- દીપક
માંકડ : થોડા દિવસ પહેલાં મસ્કતમાં ફરવાલાયક સ્થળોની
ઊડતી મુલાકાત લેવાનું થયું. મિની બસ સાથેના ગુજ્જુ ગાઇડ દિવ્યેશની જાણકારી અને વાણી
વ્યવહાર એકદમ સ્માર્ટ. ગુજરાતી કડકડાટ બોલે... વાચતીતમાં જાણવા મળ્યું કે, જન્મ ઓમાનમાં જ થયો અને ગ્રેજ્યુએશન કર્યું... શુદ્ધ ગુજરાતી બોલી, સમજી જાણે પણ લખતાં-વાંચતાં વધુ પડતું ન ફાવે. આ ઓમાનની વાત થઇ. ભારતમાં
વિવિધ રાજ્યોમાં ફેલાયેલા કે ગુજરાતમાં જ રહેતા લાખો પરિવારની પણ આ જ સ્ટોરી છે. સંતાનો ઘરમાં માતૃભાષા બોલી, સમજી જાણે... પણ લખવા-વાંચવામાં ડખા. અંગ્રેજી શિક્ષણથી અંજાયેલા આપણે
સૌ ગુજરાતીને રઝળતી મૂકીને સંતાનોને કોન્વેન્ટ
શાળાઓમાં મોંઘીદાટ ફી ચૂકવીને ભણાવીએ...બટેટાને બદલે પોટેટો... ગંદાને બદલે ડર્ટી..
હાથ ધુઓને બદલે વોશ યોર હેન્ડ.... ડુ યોર હોમવર્ક... આખો દિવસ ઘરમાં કે આડોશ-પાડોશમાં, બગીચામાં આ પ્રકારના સંવાદ સાંભળવા મળે છે. પ્રસિદ્ધ લેખક ચંદ્રકાંત બક્ષીએ
લખ્યું છે, જ્યાં સુધી ફાફડા, ઢોકળાં, ઊંધિયું... અસ્તિત્વમાં છે ત્યાં સુધી ગુજરાતી
ભાષાને આંચ નથી આવવાની. બેશક જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત... બક્ષી સાહેબ
કહે છે તેમ આ રીતે ગુજરાતીપણું અવશ્ય જળવાશે,
પણ જે રીતે આજની પેઢીનું ઈમાન ભટકી ગયું
છે અને સ્થિતિ હાથમાંથી સરી રહી છે એ જોતાં ગુજરાતી ભાષા (કે કચ્છી) આજના વ્યાપક સ્વરૂપમાં
ટકવાની કે વિકસવાની ઝાઝી ગુંજાઇશ નથી. આવું લખતાં ખૂબ નિરાશા અનુભવાય છે. અહીં એ નોંધવું રહે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ-જન્મભૂમિ
પત્રોએ મુંબઈ તથા યુરોપના દેશોમાં ગુજરાતી સંવર્ધન માટે વિશેષ પ્રયાસ હાથ ધર્યા છે. ઉત્તરપ્રદેશ વિધાનસભામાં બજેટની ચર્ચા દરમ્યાન મુખ્યમંત્રી
યોગી આદિત્યનાથે વિરોધ પક્ષ સપાના નેતા અખિલેશ યાદવ પર વળતો વાર કરતાં વિધાન કર્યું
હતું કે, બધાં (નેતાઓ) પોતાના સંતાનોને અંગ્રેજી શાળાઓમાં જ શિક્ષણ આપે છે અને
બીજાઓને ભ્રમમાં મૂકવા ખોટી વાતો કરે છે. યોગી
તેમના રાજ્યમાં ભોજપુરી, અવધી, વ્રજ
અને બુંદેલખંડી બોલીને વિધાનસભાગૃહની કાર્યવાહીમાં સામેલ કરવાને આવકાર આપી રહ્યા હતા...
એમ તો આપણી કચ્છી ભાષાએ બંધારણની માન્યતાની વાટમાં છે. વિધાનસભા ઠરાવ પસાર કરીને કચ્છી ભાષા માટે ભલામણ કરે એવી કોશિષ જોરશોરથી કરવાની
જરૂર છે. વિશ્વ માતૃભાષા દિવસે થોડું મહિમાગાન કરીએ. મહાત્મા ગાંધીએ માતૃભાષાને માતાના દૂધ સમાન લેખાવી છે, તો કવિ ઉમાશંકર જોશીના મતે એ જીવનનું અમૃત છે. વિનોબા ભાવેએ શિક્ષણ માતૃભાષામાં
જ લેવાની હિમાયત કરી છે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી.. કવિ
ઉમાશંકર ગુજરાતીના પૂજક છે, તો ભાગ્યેશ જ્હા... આજના માહોલને શબ્દોમાં
એ રીતે ઢાળે છે... ગુજરાતી તો મા છે,
હિન્દી માસી, સંસ્કૃત દાદી છે અને અંગ્રેજી પાડોશમાં રહેતી વિદૂષી... ગુજરાતી ભાષાનો
વૈભવ જાણવો-સમજવો હોય તો ગુજરાતી જીવવું પડે,
તેમાં ઓતપ્રોત રહેવું પડે, આજની પેઢી પાસે કોણ આવી અપેક્ષા રાખે ? કોલેજ
કક્ષાએ અભ્યાસ કરતા યુવાનોને દલપતરામ, નર્મદ, દર્શક જેવા નામોની ક્યાં ખબર હોય છે... `આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર
સજાવું.... જણના પાસ વખાણ કરાવું ગુણીજનમાં તુજ કીર્તિ ગજાવું... કવિ દલપતરામની આ કેવી અદ્ભુત પંક્તિઓ છે.
