માતાના મઢ (તા. લખપત), તા. 20 : પૌરાણીક તીર્થ
નારાયણ સરોવર-કોટેશ્વર ખશતે પ્રસિદ્ધ કથા વાચક મોરારી બાપુની માનસ કોટેશ્વર રામકથાનાં
છઠ્ઠા દિવસે હજારોની સંખ્યામાં રામ ભક્તો, શ્રોતાગણ રામ જન્મ ઉત્સવ, શિવ પાર્વતિ લગ્ન ઉત્સવ તેમજ
અંજનિ પુત્ર હનુમાનની કથા સહિત પ્રસંગો, સાંભણી આ રામકથામાં ભક્તિમાં
તરબોળ બન્યા હતા. આજે ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન પ્રસંગની મધુર સુર સંગીતનાં
સથવારે જ્યારે બાપુએ શિવજીની જાન તેમજ જાનૈયામાં
દેવ દેવતાઓ તેમજ ભુત, પિચાસ, ડાકીની સાથે
ભગવાન શિવ નંદી પર સવાર થઇને જાન જોતરાઇ ત્યારનું વર્ણન કરતાં શ્રોતાગણ મંત્રમુગ્ધ
બન્યા હતા. ભગવાન શિવ પાર્વતિનાં લગ્ન પ્રસંગ બાદ ભગવાન શ્રીરામનાં જનમ ઉત્સવનો પ્રસંગ
આજે બાપુએ રામાયણની ચોપાઇ રામધુન સાથેનો પ્રસંગ
રૂવાડા ઊભા કરી દે. તેવો ભાવરસ સાથે વર્ણન કર્યો હતો આજની કથાનું રસપાન કરવા
પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી સાબુદિનભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. કથાના વિરામ બાદ
મનોરથી પ્રવિણભાઇ તન્ના પરિવાર, સાધુ, સંતો,
સાબુદિન ભાઇએ આરતી ઉતારવાનો લાભ લીધો હતો. બપોરે બાપુએ અહીં ચાલતા અન્નક્ષેત્રની
મુલાકાત લીધી હતી. અહીંની ઉત્તમ વ્યવસ્થાઓ તેમજ ભોજન કરતા શ્રોતાગણ ભાવ જોઇ બાપુએ રાજીપો
વ્યક્ત કર્યો હતો. આજે પાનધ્રો, રાપર, દયાપર,
ગુનેરી, વર્માનગર, માતાના
મઢ સહિતના ગામોમાંથી સ્વયં સેવકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. અને આયોજનમાં સહયોગી બન્યા
હતા. આજે સાંજે પાંચથી 7-30 સુધીનાં સમયમાં
બાપુએ તેમની કુટીર પર મોટી સંખ્યામાં આવેલા વિવિધ સમાજના લોકો, અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી, આમાં પદ્મશ્રી નારાયણભાઇ કારાયલ (જોશી) પ્રસિદ્ધ સાહિત્યકાર સાબુદિનભાઇ રાઠોડ,
હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા, નારાયણ સરોવરનાં
ગાદિપતિ સોનલ લાલજી મારાજ, કોટેશ્વર જાગીરના મહંત, દિનેશગિરિ બાપુ મોહનભાઇ ધારશી, જગદીશભાઇ ઠક્કર,
ભજનીક પ્રવિણદાન ભાઇ ગઢવી, માતાના મઢના પૂર્વ સરપંચ
સુરેન્દ્રસિંહ જાડેજા, અનિલભાઇ ગજ્જર, લોક
સાહિત્યાકર ભરતદાનભાઇ ગઢવી, રાજેશ ગઢવી અને મોરાદાન ગઢવી,
હિતેશભાઇ જાની તથા દિલીપભાઇ દેશમુખ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આજે કથા
શ્રવણ તેમજ બાપુની આ મુલાકાતમાં મનોરથી પ્રવિણભાઇ તન્ના પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.