ભુજ, તા. 20 : ખેડૂતો, યુવાનો અને મહિલાઓને આકર્ષિત કરતા રાજ્ય સરકારના
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 3.70 લાખ કરોડના બજેટને કચ્છમાં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે, સત્તાપક્ષ તેમજ વિવિધ સંસ્થાઓએ કચ્છમાં રિજિયોનલ
ઈકોનોમી પાર્ક, ભુજ-નખત્રાણા રસ્તો ચાર માર્ગીય બનાવવો,
મેગાફૂડ પાર્ક, ખેતી માટે તળાવો ભરવા, નર્મદાનાં નીર માટે ફાળવણી, ગાંધીધામ મહા નગરપાલિકા માટે
માતબર રકમની ફાળવણી, વેપાર-ઉદ્યોગો માટે મદદરૂપ નીવડનારું,
દિવ્યાંગોની દિવ્યાંગતાની કેટેગરીમાં બદલાવ સહિતના નિર્ણયોને આવકારાયા
છે, તો ભુજ નગરપાલિકાને મહા નગરપાલિકાની અપેક્ષા પરિપૂર્ણ ન થવી,
ખેડૂતોને ભૂલી જવા, મોંઘવારી, પેટ્રોલ, ડીઝલના ભાવો સહિતમાં કોઈ રાહત મુદ્દે નિરાશાજનક
હોવાનો સૂર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. - જનતાલક્ષી બજેટ : સાંસદ : ખેડૂતો,
યુવાનો અને મહિલાઓને આકર્ષિત કરતું ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ
પટેલનું બજેટ આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રજૂ કર્યું હતું જેને કચ્છના સાંસદ વિનોદભાઇ
ચાવડાએ આવકારતાં જણાવ્યું હતું કે, 3.70 લાખ કરોડનું ગુજરાતનું સર્વાંગી વિકાસ દર્શાવતું બજેટ આરોગ્ય, શિક્ષણ, ધર્મસ્થળોના વિકાસ,
આદિજાતિ, ઊર્જા, દરેક ક્ષેત્રે
જનતાલક્ષી બજેટ છે. શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડ, સામાજિક
ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6807 કરોડ, આરોગ્ય
વિભાગ માટે 23,385 કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7668 કરોડ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે 2712, રમત-ગમત-યુવા વિભાગ માટે 1093 કરોડની જોગવાઇ, આંગણવાડી માટે 27,44,827 કરોડની જોગવાઇ, ત્રણ લાખથી વધુ આવાસ બનાવશે, આઇ.ટી.આઇ. અપગ્રેડ માટે 450 કરોડ સહિતની જોગવાઈ પ્રગતિ લાવશે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના
માટે 475 કરોડ, પશુ આરોગ્ય સેવાઓ માટે નવા 250 પશુ દવાખાના બનશે. કચ્છ, અમદાવાદ, જૂનાગઢ ખાતે
મેગા ફૂડ પાર્કનું આયોજન, ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડ, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડ, જે આવકારવાદાયક છે તેમ શ્રી ચાવડાએ જણાવ્યું
હતું. - ગુજરાતના
વિકાસની ક્ષીતિજનાં દ્વાર ઉગાડનારું બજેટ : રાજ્ય સરકારના
બજેટને આવકારતા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસની ક્ષીતિજના દ્વાર ઉગાડનારું
આ બજેટ શ્રેષ્ઠ, સમતોલ અને સ્વાવલંબી છે. નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામો
માટે 2748 કરોડ રૂપિયાની અગત્યની જાહેરાતો
થકી ગુજરાતની જનતાની દાદ મેળવી છે. આ ઉપરાંત ક્રૂઝ ટૂરિઝમ, બીચ હોટેલ્સ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી
છે, જે ખૂબ પ્રસંશનીય છે. નાના શહેરોને મોટા શહેરો
સાથે હવાઈ માર્ગે જોડવા માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેનાથી લોકોની સવલત અને સુખાકારીમાં વધારો થશે.
