• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

મનોરંજનનાં નામે અશ્લીલ આક્રમણ સહન ન થાય

ટેલિવિઝન ચેનલો અને ઓટીટી પર રિયાલિટી શોનાં નામે પેશ થતી અશ્લીલ સામગ્રી સામે સમયાંતરે પ્રશ્નો ઉઠતા રહ્યા છે. `ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં યુ-ટયૂબર રણવીર  અલાહાબાદિયાએ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો એના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મામલો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો ને ન્યાયમૂર્તિ સૂર્યકાંતે રણવીરની ઝાટકણી કાઢતાં કહ્યું કે, તેના દિમાગમાં ગંદકી ભરી પડી છે. માતા-પિતા કે બહેનો જ નહીં... સમગ્ર સમાજ શરમ અનુભવી રહ્યો છે. આ વિકૃત માનસિકતા છે. ન્યાયમૂર્તિએ અલાહાબાદિયાના વકીલને સવાલ કર્યો કે, તમે આવી ટિપ્પણીનો બચાવ કરો છો ? સુપ્રીમ કોર્ટના જજના રોષમાં સમાજ અને દેશની લાગણીનો પડઘો છે. કોમેડિયન સમય રૈનાના શોમાં રણવીર અલાહાબાદિયાએ અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી કરતાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સંસદથી લઇને સડક સુધી વિરોધ પ્રદર્શન થયા ને યુ-ટયૂબના કાર્યક્રમ સામે કાર્યવાહીની માંગ ઊઠી હતી. નફ્ફટ રણવીરે શોમાં ભાગ લઇ રહેલા લોકોને તેના માતા-પિતાની અંગત પળો વિશે ગંદા સવાલો કર્યા. ભારતીય પરિવાર અને સાંસ્કૃતિક મૂલ્યો પર હુમલા સમાન એ ટિપ્પણી બાદ અપેક્ષા મુજબ દેશના જુદા-જુદા વિસ્તારોમાંથી આ મુદ્દે ફરિયાદનો રાફડો ફાટયો છે. રાષ્ટ્રીય મહિલા પંચે પણ આવા કાર્યક્રમોના નિયમનની માંગ સાથે કાર્યવાહીની ભલામણ કરી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે યુ-ટયૂબને વિવાદાસ્પદ કાર્યક્રમને હટાવી દેવા કહ્યું. રાજકીય સ્તરે પણ ગરમાગરમી જોવા મળી. આ ઘટનાથી ફરી એકવાર ચર્ચા ઊઠી છે કે, દેશમાં જાહેર ચર્ચાને લઇને સામાજિક મૂલ્યોથી લઇને અભિવ્યક્તિની આઝાદીની સીમાનું નિર્ધારણ થવું જોઇએ અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માતાઓની જવાબદારી સુનિશ્ચિત થવી જોઇએ. આ પ્રત્યાઘાતને પગલે યુ-ટયૂબર અલાહાબાદિયાએ જુદાં-જુદાં રાજ્યોમાં નોંધાયેલા કેસો પર એક સાથે જ સુનાવણીની માંગ કરતી અરજી કરી. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ એન. કોટેશ્વરસિંહે અલાહાબાદિયાની ધરપકડ સામે વચગાળાનો મનાઇહુકમ આપવાની સાથે આ મામલે કોઇ નવી એફઆઇઆર નોંધવામાં ન આવે એવું પણ ફરમાવ્યું હતું. અદાલતમાં રણવીર અલાહાબાદિયાએ તેને અને તેના પરિવારને જીભ કાપી નાખવા સુદ્ધાંની ધમકી મળી રહી હોવાનું કહ્યું... ન્યાયમૂર્તિએ જવાબમાં કહ્યું કે, આવી અશ્લીલ ભાષા બોલશો તો ધમકી મળવાની જ છે. અલબત્ત, તેમણે પોલીસ સુરક્ષાની ધરપતે આપી હતી. હકીકતમાં સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર લાઇક અને ફોલોઅર્સ વધારવા અભદ્ર અને વિવાદિત કાર્યક્રમો, રીલ્સને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે, જેથી યુ-ટયૂબર્સની આવક વધે. સમયની વિડંબણા એ છે કે, ધીરગંભીર-માહિતીપ્રદ કાર્યક્રમોને કોઇ લાઇક મળતી નથી, પણ નિરંકુશ કાર્યક્રમને ફોલો કરનારાની લાઇન લાગી જાય છે. પરિણામે જે-તે પ્લેટફોર્મને વિજ્ઞાપનની પણ આવક થવા લાગે છે. સવાલ એ છે કે, આ ક્યાં સુધી ચાલશે ? ડિજિટલ દુનિયા હવે એઆઇ તરફ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે આપણે સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મનાં જોખમોને સમજીને એ સામે સંરક્ષણની દીવાલ ઊભી કરવી પડશે. સરકારે આ દિશામાં કડક કાયદો ઘડવાની જરૂર છે. લોકતાંત્રિક દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવાની, પરંતુ તેનો અર્થ એ લગીરે નથી કે, સામાજિક અને પારિવારિક મર્યાદા સદંતર કોરાણે મૂકી દેવામાં આવે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મોની કન્ટેન્ટની જવાબદેહિતા સુનિશ્ચિત બનાવવાની જરૂર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd