ભુજ, તા. 20 : ગુજરાતની પવિત્ર ધરા પર પ્રથમ
વખત અને જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘનો 161મો મર્યાદા મહોત્સવ કચ્છ જિલ્લાના મુખ્ય નગર ભુજમાં સંપન્ન થયો, ત્યારબાદ જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના એકાદશમાધિશાસ્તા,
આચાર્ય મહાશ્રમણજી કચ્છ જિલ્લાના વિભિન્ન વિસ્તારોમાં વિહાર કરી રહ્યા
છે. ગુરુવારની પ્રભાતે યુગપ્રધાન આચાર્યે દહીંસરા ગામથી વિહાર કરીને પ્રસ્થાન કર્યું
હતું, માર્ગમાં એસ.પી.એમ. ફાર્મ્સ અને સમર્પણ આશ્રમની મુલાકાત
લીધી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક તેમનું સ્વાગત કર્યું
હતું. નવજીવન હોમ્સ ખાતે ભક્તજનોને સંબોધન કરતાં આચાર્યે કહ્યું કે, માનવીના જીવનમાં કર્તવ્યનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કર્તવ્યનો બોધ થવો અને
તેનું યોગ્યપણે પાલન કરવું. જે વ્યક્તિ આ માર્ગ પર ચાલે છે, તે
જીવનમાં ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. જે લોકો પોતાના કર્તવ્ય અને અકર્તવ્ય વિશે
અવગત નથી, તેઓનો અવાંછિત અંજામ થઈ શકે છે, જેની કલ્પના પણ ન હોય. પોતાનું કર્તવ્ય ન જાણતો મનુષ્ય, મનુષ્ય હોવા છતાં પ્રાણી સમાન બની જાય છે. ભગવાન ઋષભ જ્યારે ગૃહસ્થ હતા,
ત્યારે તેમણે જનતાને સાંસારિક કાર્યોનું શિક્ષણ આપ્યું હતું,
તે સમયગાળા દરમ્યાન તેમનું કર્તવ્ય હતું લોકોનું માર્ગદર્શન કરવું. તીર્થંકરો
પણ મંગલ દેશના દ્વારા જીવોનું કલ્યાણ કરે છે. આ તેમનું કર્તવ્ય છે કે, તેઓ દેશના દ્વારા પ્રજાનું હિત સાધે. આ રીતે, શ્રાવક
હોય કે ગૃહસ્થ, દરેકે પોતાના કર્તવ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ.
જો કોઈ કર્તવ્યનિષ્ઠ રહે, અકર્તવ્યથી દૂર રહે, તો તે જીવનમાં સફળ થઈ શકે છે. આચાર્યના સ્વાગત કાર્યક્રમમાં ઈશાની મોરબિયાએ
ભાવપ્રકટ કર્યા હતા અને પ્રતિમા મોરબિયાએ સ્વાગતગીત રજૂ કર્યું હતું. આચાર્યે સૌને
આશીર્વચન આપ્યા હતા. આચાર્ય સાથે વિચરણ કરી
રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા
સમિતિ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા
છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા
પણ અનુકરણીય છે. તેરાપંથી સભા ગાંધીધામ પણ સેવામાં છે તેવું આચાર્ય મહાશ્રમણ મર્યાદા
મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ-ભુજના પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ
જણાવ્યું હતું.આગામી શનિવારે તથા રવિવારે 22-23 તારીખે આચાર્યનો પ્રવાસ માંડવી ખાતે રહેશે.