અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે 2025-26ના
વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં `િવઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું'ની પ્રતિબદ્ધતા
દર્શાવતું બજેટ ગણાવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત
કરેલા આ બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ
યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે.
આ માટે રૂા. 50 હજાર કરોડની
જોગવાઇ સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે. રાજ્યના અત્યાર
સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂા.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ
21.8 ટકાનો વધારો એ વિકાસ માટેની
પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે,
પ્રગતિ નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય,
સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર
સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું
પ્રતાબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને આવકારતા
જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત માટે છ રિજીયોનલ ઇકોનોમિક પ્લાન
તૈયાર કરવામાં આવશે. સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર
કોસ્ટલ રિજન અને કચ્છ રિજન એમ કુલ છ ગ્રોથ હબ બનાવવાની આ બજેટમાં જોગવાઇ છે. મુખ્યમંત્રીએ
સમગ્ર રાજ્યમાં વ્યાપક વિશ્વસ્તરીય રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં
કામોના આયોજનની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે, વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં
આવશે. નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી
વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને
વેગ મળશે.