• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

વ્યક્તિવાદ નહીં, પક્ષવાદને મહત્ત્વ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા પછી ભાજપ મુખ્ય પ્રધાનપદ માટે કોની પસંદગી કરશે એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો અને બારાત તૈયાર હૈ - દુલ્હારાજા ગાયબ હૈ - એવી `આપ'ના નેતાઓની ટીકાનો જવાબ હવે મળી ગયો છે. વ્યૂહાત્મક રીતે આતિષીની જગ્યાએ રેખા ગુપ્તા અને કેજરીવાલને હરાવનાર પ્રવેશ શર્માને લવાયાં છે. પ્રવેશ શર્માના પિતા સાહેબ સિંહ દિલ્હીના મુખ્ય પ્રધાન પદે હતા. મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં વિલંબનું આશ્ચર્ય નથી, પણ રહસ્ય છે. દિલ્હીના મતદારોએ ભાજપને બહુમતી આપ્યા પછી મુખ્ય પ્રધાનની પસંદગી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ કરે અને ચૂંટાયેલા વિધાનસભ્યો સમર્થન આપે તેવો શિરસ્તો છે. કૉંગ્રેસ શાસનમાં વિધાનસભ્યો ઠરાવ પસાર કરીને મુખ્ય પ્રધાનની પસંદગીની સર્વસત્તા ઇન્દિરા ગાંધીને આપતા હતા. કેન્દ્રમાં ભાજપ-એનડીએની  સરકાર આવ્યા પછી રાજ્યોમાં મુખ્ય પ્રધાનોની પસંદગી નવી દિલ્હીમાં થાય છે અને મુખ્ય પ્રધાનપદે તદ્દન નવાં નામ જાહેર કરીને પરિવર્તનની ખાતરી અપાય છે. 2014 પછી દસ મુખ્ય પ્રધાનો બદલવામાં આવ્યા છે. ગુજરાત અને ઉત્તરાખંડમાં બબ્બે વખત પરિવર્તન થયું છે. ભાજપ હાઈ કમાન્ડનો વ્યૂહ રાજ્યોમાં જૂથબંધી અને યાદવાસ્થળી થાય નહીં અને હાઈ કમાન્ડ સામે પડકાર જાગે નહીં તેવી વ્યવસ્થાનો છે. મુખ્ય પ્રધાનના વ્યક્તિવાદના બદલે `પક્ષવાદ'નું મહત્ત્વ છે. આ રીતે હરિયાણા, ગોવા, કર્ણાટક, ત્રિપુરા, આસામ અને મધ્યપ્રદેશમાં નેતા બદલાયા છે અને પૂર્વ મુખ્ય પ્રધાનોને કેન્દ્રમાં સ્થાન અપાયાં છે. દિલ્હીમાં પણ આ નિયમ છે.દિલ્હીના પ્રધાનમંડળનો શપથવિધિ રાજ ભવનના બદલે રામલીલા મેદાનમાં આયોજિત છે. વિશાળ મેદાનમાં દિલ્હીની જનતા `જયશ્રી રામ'નો સૂત્રોચ્ચાર ગજાવશે. રામલીલા મેદાનની પસંદગી પણ નિશ્ચિત હતી. આ મેદાન રાજકીય સભાઓ માટે જાણીતું છે. 1975ની કટોકટી પછી 1977ની ચૂંટણીમાં જયપ્રકાશજીની વિશાળ સભા હતી અને લોકો સભામાં જાય નહીં તે માટે ટીવી-દૂરદર્શન ઉપર તત્કાલીન લોકપ્રિય ફિલ્મ ``બૉબી'' દેખાડવાની જાહેરાત થઈ હતી. છતાં લોકોએ જયપ્રકાશજીની સભામાં જવાનું પસંદ કર્યું.દિલ્હી વિધાનસભામાં ભાજપને 27 વર્ષ પછી સત્તા મળી છે. શ્રીરામ વનવાસ પછી અયોધ્યા પધાર્યા હોય એવો માહોલ અને ઉત્સાહ છે. વડા પ્રધાન મોદી સાથે અમિત શાહ અને ભાજપ તથા સરકારના નેતાઓ અને ભાજપશાસિત વીસ રાજ્યોના મુખ્ય પ્રધાનો દિલ્હી માટે ઐતિહાસિક શપથ સમારોહમાં હાજરી આપશે. દેશભરમાં વિજયરથ ફર્યા પછી રાજધાની નવી દિલ્હી સાથે જોડાયેલા દિલ્હીમાં સત્તા - મસ્તક ઉપરના મુગટ જેવી છે! 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd