ભુજ, તા. 20 : ગઈકાલે બપોરે રાપર તાલુકાના
બામણસરની સીમમાં ટાવર ઉપર કામ કરતો પશ્ચિમ બંગાળનો 39 વર્ષીય યુવાન મિથુન બીસુ મંડલ નીચે પડતાં તેનું પ્રાણપંખેરું
ઊડી ગયું હતું. બીજી તરફ મધ્યપ્રદેશનો 24 વર્ષીય યુવાન કમલેશ મોહર કોલએ આજે વાયોરમાં ગળેફાંસો ખાઈ જીવ
દઈ દીધો હતો. બામણસરની સીમમાં પાવરગ્રીડ કંપનીના ટાવર નં.ટી-278 ઉપર ગઈકાલે બપોરે કામ કરી રહ્યો
હતો ત્યારે તે ઉપરથી નીચે પડી જતાં ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. આડેસર
પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ વાયોરમાં અલ્ટ્રાટેકની
લેબર કોલોનીની ઓરડીમાં આજે બપોરથી સાંજ દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર કમલેશે દોરી વડે
ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર અર્થે નલિયા સરકારી હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના
તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ કમલેશ હજુ છ-સાત દિવસ પૂર્વે જ પોતાના વતન મધ્યપ્રદેશથી
અહીં કામ અર્થે ભાઈ પાસે આવ્યો હોવાની વિગતો મળી છે. વાયોર પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી કાર્યવાહી કરી હતી.