ભુજ, તા. 26 : કચ્છમાં વિમાની સેવાનો વ્યાપ
વધારવા ચાલી રહેલા પ્રયાસો વચ્ચે આજથી એર ઈન્ડિયાએ ભુજથી મુંબઈને જોડતી વધુ એક વિમાની
સેવા શરૂ કરી છે જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે આ વિમાની સેવાના પ્રથમ દિને
જ મુંબઈથી 162 પ્રવાસી ભુજ આવ્યા હતા અને
156 પ્રવાસી ભુજથી મુંબઈ ગયા હતા.
એર ઈન્ડિયાની આ વિમાની સેવા બપોરે 1:50 વાગ્યે મુંબઈથી ઉડાન ભર્યા બાદ 3:20 વાગ્યે ભુજ પહોંચે છે અને બપોરે
4 વાગ્યે પરત ભુજથી ઉડાન ભરી 5:25 વાગ્યે મુંબઈ પહોંચે છે. ભુજથી
સાંજના ભાગે આ ફ્લાઈટ ઉડાન ભરતી હોવાથી કચ્છના એનઆરઆઈ પ્રવાસીઓને તેઓની વિદેશની ફ્લાઈટ
માટે મુંબઈ વિમાની મથકે ઓછું રોકાણ કરવું પડશે. આથી સયમનો વ્યવ બચશે તેમજ મુંબઈથી જ
ભારતના અન્ય ક્ષેત્રની ફ્લાઈટ પણ સાંજ અને રાતે મળતી હોવાથી વાયા મુંબઈ થઈ દેશના અન્ય
મથકની ફ્લાઈટ મેળવવી સરળ બનશે. આવા સુલભ કારણોસર આ વિમાની સેવાને ભારે પ્રતિસાદ મળી
રહ્યો છે. માર્ચના અંત સુધી દરેક દિવસની સરેરાશ 50 ટકા ટિકિટો હમણાથી જ બુક થઈ ચૂકી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમ્યાન આજે બપોરે મુંબઈથી વિમાન ભુજના એરપોર્ટ પર આવતાં તેનું વોટર કેનનથી સ્વાગત
કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયા ભુજના મેનેજર એસ. બી. સિંઘે વિમાનના પ્રવાસીઓને અનુરોધ
કરતાં કહ્યું છે કે, ફ્લાઈટની ઉડાનના
નિયત સમય કરતાં બે કલાક પહેલાં એરપોર્ટ પહોંચી આવે જેથી બોર્ડિંગ માટે સરળતા રહે. અત્રે
ઉલ્લેખનીય છે કે, હાલના જ દિપાવલીના તહેવારો દરમ્યાન મુંબઈ -
કચ્છ વચ્ચે મોટી માત્રામાં પ્રવાસીઓના આવાગમનનાં પગલે તમામ ટ્રેન હાઉસફુલ થતાં વિમાનનાં
ભાડાં પણ ત્રણથી ચાર ગણા થઈ ગયા હતા. ભુજ-મુંબઈ વચ્ચે આ બીજી વિમાની સેવા શરૂ થતાં
મહદ્અંશે ભાડાં પણ નીચા આવશે તેવી સંબંધિતોએ આશા દર્શાવી હતી.