અમદાવાદ/કોલકતા, તા.20: રણજી ટ્રોફીની
ફાઇનલમાં પહોંચવા માટે ગુજરાત અને કેરળ ટીમ વચ્ચે રસાકસી ચાલી રહી છે. જો કે ગુજરાત
પાસે ફાઇનલમાં પહોંચવાની તક છે. બીજી તરફ વર્તમાન ચેમ્પિયન મુંબઈ પર વિદર્ભ વિરુદ્ધ
હાર તોળાઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાતી સેમિ ફાઇનલમાં કેરળ ટીમના
પહેલા દાવમાં 4પ7 રન થયા હતા. ચોથા દિવસની રમતના અંતે ગુજરાતના પહેલા દાવમાં 7 વિકેટે 429 રન થયા છે. તે નિર્ણાયક સરસાઇથી હવે 28 રન દૂર છે. મેચ ડ્રો ભણી આગળ
વધી રહી છે. જે ટીમને સરસાઇ મળશે તે વિજેતા જાહેર થશે અને ફાઇનલમાં પહોંચશે. ચોથા દિવસની
રમતના અંતે જયમીત પટેલ 74 અને સિદ્ધાર્થ
દેસાઇ 24 રને અણનમ રહ્યા હતા. આ બન્નેએ
74 રન ઉમેરીને ગુજરાતની ફાઇનલની
આશા જીવંત રાખી છે. પ્રિયાંક પંચાલ 148 રને આઉટ થયો હતો. બીજા સેમિ ફાઇનલમાં મુંબઇને જીત માટે 406 રનનો કઠિન લક્ષ્યાંક મળ્યો
છે. જે સામે મુંબઇના 3 વિકેટે 83 રન થયા છે. કપ્તાન રહાણે (12) આઉટ થઇ ચૂક્યો છે. મુંબઇ ટીમ
વિદર્ભથી હજુ 323 રન પાછળ છે. આ પહેલા આજે વિદર્ભ
ટીમનો બીજો દાવ 292 રને સમાપ્ત
થયો હતો. યશ રાઠોડે 1પ1 રનની ઇનિંગ્સ રમી હતી.