આ બજેટમાં તમામ વર્ગ અને સ્તરના લોકોનું સભાનપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. વ્યાપાર, કળા, સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રે રાષ્ટ્રભરમાં અગ્રેસર
ખ્યાતિ ધરાવતું ગુજરાત આ બજેટના માધ્યમથી પોતાની વિકાસની રફતાર વધુ તેજ કરશે. અંતમાં
શ્રી વરચંદે આવા ઉત્કૃષ્ટ બજેટ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાણામંત્રી
કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવી આભાર માન્યો હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ
સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. - સમૃદ્ધ ગુજરાતના
રોડમેપ જેવો સ્પષ્ટ અને ગતિમાન બજેટ : ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બજેટને સમૃદ્ધ ગુજરાતના રોડમેપ
જેવો સ્પષ્ટ અને ગતિમાન ગણાવ્યો હતો શ્રી પટેલે જણાવ્યું હતું કે આ બજેટ થકી ચોક્કસપણે ગુજરાતની
આવતીકાલ સલામતી અને સુખાકારીથી ભરપુર રહેશે. ગુજરાત જ્યારે આજે વિકાસ અને ઉન્નતિની
હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ બજેટ થકી ગુજરાતની ગુરુતા અને ગરવાઈમાં અવિરત અભિવૃધ્ધિ
થતી રહેશે એમાં કોઈ બેમત નથી. બંદરો અને વાહન વિભાગ,
વિદ્યા અને ટેક્નોલોજી વિભાગ, ઉઘોગ અને ખાણ વિભાગ,
પ્રવાસન યાત્રાધામ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,
ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ સહિત અનેક વિભાગો માટે વિશાળ આર્થિક
જોગવાઈઓ ઉભી કરવામાં આવી છે જે ખૂબ પ્રસંશાદાયક છે.- સર્વસ્પર્શી, સર્વસમાવેશી બજેટને માંડવી ધારાસભ્યનો આવકાર : ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ
દ્વારા રજૂ કરાયેલા બજેટને આવકારું છું, જે સર્વસ્પર્શી, સર્વસમાવેશી છે, ગરીબ, યુવાન, કિસાન અને મહિલાઓના
સર્વાંગી વિકાસમાં ઉપયોગી થાય તેવું બજેટ હોવાનું માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય
અનિરુદ્ધભાઈ દવેએ બજેટ અંગેના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું. આ બજેટમાં ખાસ કચ્છ જિલ્લા
ખાતે `િરજિયોનલ ઈકોનોમી પ્લાન' બનાવાશે, ખેતી માટે તથા
તળાવો ભરવા માટે 1400 કરોડ રૂપિયાની
જોગવાઈ સાથે નર્મદાનાં પાણી માટે જોગવાઈ, દરિયા કિનારાના વિસ્તારમાં વીજ માળખું સુધારવા માટે 100 કરોડ, પોર્ટ સીટી ડેવલપ કરવા માટે જોગવાઈ,
ચાડવા રખાલમાં હેણોતરો સંવર્ધન કેન્દ્ર, ભુજ-નખત્રાણા
માર્ગને ચારમાર્ગી બનાવાશે, કચ્છ જિલ્લામાં `મેગા ફૂડ પાર્ક' તથા આમ સામાન્ય નાગરિકો માટે અનેકવિધ યોજનાઓ
જેવી કે, કિસાનોને, વિદ્યાર્થીઓને,
મહિલાઓને અને યુવાનોને લાભ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેવી
જોગવાઈની જાહેરાત કરાઈ છે. - માળખાકીય સુવિધાથી ઔદ્યોગિક વિકાસને બળ મળશે : રાજ્યના નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા
અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓથી
લાંબા દરિયાકિનારા ધરાવતા રાજ્યના માળખાકીય ક્ષેત્રમાં નેત્રદીપક વિકાસ થશે તેવું વ્યાપારી
સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુમ મહેશ પુજે જણાવ્યું હતું. બજેટમાં માળખાકીય
બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેના થકી
ઔદ્યોગિક વિકાસને પણ નવું બળ મળશે અને રોજગારીની નવી તકો ઉત્પન્ન થશે. ગાંધીધામ સહિત નવી જાહેર થયેલી નવ મહાનગરપાલિકા માટે રૂા. 2300 કરોડની રકમની જોગવાઈથી મહાનગર
ગાંધીધામના ફાળે માતબર રકમ આવશે જેથી મહાનગરના વિકાસને વધુ વેગ મળશે. - ભુજ માટે
મહાપાલિકાની જાહેરાત ન થતાં નિરાશા સાંપડી : ગુરુવારે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ભુજ નગરપાલિકાને
મહાનગરપાલિકા બનાવવી, કચ્છમાં ત્રણ
વર્ષથી જાહેર થયેલી વેટરનરી અને કૃષિ કોલેજની લોકોની અપેક્ષિત જાહેરાત ન થવાથી બજેટ
નિરાશાજનક હોવાનું ભુજના જાણીતા ધારાશાત્રી ભરતભાઈ ધોળકિયાએ વેદના સાથે અફસોસ વ્યક્ત
કર્યો હતો, તેમણે વધુમાં
જણાવ્યું કે, આ બજેટ ગુજરાત માટે સારું છે, પરંતુ ભુજના નગરજનોની અપેક્ષા મુજબ મહાનગર પાલિકા બનાવવી અને ખાસ કરીને કચ્છના
પશુપાલકો અને ખેડૂતોને સ્પર્શતી વેટરનરી અને કૃષિ કોલેજ જેવા કાયદેસરના મળવાપાત્ર હક્કો
તરફ પૂરતું ધ્યાન અપાયું નથી. - કચ્છ માટે મોટી ભેટ : શ્રી
છાંગા : દરમ્યાન અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઇ
છાંગાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, 3 લાખ 70 હજાર કરોડના ગુજરાતના આ વિક્રમી બજેટમાં માત્રને માત્ર વિકાસને
પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમગ્ર રાજ્ય માટે સમતોલ છે, તેમાંય ખેડૂતો, ગરીબો,
યુવાનો અને મહિલાઓ સહિત દરેક વર્ગને આવરી લઇ વિકાસની ભેટ આપવામાં આવી
હોવાનું જણાવી શ્રી છાંગાએ કહ્યું કે, કચ્છમાં 1400 કરોડ નર્મદા માટે ફાળવવામાં
આવ્યા છે. રસ્તા સહિત માળખાંકીય સુવિધાઓ, પ્રવાસન ક્ષેત્રને આવરી લઇ નાણામંત્રી કનુભાઇએ નાણાંની ફાળવણી કરી છે,
તેથી ગુજરાત આ બજેટ થકી આવનારા દિવસોમાં વધુ પ્રગતિ કરશે તેવો આશાવાદ
વ્યક્ત કરી દીર્ઘદૃષ્ટિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇનો આભાર માન્યો હતો. - મહા નગરપાલિકા
માટે માતબર રકમની ફાળવણીથી ગાંધીધામનો વિકાસ તેજ બનશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા
ઐતિહાસિક બજેટમાં સર્વાંગી વિકાસ ને ધ્યાનમાં
રાખીને તમામ બાબતો આવાસ યોજના, શિક્ષણ,
નારી શક્તિ, આરોગ્ય, માર્ગ
અને મકાન વિભાગ તેમજ અનેક બાબત ઉપર ધ્યાનપૂર્વક બજેટ ફાળવવામાં આવ્યું હોવાનું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ
જણાવ્યું હતું, તેમણે
ઉમેર્યું હતું કે, આ બજેટમાં કચ્છ માટે જે વિશેષ ફાળવણી
કરવામાં આવી છે, તે પ્રદેશના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું
છે. નવનિયુક્ત 9 મહાનગરપાલિકાના
માટે 2300 કરોડની જોગવાઈ કરવામાં આવી
છે, જે અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકાના વિકાસને
પણ વધુ ગતિ મળશે અને ભુજ-નખત્રાણા ચાર માર્ગીય હાઇસ્પીડ કોરિડોર માટે 937 કરોડની ફાળવણી, બંને પ્રોજેક્ટ કચ્છના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ
મજબૂત બનાવશે. નર્મદા યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઈ કચ્છ માટે પાણીના પ્રશ્નોના ઉકેલમાં સહાયક થશે.
