નવી દિલ્હી, તા. 26 : ભારતીય હવામાન
વિભાગે મોંથા ચક્રવાત અંગે ચેતવણી જારી કરતાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં બનેલું
દબાણનું ક્ષેત્ર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને 27 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં અને 28 ઓક્ટોબર સુધીમાં તીવ્ર ચક્રવાતી
તોફાનમાં ફેરવાઈ શકે છે, જેની અસર તળે
આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની
આગાહી વ્યક્ત કરાઈ છે. તોફાનના પગલે સેનાને પણ એલર્ટ પર રખાઈ છે, તો આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં 30મી સુધી અતિભારે વરસાદની આગાહીના પગલે આપત્તિ
વ્યવસ્થાપનના પગલાં લેવાયાં છે. એક મીડિયા હેવાલ મુજબ, બંગાળની ખાડીમાં વાવાઝોડું વધુ તીવ્ર બનતાં
સંવેદનશીલ જિલ્લાઓમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી થોડા દિવસોમાં
વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. 27-28મીખે રાયલસીમા, તમિલનાડુ, કેરળ,
જ્યારે 26-28મીએ દરિયાકાંઠાના
કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે. 26-30મીએ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદની સંભાવના
છે, તો તા. 27-30 સુધી તેલંગાણા, ઓરિસ્સા અને છત્તીસગઢમાં વરસાદની આગાહી વ્યક્ત
કરાઈ છે. જ્યારે આ ચક્રવાત આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થશે (માછલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ
વચ્ચે, કાકીનાડાની આસપાસ) ત્યારે પવનની ગતિ 90-100 કિમી પ્રતિ કલાક રહેશે, જે 110 કિમી પ્રતિ કલાક સુધી ફૂંકાશે. આંધ્રપ્રદેશ સહિતના અસર પામનારા
રાજ્યોમાં સરકારો દ્વારા તાકીદની વ્યવસ્થા કરાઈ છે,
તે ઉપરાંત બચાવ-રાહતકાર્ય માટે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત
કરાઈ છે. સેનાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંગઠન (એનડીએમએ) અને
સંબંધિત રાજ્ય સરકારો સાથે સંકલન કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છીએ અને કોઈ પણ
સ્થિતિને પહોંચી વળવા સેના તૈયાર છે તેમ કહ્યું હતું.