નવી દિલ્હી, તા.20 : રણવીર અલ્હાબાદિયાની
અભદ્ર અને અશ્લીલ જોકનાં વિવાદમાં સુપ્રીમ કોર્ટે યુ-ટયૂબ ઉપર પ્રસરતી અશ્લીલ સામગ્રી
અંગે ઘેરી ચિંતા દર્શાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારે તમામ ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મને
કડકાઈથી આચારસંહિતાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે કહ્યું છે કે, આવી સામગ્રીઓ સાંખી લેવાય નહીં, તમામ ઓનલાઈન પ્રસારકોએ કાયદાનું પાલન કરવું પડશે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે
ઓનલાઈન કન્ટેન્ટ પબ્લિશર્સ અને ઓટીટીની સ્વનિયામક સંસ્થાઓને એક સૂચના જારી કરીને ભારતનાં
કાયદા અને આઈટી નિયમોનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા કહ્યું છે. મંત્રાલયનાં
વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ સોશિયલ મીડિયા ઉપર આ અંગે જાણકારી આપી હતી અને તેમાં કહેવામાં
આવ્યું હતું કે, ઓટીટીને જારી કરવામાં આવેલી નોટિસમાં સાંસદો,
વિભિન્ન સંગઠનો અને આમજનતા તરફથી ઓટીટી, સોશિયલ
મીડિયા ઉપર અશ્લીલ અને અભદ્ર સામગ્રી અંગે ફરિયાદો મળેલી છે. નૈતિક સંહિતા હેઠળ ઓટીટીને
એવી કોઈપણ સામગ્રી પ્રસારિત કરવાની અનુમતિ નથી જે કાયદા હેઠળ નિષિદ્ધ હોય. સરકારનું
આ પગલું એવા સમયે આવ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટે ઓનલાઈન મંચો
ઉપર અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં થઈ રહેલા દુરુપયોગ અંગે કડક શબ્દોમાં ટિપ્પણી કરીને
સરકારને આમાં કંઈક કરવાની આવશ્યકતા હોવા અંગે ટકોર કરી હતી.