સાથે જ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પમ્પિંગ સ્ટેશન અને હાઇડ્રો
પાવર સ્ટેશન માટે 300 કરોડના સોલાર
પ્રોજેક્ટના પગલાં ગુજરાતના ગ્રીન એનર્જી મિશન માટે ઉપયોગી સાબિત થશે.- રાષ્ટ્રીય
બજેટનાં પગલાઓને એકરૂપ જાહેરાતો : ફોકીઆ : ગુજરાતના
વ્યાપાર અને ઉદ્યોગ માટે આ બજેટ લોજિસ્ટિક, સ્કીલ ડેવલોપમેન્ટ અને સર્વિસ કમિશનરેટની સ્થાપનાની દૃષ્ટિએ સારું ગણી શકાય,
એમ કહે છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના એમડી નિમિશભાઈ ફડકે. શ્રી ફડકે કહે છે કે, લોજિસ્ટિક ક્ષેત્રે ખર્ચ ઘટાડવા માટે રોડ મજબૂતી
સહિતના કામોમાં ફાળવણી એ આવકારદાયક છે અને આ બજેટ એ નેશનલ બજેટના લક્ષ્યોને આગળ વધારનારું
છે. બીજું, રાષ્ટ્રીય બજેટમાં મેન્યુફેક્ચારિંગ સેક્ટરને મદદ
માટે જે સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મુકાયો છે, એને અનુસરતાં ગુજરાતે પણ બજેટમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે કરેલી જોગવાઈ
મહત્ત્વનું પગલું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય જીડીપીમાં જ્યારે સર્વિસ સેક્ટરનો ફાળો 55 ટકા છે અને ગુજરાતનો ફાળો 35 ટકા છે, ત્યારે ગુજરાતમાં પણ આ યોગદાન વધે એ માટે ખાસ
સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાની રાજ્યની પહેલ પ્રશંસનીય છે. સમગ્રતયા વિકસિત ભારતની
દિશામાં લેવાયેલાં પગલાંને આગળ વધારતું આ બજેટ
છે. - બજેટમાં કચ્છની
અપેક્ષા પરિપૂર્ણ થઈ નથી : ગુજરાતના
જીડીપીમાં જે રીતે કચ્છનો ફાળો છે તે રીતે આ બજેટમાં કચ્છ માટે હજુ વધુ જાહેરાતોની
ઘણી-બધી અપેક્ષા હતી જે પરિપૂર્ણ થઈ નથી તેમ છતાં એકંદરે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
ફેડેરેશન, ભુજ દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યો હોવાનું
ભુજ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. ફેડ.ના પ્રમુખ અનિલ ગોરે બજેટ અંગેના પ્રતિભાવો
આપતાં જણાવ્યું હતું. અગાઉ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભુજને મહાનગરપાલિકાનો
દરજ્જો આપવામાં આવશે. આથી આ બાબતે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને અપેક્ષા પણ હતી
પરંતુ આજના બજેટમાં ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત/જોગવાઈ કરવામાં
આવી નથી અને ભુજવાસીઓની અપેક્ષા પૂરી થઈ નથી જે બાબત નિરાશાજનક છે. - ભુજ-નખત્રાણા
ચારમાર્ગીય કોરીડોરથી વાહન-વ્યવહારને પીઠબળ મળશે : આજે ગુજરાત સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં
ભુજ-નખત્રાણા માર્ગને ચારમાર્ગીય હાઈસ્પીડ કોરીડોર બનાવવા રૂા. 937 કરોડની માતબર રકમની થયેલી ફાળવણીથી
આ વિસ્તારના વાહનચાલકો-વ્યવસાયકારોને વેપાર ઉદ્યોગોને મહત્ત્વનું પીઠબળ મળશે સાથેસાથે
આ પંથકના યાત્રાધામો અને પ્રવાસનના પ્રવાસીઓઁને સુવિધા પૂરી પાડનારા સાબિત થશે તેવું
નખત્રાણા ચેમ્બર્સના મહામંત્રી રાજેશ પલણે જણાવ્યું હતું. - પ્રવાસન, શિક્ષણ, આરોગ્ય,
ખેતીને આવકારદાયક પ્રોત્સાહન : ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ
કરેલા બજેટમાં કચ્છના પ્રવાસન, શિક્ષણ,
આરોગ્ય અને ખેતીને અપાયેલું વિશેષ પ્રોત્સાહન આવકારદાયક હોવાનું માંડવી
ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જણાવ્યું હતું. આ બજેટમાં સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો,
યાતાયાત માટે ફોરટ્રેક, કાયદો વ્યવસ્થા પર વધારે
ધ્યાન તેમજ ગાંધીધામ મહા નગરપાલિકા માટે વિશેષ નાણા ફાળવણી જેવા નિર્ણયો આવકારદાયક
હોવાનું શ્રી દોશીએ જણાવ્યું હતું. - બંદરો અને વાહન વ્યવહારની માતબર
