• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

કચ્છને નર્મદાનાં પાણી માટે 1400 કરોડ

ભુજ, તા. 20 : ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુરુવારે રજૂ કરેલા રાજ્યના વર્ષ 2025-26ના બજેટમાં કચ્છ માટે પણ કેટલીક ઘોષણાઓ કરી હતી. રાજ્યના સૌથી મોટા રણપ્રદેશમાં નર્મદાનાં દરિયામાં વહી જતાં પાણી વાળવા માટે 1400 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. કચ્છ માટે રિજિયોનલ ઈકોનોમિક પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે, તેવી જાણકારી નાણામંત્રીએ તેમનાં બજેટ ભાષણમાં આપી હતી. ભુજ-નખત્રાણા ચાર માર્ગીય હાઈસ્પીડ કોરિડોરની કામગીરી માટે રાજ્ય સરકારના બજેટમાં 937 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણીની જાહેરાત પણ નાણામંત્રી કનુભાઈએ કરી હતી. કચ્છ સાથે સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તેમજ હાઈડ્રો પાવર સ્ટેશન પર કુલ 14 જગ્યાએ સોલાર પ્રોજેક્ટ માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની ઘોષણા પણ કરતી ભરતગૂંથણીવાળી બજેટપોથીમાં સામેલ કરાઈ હતી. સીમાવર્તી પ્રદેશના વ્યૂહાત્મક કોરીક્રીક વિસ્તારને `ટૂરિઝમ પ્લેસ' એટલે કે પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનાં આયોજનની પણ જાહેરાત બજેટ ભાષણ દરમ્યાન નાણાપ્રધાને કરી હતી. કચ્છમાં મેગા ફૂડ પાર્કના નિર્માણનું આયોજન છે, તો કચ્છના ચાડવા રખાલ વિસ્તારમાં હેણોતરાના કેપ્ટિવબ્રીડિંગ સેન્ટરની ઘોષણા પણ કરાઇ હતી. અંજારમાં સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટની નવી કચેરીના બાંધકામની ઘોષણા કરાઇ હતી, તો કચ્છના કિસાનોને ટ્રેક્ટર ખરીદી પર સહાય હાલના 60 હજારમાંથી વધારીને એક લાખ રૂપિયા કરાