ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથીવાર આજે રજૂ કરેલું
બજેટ સર્વગ્રાહી, સર્વાંગી છે.
રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા, 3.70 લાખ કરોડનાં બજેટમાં યુવાનો,
મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, ખેડૂતોને ધ્યાને રખાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ,
સૌનો વિકાસના સૂત્રને ભૂપેન્દ્રભાઈની સરકાર પણ અનુસરે છે, તેવો સૂર આ બજેટ ભાષણમાં સંભળાયો હતો. આગામી સમયમાં પાંચ લાખ રોજગારી સર્જવાની
જાહેરાત યુવાવર્ગને રાહત આપનારી છે. ખેડૂતો માટે નાણામંત્રીએ ઘણી રાહતજનક જાહેરાત કરી
છે. ટ્રેક્ટર ખરીદીની સહાય વધારીને રૂા. એક લાખ કરવામાં આવી છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકો-પેન્શનરોએ હયાતીનો પુરાવો
આપવા રૂબરૂ જવું પડશે નહીં. ઓનલાઈન વિનામૂલ્યે આ પ્રક્રિયા થઈ શકશે. ગ્રીનગ્રોથ વધારવા
માટે ઈ-વાહનો ઉપર છ ટકાને બદલે એક વર્ષ માટે એક ટકો ટેક્સ વસૂલવામાં આવશે તેવો પર્યાવરણલક્ષી
નિર્ણય પણ બજેટનું ઉલ્લેખનીય પાસું છે. આ અવધિને અત્યારથી જ લંબાવી દેવાની જરૂર હતી.
ઈ-વ્હીકલની ખરીદી આનાથી વધશે તેવી આશા સરકારને લાગે છે. સંત સૂરદાસ યોજના દ્વારા હવે
90 ટકાને બદલે 60 ટકા દિવ્યાંગતા હોય તેવા લોકોને
પણ વાર્ષિક રૂા. 12,000ની સહાય આપવાના
નિર્ણયને પણ આવકારવો જોઈએ. બજેટમાં નાણામંત્રીએ કોઈ નવો વેરો નથી નાખ્યો, પરંતુ વ્યાવસાયવેરો સદંતર નાબૂદ કર્યો હોત તો
બજેટના વધારે વખાણ થયા હોત. 859 કરોડ રૂપિયાની પુરાંત દર્શાવતાં આ બજેટ દ્વારા નાણામંત્રીએ-સરકારે
કરવેરામાં જે રાહત આપી છે તેને લીધે 148 કરોડનું ભારણ આવશે. સમતોલ બજેટ જેવો જે શબ્દપ્રયોગ અવારનવાર
થાય છે તે આ બજેટને સંપૂર્ણ અનુરૂપ છે. ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર હજી વિકાસની અપાર
શક્યતા ધરાવે છે. આ વખતે રાજ્ય સરકારે 6500 કરોડની માતબર ફાળવણી આ ક્ષેત્રે કરી છે. આ ક્ષેત્રે જે રોકાણ
થશે તેના ફળ રાજ્યને ભવિષ્યમાં અનેકગણા મળશે. સેવા ક્ષેત્ર માટે કમિશનરેટ ઓફ સર્વિસીઝની
ઓફિસ સ્થાપવાનો નિર્ણય પણ નવો અભિગમ પ્રગટ કરે છે. રાજ્યના તમામ વર્ગને ખુશ કરવાની
કોશિશ કરાઈ છે તેવી રીતે તમામ વિસ્તારના વિકાસને પણ લક્ષ્યમાં રાખવામાં આવ્યો છે. રાજકોટમાં મેડિસિટી પ્રકારની સેવા અંતર્ગત હૃદયરોગ
અને કેન્સરના નિદાન-સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. વર્કિંગ વૂમન હોસ્ટેલ પણ
રાજકોટમાં બનાવવામાં આવનારી છે. માળખાંગત સુવિધામાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા
સાથે નમો શક્તિ એક્સપ્રેસ-વે થકી જોડવામાં આવશે. દ્વારકા, સોમનાથ, પોરબંદર સહિતના
પ્રવાસન-ધાર્મિક સ્થળો સુધી પહોંચવા માટેના માર્ગને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ તરીકે
વિકસાવાશે. સૌરાષ્ટ્રનાં આ સ્થળોએ હવે તો બારેમાસ પ્રવાસી-યાત્રાળુઓનો ધસારો હોય છે,
ત્યારે આ માર્ગ આધુનિક અને પહોળા બનાવવાની આવશ્યકતા હતી જ. ભુજથી નખત્રાણાના
ચતુર્માર્ગીય કોરિડોરનાં કામ માટે રૂા. 937 કરોડ ફાળવાયા છે, છેક માતાના મઢ, કોટેશ્વર સુધીના તીર્થો માટે આ ઉપયોગી
યોજના બનશે. શહેરોના આધુનિકીકરણની સાથે નગરપાલિકાઓનાં સ્તરમાં પણ સુધારો કરવાનું ધ્યેય
વ્યક્ત થયું છે. સૌની યોજનાને લીધે સૌરાષ્ટ્રની જળસમસ્યા ઘણા અંશે ઉકેલાઈ ગઈ છે,
છતાં પાણી પુરવઠાના વ્યવસ્થાપનની સતત જરૂર વર્તાય છે. બજેટમાં વલભીપુર, માળિયા, બોટાદ, અમરેલી, ભાવનગર,
સોમનાથ, જૂનાગઢ, પોરબંદર
જિલ્લાઓ માટે પાણીની પાઈપલાઈનની વ્યવસ્થા કરવા માટે ફાળવણી થઈ છે. ભૂપેન્દ્રભાઈ પટેલની
સરકારે સ્વાસ્થ્ય, ઉદ્યોગ, કૃષિ,
પ્રવાસન, સાગરકાંઠો સહિતની તમામ બાબતોને ધ્યાને
રાખીને રાજ્યના વિકાસને ગતિ આપવાનો પ્રયાસ કર્યો છે. નવા માર્ગોની જાહેરાત ઘણી આવકાર્ય
છે, પરંતુ રાજકોટ-અમદાવાદ, રાજકોટ-જૂનાગઢ
સહિતના જે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં કામ વર્ષોથી ચાલે છે તે સત્વરે પૂર્ણ થાય તે પણ
જરૂરી છે. ભૂપેન્દ્રભાઈની સરકારનું આ બજેટ સૌનું બજેટ છે તેવું કહી શકાય.