિકજનોનો ઉત્સાહ વધાર્યો હતો.  રતનાલથી શરૂ થયેલી આ પદયાત્રા દરમિયાન માર્ગમાં વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રિકો માટે પાણી, નાસ્તો, ભોજન અને આરામની સેવા વ્યવસ્થા કરવામાં આવી હતી. રસ્તામા રસિકજનો દ્વારા ભજન-કીર્તન સાથે ધ્વજ-પતાકાઓ ફરકાવીને ભક્તિમય માહોલ સર્જાયો હતો. રતનાલથી શરૂ થયેલી પદયાત્રા ગોવર્ધન પર્વત, સતાપર, અંજાર, ખેડોઇ, ગુંદાલા, ઝરપરા, ગુંદિયાળી, કાઠડા થઈને પાંચોટિયા સોમવારે પહોંચશે. સોમવારે સવારે પાંચોટિયા ધામ રાધાકૃષ્ણ મંદિર ખાતે વિશેષ આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવશે. આ પવિત્ર યાત્રા દ્વારા ભક્તોમાં ઉમંગ, આધ્યાત્મિક ઊર્જા અને સંપ્રદાય પ્રત્યેની અડગ શ્રદ્ધાનું નવું ઉદાહરણ પ્રસ્થાપિત થયું છે. 

Panchang

dd