નવી દિલ્હી, તા. 26 : ભારતીય શિક્ષણજગત
માટે ભારે ચિંતાજનક અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. દેશભરમાં આઠ હજાર જેટલી શાળા
એવી છે, જેમાં 2024-25ના શિક્ષણ સત્ર દરમ્યાન એક
પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. દેશના શિક્ષણ મંત્રાલય તરફથી જ આંકડા જારી કરાયા
હતા. વધારે અચરજ પમાડે તેવું તથ્ય તો એ સામે આવ્યું છે કે, વિદ્યાર્થી વિહોણી આઠ હજાર શાળામાં 20 હજાર શિક્ષકોની નિયુક્તિ થયેલી
છે. આંચકારૂપ આંકડાઓ અનુસાર, દેશભરની
છાત્ર વિહોણી આ શાળાઓમાં કુલ 20,817 શિક્ષક તૈનાત છે. સત્તાવાર આંકડા અનુસાર, સૌથી વધારે 3812 શાળા પશ્ચિમ બંગાળમાં છે, જેમાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં આ રાજ્યની આવી શાળાઓમાં સૌથી વધુ 17,965 શિક્ષક નોકરી કરી રહ્યા છે.
જો કે, અગાઉના શિક્ષણ વર્ષ દરમ્યાન દેશમાં 12,954 શાળાઓ છાત્રા વિહોણી હતી, જેમાં પાંચ હજાર જેટલો ઘટાડો આવ્યો છે, તેવું શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. શાળા
શિક્ષણ એ રાજ્યનો વિષય છે, એ જોતાં રાજ્યોને શાળાઓમાં છાત્રોના
પ્રવેશ નહીં લેવાની સમસ્યા ઉકેલવાના પ્રયાસો કરવાની સલાહ અપાઈ છે, તેવું ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.