કરાચી, તા. 20 : ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન
મેચમાં આંચકારૂપ હાર સહન કરનારા યજમાન દેશ પાકિસ્તાનની ટીમને વધુ એક ફટકો પડયો છે.
ઇજાને લીધે તેનો ઓપનિંગ બેટસમેન ફખર જમાન ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર થઇ ગયો છે. તેને
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે મેચની પહેલી ઓવરના બીજા દડે જ સ્નાયુ
ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. બાદમાં જો કે, તે ફિલ્ડિંગ કરી શક્યો ન હતો અને નંબર
ચાર પર બેટિંગમાં આવીને 41 દડામાં 24 રનની ઇનિંગ્સ રમી હતી. ફખર
જમાનના સ્થાને પાક. ટીમમાં ઇમામ ઉલ હકનો સમાવેશ કરાયો છે. તેની લગભગ 16 મહિના પછી પાક. ટીમમાં વાપસી
થઇ છે. ઇમામ ઉલ હક પાકિસ્તાન તરફથી છેલ્લે
2023 વર્લ્ડ કપમાં વન-ડે મેચ રમ્યો
હતો. પાક. ટીમમાં ફખરના સ્થાને ઇમામના સમાવેશની આઇસીસી તરફથી મંજૂરી મળી ગઇ છે. પાકિસ્તાનને
તેની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 60 રને હાર મળી હતી. અત્રે
એ ઉલ્લેખનીય રહેશે કે, 2017માં પાક. ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં
વિજેતા બની હતી. ત્યારે ફખર જમાને ભારત સામેની ફાઇનલમાં 114 રનની ઇનિંગ્સ રમી હતી.