• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

`રો-કો'એ જીતાડી સિડની વન-ડે

નવી દિલ્હી, તા. 25 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે સિડનીમાં રમાઈ હતી. આ મુકાબલામાં રોહિત શર્માની સદી અને વિરાટ કોહલીની અર્ધસદીની મદદથી ભારતીય ટીમે નવ વિકેટે જીત મેળવી હતી. મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે 237 રનનું લક્ષ્ય રાખ્યું હતું, જેને સરળતાથી પાર કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયામાં સંભવત: અંતિમ વન-ડે રમ્યા પછી રોહિતે ભાવૂક બનતાં કહ્યું હતું કે, પાછા અહીં આવશું કે નહીં, તે ખબર નથી, પરંતુ 2008ની પ્રથમ પ્રવાસની યાદો તાજી થઈ. ઓસ્ટ્રેલિયાનો આભાર. રોહિત શર્મા 121 અને વિરાટ કોહલી 74 રન કરીને અણનમ રહ્યા હતા. ભારતીય ટીમને પર્થમાં રમાયેલી વન-ડેમાં ડીએલએસ નિયમ હેઠળ સાત વિકેટે હાર મળી હતી, જ્યારે એડિલેડ વન-ડે યજમાન ટીમે બે વિકેટે જીતી હતી. હવે ભારતે સિડની વન-ડે જીતીને સન્માન બચાવ્યું છે. જો કે, ઓસ્ટ્રેલિયાએ 2-1થી શ્રેણી નામે કરી છે. લક્ષ્યનો પીછો કરતાં કપ્તાન શુભમન ગિલ અને રોહિત શર્માએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી અને 69 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને હેઝલવૂડે ગિલને આઉટ કરીને તોડી હતી. બાદમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ શાનદાર ભાગીદારી કરી હતી. બન્નેએ મળીને અણનમ 168 રન જોડયા હતા. રોહિતે 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 125 બોલમાં 121 રન કર્યા હતા, જે રોહિત શર્માની કારકિર્દીની 33મી વન-ડે સદી રહી હતી, જ્યારે કોહલીએ સાત ચોગ્ગાની મદદથી 81 બોલમાં અણનમ 74 રનનું યોગદાન આપ્યું હતું. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 46.4 ઓવરમાં 236 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી હતી. ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શે પહેલી વિકેટ માટે 61 રન કર્યા હતા. સિરાજે હેડને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. બાદમાં અક્ષર પટેલે માર્શને 41 રને બોલ્ડ કર્યો હતો. બાદમાં ફોર્મમાં રહેલો મેથ્યુ શોર્ટ 30 રને વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં આઉટ થયો હતો. અહિંયાથી એલેક્સ કેરી અને મેથ્યુ રેનશો વચ્ચે ચોથી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી. કેરી હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો. વોશિંગ્ટન સુંદરે રેનશોના રૂપમાં ભારતીય ટીમને વધુ એક મોટી સફળતા અપાવી હતી. રેનશોએ 55 રન કર્યા હતા. મિચેલ ઓવન એક રને હર્ષિતનો શિકાર બન્યો હતો. સ્ટાર્ક ચાઈનામેન કુલદીપ યાદવની ફીરકીમાં ફસાયો હતો. બાદમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ નાથન એલિસની વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ અંતિમ બે વિકેટ લીધી હતી. મેચમાં હર્ષિતે કુલ ચાર વિકેટ લીધી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરને બે સફળતા મળી હતી.  

Panchang

dd