ગાંધીધામ, તા. 26 : અંજાર તાલુકાનાં મેઘપર બોરીચી
વિસ્તારમાં આવેલા બે યાર્ડમાંથી થયેલી ભંગાર ચોરીનાં પ્રકરણમાં
સ્થાનિક પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. મેઘપર-બોરીચી
વિસ્તારમાં આવેલા રામદેવ મેટલ યાર્ડ અને શિવ મેટલ યાર્ડમાં ચોરીનો બનાવ બન્યો હતો.
આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસ આરંભી હતી. તપાસના ધમધમાટ વચ્ચે મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલાં માલારા મહાદેવનાં
મંદિર તરફ જતા માર્ગ ઉપર બાવળની ઝાડીઓમાં ભંગાર સગવગે કરતા આરોપી કુંદનસિંઘ કુંશવાસિંઘ સિસોદિયા (રાજપૂત) (રહે. અંબાજીનગર-01, વરસામેડી), મુકેશ
ભાવેશભાઈ ઝીંઝુવાડિયા (દેવીપૂજક) (રહે. શાંતિધામ-5, વરસામેડી તા. અંજાર)ની પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી. આરોપી પોતાના કબજાના માલ અંગે જરૂરી આધાર-પુરાવા રજૂ કરી
શક્યા ન હતા. ભાંગી પડેલા તહોમતદારોએ અન્ય
આરોપી ભરત ઉર્ફે અઠો ભગાજી માજીરાણા (રહે.
ગાંધીધામ)ને સાથે રાખીને રામદેવ
યાર્ડ અને શિવ યાર્ડમાંથી ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. પોલીસે ત્રણેય આરોપીની
ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી પાસેથી અલગ-અલગ
વજનવાળા એલ્યુમિનિયમના એન્જિન પાર્ટ નંગ-63 કિં. રૂા. 63 હજાર, કોપરના
વાયર બોરા-3 કિં. રૂા.
15 હજાર, મોટરના કોપર રોટર-3 કિં. રૂા. 2100, મોટરની અંદરનું એચ.એમ.એસ. રોટર-20 કિં. રૂા. 6 હજાર,
સ્વીફ્ટ ગાડી જીજે-12-સીડી-7846 કિં. રૂા.
2.50 લાખ, બે મોબાઈલ ફોન કિં. રૂા. 10 હજાર સહિત કુલ રૂા. 3,46,100નો મુદ્દામાલ હસ્તગત લેવાયો
હતો. આરોપી કુંદનસિંઘ વિરુદ્ધ અંજાર, ગાંધીધામ, મુંદરા અને રાપરમાં ચોરીના છ ગુના અને આરોપી ભરત વિરુદ્ધ ગાંધીધામમાં
લૂંટ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ કામગીરીમાં અંજાર
પી.આઈ. એ.આર. ગોહિલ, પી.એસ.આઈ. વાય.પી. ગોહિલ સહિતનો સ્ટાફગણ
જોડાયો હતો.