રકમથી ગાંધીધામના ઉદ્યોગોને ફાયદો થશે : ગાંધીધામના સી.એ મહેશ લીંબાણીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત અને અમૃત ભારતના સપનાને સાકાર કરવા
માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારે આપેલા લક્ષ્યને ધ્યાનમાં રાખીને
આ અંદાજપત્ર શરૂ કર્યું છે. ખાસ કરીને ગુજરાતના
અર્થતંત્રને વેગ આપવાની સાથોસાથ રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનારા ઔદ્યોગિક વિકાસને
ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસના મંત્ર સાથે વધુ ગતિશીલ બનાવવા પ્રતિબદ્ધ રાજ્ય સરકાર ઉદ્યોગ અને
ખાણ વિભાગ માટે રૂા. 11,706 કરોડની
જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં અર્થવ્યવસ્થા તેમજ નાગરિક સુવિધામાં અગત્યનો ભાગ ભજવતી
ઉત્કૃષ્ટ પરિવહન વ્યવસ્થા તેમજ બંદરોના વિકાસ પ્રતિબદ્ધતા જોવા મળી છે. બંદરો અને વાહન
વ્યવહાર વિભાગ માટે કુલ રૂા.4283 કરોડની જોગવાઈથી ગાંધીધામના ઉદ્યોગોને સીધો લાભ થશે. - નાના-મધ્યમ
ઉદ્યોગકારોની કાર્યશીલ મૂડીને બળ : મુંદરાના યુવા સીએ : નાના અને
મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે રૂા. 3600 કરોડની જોગવાઈથી એમની કાર્યશીલ મૂડીમાં બળ મળશે એમ કહેવું છે
મુંદરાના જાણીતા યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાગરભાઇ મહેતાનું. તેઓ કહે છે કે, આ પગલાંથી નાના ધંધાર્થીઓ અને ઉદ્યોગકારોને
બેંક લોનમાં સરળતા રહેશે અને અંતે અર્થતંત્રને વિકસિત કરવામાં મદદ મળશે. આ પહેલાં કેન્દ્ર
સરકારે પણ એમએસએમઈ માટે 5ાંચમાંથી
10 કરોડની લોનની જોગવાઈ કરી એને
ગુજરાતે આગળ વધારી છે. આ ઉપરાંત મિલકતને મોર્ગેજની સ્ટેમ્પ ડયુટી ઘટાડી એ ઘર ખરીદનારા
કે વેપારીઓ બંનેને લાભકારક બનશે. - ભુજ-નખત્રાણા
ચારમાર્ગથી અકસ્માતો ઘટશે : આજે ગુજરાત
સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં પશ્ચિમ કચ્છને જોડતા ભુજ-નખત્રાણા 50 કિ.મી.ના માર્ગને ચારમાર્ગીય
બનાવવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે તેમજ વેપાર-ઉદ્યોગને સુવિધાપૂર્ણ થશે તેવું વેપારી
મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારાએ જણાવ્યું હતું. - સર્વસમાવેશક
વિકાસ અને સુમેળભર્યા સમાજને બળ પૂરું પાડનારું બજેટ : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની પરિકલ્પનાને સાર્થક કરવા આરોગ્ય, શિક્ષણ, કૃષિ,
પ્રવાસન ક્ષેત્ર તેમજ દરેક વર્ગના ઉત્કર્ષને ધ્યાને રાખીને સર્વસમાવેશક
વિકાસ અને સુમેળભર્યા સમાજને બળ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ
વિકસીત ગુજરાતના જનજનનું કલ્યાણ કરનારું આ બજેટ હોવાનું રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ
મહેતાએ બજેટના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું. - ડબલ એન્જિનની
સરકારોના બજેટમાં પ્રજા હંમેશા છેતરાતી રહે છે
: કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રાસિંહ
જાડેજાએ ગુજરાત સરકારના બજેટને વખોડતાં જણાવ્યું હતું કે, કેન્દ્રની તથા રાજ્યની સરકારના તમામ બજેટો પ્રજાની
જરૂરિયાતથી વિમુખ છે મોંઘવારીને કાબૂમાં લેવા કોઈ નક્કર આયોજન નથી. પેટ્રોલ,
ડીઝલ તથા જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવોને કાબૂમાં લેવા કોઈ આયોજન નથી,
સરકાર ઉપર કેટલું દેવું છે એ વાત પણ બજેટમાં સ્પષ્ટ કરાઇ નથી જેથી એકંદરે
આજનું ગુજરાત સરકારનું બજેટ ખાસ કરીને ગુજરાતની તથા કચ્છની પ્રજા માટે નિરાશાજનક છે
જેવી રીતે પ્રજા પાસે ટેક્સ તથા વિવિધ કરવેરા વસૂલ કરાય છે એ પ્રમાણે પ્રજાને કંઈ પણ
રાહત નથી.