• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

વરસાણાના એકમમાં બે વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનારાને આજીવન કેદની સજા

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના વરસાણામાં  ઈસ્પાત કંપનીના વાહન પાર્કિંગમાં બે વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારવાના ગંભીર કૃત્યમાં અંજારની કોર્ટે એક આરોપીને તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા કરતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.   વર્ષ 2018માં નવેમ્બર મહિનામાં આ બનાવ બન્યો હતો.આ કેસની વિગતો અનુસાર  ઇસ્પાત કંપનીમાં વાહન પાર્કિંગ પાસે ઝુંપડપટ્ટીમાંથી રાત્રિના 11 વાગ્યાના અરસામાં બે વર્ષની બાળકી નીકળી હતી. દરમ્યાન કંપનીમાં ટેલરના ખલાસી તરીકે  આરોપી સબલુકુમાર ચૌહાણ અને ભરત મોહન ગામેતી (રહે.રાજસ્થાન)એ એકલી  બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો અંજાર પોલીસ મથકે નોંધાયો હતો. આ કેસ અંજારના બીજા અધિક સ્પેશિયલ (પોકસો) ન્યાયાધીશ કમલેશ શુકલા સમક્ષ ચાલી ગયો હતો. ફરિયાદી પક્ષ તરફથી  31 દસ્તાવેજી અને 26 મૌખિક પુરાવા રજૂ થયા હતા.   બંને પક્ષોની દલીલોને ધ્યાને રાખીને  અદાલતે  આરોપી ભરત  ગામેતીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તથા 50 હજારનો દંડ કર્યો હતો. પીડીતાને રૂા.ચાર લાખ વળતર તરીકે ચુકવવા પણ આ આદેશમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેસમાં કોર્ટ જુબાનીમાં ફરી ગયેલા પંચો વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવા રજીસ્ટ્રારને હુકમ કરાયો હતો તેમજ તપાસમાં કરેલ ખામીનાં કારણોસર તપાસ કરનાર અધિકારી વિરુધ્ધ કાયદાકીય પગલાં લેવાનું આ  ચુકાદામાં ઠરાવવામાં આવ્યુ છે.  આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકિલ  આશિષકુમાર પંડયા અને મૂળ ફરીયાદી પક્ષે ધારાશાત્રી પ્રભુલાલ આર. હડીયાએ હાજર રહીને દલીલો કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd