ગાંધીધામ, તા. 20 : રાજયભરમાં છેલ્લા લાંબા સમયથી
ઓનલાઈન છેતરપિંડીના અનેક કિસ્સાઓ સમયાંતરે સપાટી ઉપર આવ્યા છે, તેવામાં ગાંધીધામની શિક્ષિકા સાથે ડિજિટલ ધરપકડના નામે ધમકી આપી અજાણ્યા આરોપીઓએ રૂા.15.50 લાખની છેતરપીંડી કરી હોવાનો
મામલો ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયો હતો. શહેરમાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા કાન્તાબેન નરેશભાઈ
સોલંકીએ બે અજાણ્યાઓ સામે મોબાઈલ નંબર સાથે ગુનો નોંધાવ્યો હતો.ગત તા.6/2થી તા.18/2ના સુધીના અરસામાં આ બનાવ બન્યો
હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યુ હતું કે અજાણ્યા ઈસમે વોટસએપ માધ્યમ
ઉપર સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ મુંબઈવાળો સંદેશો મોકલ્યો હતો. ત્યારબાદ વીડિયો કોલ
કર્યો હતો, જેમાં પોલીસની વર્ધીમાં
બેઠલા શખ્સે જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસમાંથી બોલું છું. તમારા ઉપર મની લોન્ડરીંગનો કેસ થયેલ છે. તમારા
નામે કેનેરા બેંક મુંબઈમાં ખાતું ખુલેલ છે, જેમાં મની લોન્ડરીંગના
રૂા.25 લાખ આવ્યા છે. હજી બે કરોડ
આવવાના છે. મની લોન્ડરીંગ કરનારને અમે પકડી પાડેલા છે. આ પ્રકારની વાત કરીને છેતરપીંડી કરનારા શખ્સોએ ફોરેન એક્ષચેન્જ એકટ અને
મની લોન્ડરીંગ એકટ સહિતના લખાણ સાથેનો ધરપકડ
ઓર્ડર અને અન્ય એક કાગળમાં ફિઝીંગ ફંડ કન્ટ્રોલ ઓર્ડર મોકલ્યો હતો. આરોપીઓ તમારી પાસે
જેટલી મિલકત હશે તેટલી રકમ નાખવી પડશે. જે
આર.બી.આઈ. મની લોન્ડરીંગના આવેલ રકમના સિરીયલ નંબર આર.બી.આઈ. દ્વારા તપાસ આવશે. તમારા પૈસાના સિરીયલ નંબર મેચ નહીં થાય તો તમારા પૈસા પાછા મળી
જશે. તમારા નાણાં સરકાર પાસે સુરક્ષિત છે તેવી હૈયાધારણ આપી હતી. ભેજાબાજોએ ફરિયાદી
અને તેમના પતિને માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ સતત 15 કલાક સુધી વિડીયોકોલ ચાલુ રાખ્યા હતો. સુપ્રીમ કોર્ટના નામનો ખોટા લેટરપેડનો ઉપયોગ કરી અલગ-અલગ સમયે જુદા-જુદા
ખાતા નંબરોમાં રૂા.7.50 લાખ, 4.80 લાખ, અને 3.20 લાખ સાથે કુલ રૂા.15.50 જમા કરાવ્યા હતા. પોલીસની ખોટી ઓળખ આપી અન્ય મની લોન્ડરીંગના ભારે ગુન્હામાં ઓનલાઈન ધરપકડ
કરી બળજબરીપૂર્વક નાણાં પડાવી લેવાના કિસ્સામાં આરોપી ફરિયાદીના પુત્રનુ અપહરણ કરવાની
ધમકી પણ અપાઈ હોવાનુ ફરીયાદમાં વર્ણવામાં આવ્યું
છે. આ અંગે પોલીસે વિધીવત રીતે ગુન્હો નોંધી
વધુ તપાસ આરંભી છે. સામાન્ય રીતે પોલીસ આ પ્રકારે
કયારે કોઈને હેરાન કરતી નથી.ડિજીટલ
ધરપકડની ધમકી સામે નાગરીકોને સાવચેત રહેવા પોલીસતંત્ર અપીલ કરાઈ છે.