દુબઇ, તા. 20 : ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી
અભિયાનનો પ્રારંભ શાનદાર વિજય સાથે કર્યોં છે. ઝખ્મી શેર મોહમ્મદ શમીના પંજા બાદ શુભમન
ગિલની આકર્ષક-અણનમ સદીની મદદથી બાંગલાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાનો 6 વિકેટે ઝમકદાર વિજય થયો હતો. 229 રનનો વિજય લક્ષ્યાંક ભારતે
21 દડા બાકી રાખીને 46.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
શુભમન ગિલ કારકિર્દીની 8મી અને સતત
બીજી સદી કરી 129 દડામાં 9 ચોગ્ગા-2 છગ્ગાથી 101 રને નોટઆઉટ
રહ્યો હતો. આ પહેલાં શમીએ કાતિલ બોલિંગ કરીને પ વિકેટ ઝડપી હતી. બીજી તરફ બાંગલાદેશના
બેટર તૌહિદ હ્યદયની લડાયક ઇનિંગ એળે ગઇ હતી.
144 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ શુભમન અને રાહુલે બાજી
સંભાળી લીધી હતી. આ બન્ને વચ્ચે 98 દડામાં 87 રનની અતૂટ અને વિજયી ભાગીદારી
થઇ હતી. ગિલના સાથમાં રાહુલ 47 દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગાથી 41 રને નોટઆઉટ
રહ્યો હતો. ભારતની શરૂઆત આક્રમક રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પહેલી
ઓવરથી જ તાબડતોબ બેટિંગ કરીને પહેલી વિકેટમાં પ9 દડામાં 69 રનની ભાગીદારી
કરી હતી. રોહિત 36 દડામાં 7 ચોગ્ગાથી આક્રમક 41 રન કરી આઉટ થયો હતો. સ્ટાર
વિરાટ કોહલી 22, શ્રેયસ અય્યર 1પ અને અક્ષર પટેલ 8 રને આઉટ થયા હતા. બાદમાં ગિલ અને રાહુલે
ભારતને જીત અપાવી હતી. અગાઉ બાંગલાદેશે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. તેનો આ નિર્ણય
શરૂઆતમાં બુમરેંગ બન્યો હતો. બાંગલાદેશે શમી એન્ડ કંપનીની ધારદાર બોલિંગ સામે 3પ રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, આ પછી તૌહિદ હ્યદયની લડાયક સદીની મદદથી બાંગલાદેશ
ટીમના 49.4 ઓવરમાં 228 રન થયા હતા. ઇનિંગ્સની પહેલી
ઓવરમાં જ શમી ત્રાટક્યો હતો. તેણે સૌમ્ય સરકારનો ઝીરોમાં શિકાર કર્યો હતો, જ્યારે બીજી ઓવરમાં હર્ષિત રાણાએ બાંગલા કપ્તાન
નઝમૂલ હસન શાંતો (0)ની વિકેટ
લીધી હતી. મહેંદી હસન મિર્ઝા (પ)ની વિકેટ શમીએ લીધી હતી. આ પછી અક્ષર પટેલે બે દડામાં
બે વિકેટ લીધી હતી. આથી બાંગલાદેશે 3પ રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. તંજિદ હસન 2પ રને આઉટ થયો હતો.દબાણની આ સ્થિતિમાં તૌહિદ
હૃદય અને જાકેર અલીએ ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કરીને છઠ્ઠી વિકેટમાં 206 દડામાં 1પ4 રનની રેસ્ક્યૂ પાર્ટનરશિપ કરી બાંગલાદેશની સ્થિતિ સુધારી હતી.
જાકેર અલી 114 દડામાં 4 ચોગ્ગાથી 68 રને આઉટ થયો હતો, જ્યારે તૌહિદ હૃદય કારકિર્દીની પ્રથમ વન-ડે
સદી કરી આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. અનફિટ હોવા છતાં તેણે લડાયક 100 રન 118 દડામાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાથી કર્યાં હતા. ભારત તરફથી મોહમ્મદ
શમીએ શાનદાર વાપસી કરીને પ3 રનમાં પ વિકેટ
લીધી હતી. હર્ષિત રાણાને 3 અને અક્ષર
પટેલને 2 વિકેટ મળી હતી. રોહિતે કેચ પડતો મુકતાં
અક્ષર હેટ્રિક ચૂક્યો કેપ્ટન રોહિત શર્માએ આસાન કેચ પડતો મૂકતાં સ્પિનર અક્ષર પટેલ
હેટ્રિક ચૂકી ગયો હતો. અક્ષર પટેલે તેની પહેલી અને ઇનિંગ્સની નવમી ઓવરમાં બીજા દડે
તંજિદ હસનની વિકેટ લીધી હતી. આ પછીના દડે અક્ષર પટેલે બાંગાલદેશના અનુભવી બેટધર મુશફીકુર
રહેમાનને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવી પેવેલિયન ભેગો કર્યો હતો. બે દડામાં બે
વિકેટ લીધા પછી અક્ષર પાસે હેટ્રિકની તક હતી. આથી કેપ્ટન રોહિતે બે સ્લીપ અને એક લેગ
સ્લીપ લગાવી હતી. અક્ષરના દડામાં જાકેર અલી કટ કરવામાં થાપ ખાઇ ગયો હતો અને દડો સ્લીપમાં
ગયો હતો, રોહિત આસાન કેચ લઇ શકયો ન હતો. તેના કેચ પડતો
મૂકવાથી અક્ષર હેટ્રિક ચૂકી ગયો હતો. રોહિતે કેચ પડતો મુકયા બાદ ગુસ્સામાં પોતાનો હાથ
વારંવાર જમીન પર પછાડયો હતો. જીવતદાન બાદ જાકેર અલીએ 68 રનની ઇનિંગ્સ રમી હતી.