જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરાયા છે.
ચૂંટણી પંચના સભ્યોની નિયુક્તિ માટે નવા કાયદા અંતર્ગત નિયુક્ત થનારા જ્ઞાનેશ કુમાર
પ્રથમ છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે.
આગામી લોકસભા ચૂંટણીના કાર્યક્રમની ઘોષણા એમના દ્વારા થઈ શકશે. જ્ઞાનેશ કુમાર સામે
સૌથી પહેલો પડકાર આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી હશે. 2026માં કેરળ, પુડુચેરી, તામિલનાડુ અને
પશ્ચિમ બંગાળ વિધાનસભાઓની ચૂંટણીની જવાબદારી પણ તેમણે સંભાળવાની રહેશે. વહીવટનો બહોળો
અનુભવ ધરાવતા જ્ઞાનેશ કુમાર કોઈપણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે એમણે
ગૃહ વિભાગમાં કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370ની કેટલીક જોગવાઈઓ નિરસ્ત થયા
પછીની સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કેરળ સરકારના સચિવ તરીકે જ્ઞાનેશ કુમારે
વિત્તસંસાધન, ફાસ્ટ ટ્રેક યોજનાઓ અને
લોકનિર્માણના વિવિધ વિભાગો સંભાળ્યા હતા. ભારત સરકારમાં તેઓ સંરક્ષણ વિભાગમાં સંયુક્ત
સચિવ, ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને વધારાના સચિવ,
સંસદીય કાર્ય વિભાગમાં સચિવ અને સહકારી વિભાગમાં સચિવ તરીકે કામ કરવાનો
અનુભવ પણ ધરાવે છે. આ ઉપરાંત તેમણે બીજા અનેક સરકારી વિભાગમાં ટોચના હોદ્દા પર નેત્રદીપક
કામગીરી બજાવી હોવાથી એમનો કાર્યકાળ પણ દીપી ઊઠશે. નિવૃત્ત થયેલા મુખ્ય ચૂંટણી કમિશનર
રાજીવ કુમારે સોમવારે વિદાય સંદેશમાં જણાવ્યું છે કે, રાજકારણમાં
ચૂંટણી પંચને `બલિનો બકરો' બનાવવામાં આવે છે. જો કોઈ પક્ષ ચૂંટણી હારી
જાય તો ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવાની આદત ખતમ થવી જોઈએ. ચૂંટણી પ્રક્રિયાના દરેક સ્તર
પર તૈયારીઓમાં રાજકીય પક્ષો સામેલ હોય છે. જેમાં સંપૂર્ણ પારદર્શિતા હોય છે અને ત્યારે
વાંધો નથી ઉઠાવવામાં આવતો પણ પરિણામ પછી શંકા કરવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચની
કામગીરીને વિશ્વના અનેક મોટા દેશોએ વખાણી છે જ્યારે ભારતમાં વિપક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસે
હંમેશાં ચૂંટણી પંચ પર એલફેલ આક્ષેપો કરી આરોપીના કઠેડામાં ઊભા કરવાનો પ્રયાસ કર્યો
છે. નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિયુક્તિ સામે કૉંગ્રેસે વાંધો લીધો છે
અને સરકારને આ માટે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન કેસની રાહ જોવા પર ભાર
મૂકી એક રીતે નવા ચૂંટણી કમિશનરને નાક કાપી અપશુકન કરાવવાનો પ્રયાસ કર્યો છે.