રોમેરોમ આનંદના હિલોળા ઊઠે... વિનોદ ભટ્ટે લખ્યું છે માતૃભાષા એટલે માનો ખોળો... બાળક
જે ભાષામાં હાલરડું સાંભળતાં-સાંભળતાં પોઢી જતું હોય એ જ ભાષામાં તેને ભણાવવું જોઇએ.
ગાંધીજીએ ગુજરાતી માધ્યમની વાત કરતાં લખ્યું છે કે, મને
અંકગણિત, ભૂમિતિ, બીજગણિત, રસાયણ
શાત્ર અને ખગોળ શાત્ર શીખતાં ચાર વર્ષ લાગ્યાં... એ વિષયો અંગ્રેજીને બદલે ગુજરાતી
મારફત શીખવાના હોય તો સહેલાઇથી અને વધારે સ્પષ્ટપણે
ગ્રહણ કરી શકત. ગાંધીજી જે વાત અનુભવે સમજ્યા એ આજની મોડર્ન માતાઓ ધ્યાને લેવા તૈયાર
નથી. ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી સારી રીતે શીખી શકાય છે. ધોરણ 1થી 12 ગુજરાતીમાં ભણનાર સેંકડો વિદ્યાર્થી કોલેજ અને એમબીએ
અંગ્રેજી માધ્યમમાં કરે છે. મેડિકલ,
એન્જિનીયરિંગ અને આઇટીમાં જાય છે. સફળ બને
છે તો માત્ર ને માત્ર અંગ્રેજી મીડિયમની ચાપલુશી કાં ? આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઘોષણા યુનેસ્કો દ્વારા કરવામાં આવી છે, તેનો હેતુ ભાષાકીય વિવિધતાનું રક્ષણ કરવાનો છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને
લીધે સાંસ્કૃતિક વિવિધતા અને ભાષા ઝાંખી પડતી જાય છે. યુનેસ્કોના અંદાજ મુજબ હજુ પણ
8324 ભાષા બોલાય છે અથવા તો સાંકેતિક ભાષામાં લખાયેલી છે. આમાંથી લગભગ 7000 ભાષા હજુ પણ ઉપયોગી છે. - ભારતમાં ભાષાવાદ : ભારતમાંય સેંકડો ભાષા બોલાય છે. હિન્દી
અને અંગ્રેજી સહિત 28 ભાષાને
રાષ્ટ્ર કે પ્રાદેશિક સ્તરે બંધારણીય માન્યતા
આપવામાં આવી છે. સૌથી વધુ 52.8 કરોડ
લોકો હિન્દી ભાષી છે અને સૌથી ઓછા 24821 સંસ્કૃત ભાષી. દેશના મોટાં રાજ્યોનો
સિનારિયો જોઇએ તો હિન્દી પછી બીજા ક્રમે સૌથી વધુ 9.7 કરોડ લોકો બંગાળી બોલે છે, તો 5.5 કરોડ
ગુજરાતી છે. એ સિવાય 4.4 કરોડ
કન્નડ, 3.48 કરોડ મલયાલમ, 8.3 કરોડ મરાઠી, 3.75 કરોડ ઉડિયા, 3.3 કરોડ પંજાબી, 6.9 કરોડ તમિલ, 8.1 કરોડ તેલુગુ બોલે છે. દેશમાં 5 કરોડથી વધુ ઉર્દૂભાષી, 27 લાખ સિંધી, 67 લાખ કશ્મીરી, 26 લાખ ડોંગરી બોલનારા નોંધાયેલા છે. ભારત વૈવિધ્યશાળી દેશ છે. પ્રાદેશિક, ભૌગોલિક અને ભાષાકીય બહુવિધ વારસો ધરાવે છે. આ બધી ભાષાઓને જાળવવાની જરૂર છે. અંગ્રેજી શીખીએ, ભણીએ, બોલીએ એમાં કોઇ વાંધો ન હોય.. આજનો ટ્રેન્ડ છે પણ એની સાથે માતૃભાષાનું ગૌરવ, ગુજરાતી હોવાનું અભિમાન સૌએ રાખવું જોઇએ. જન્મથી જે ભાષાનો પ્રયોગ થતો
હોય એ આપણી માતૃભાષા છે. બધા સંસ્કાર અને વ્યવહાર એના માધ્યમથી જ મળે... તેને સંસ્કૃતિ
સાથે જોડીને રાખીએ... હંમેશ માટે....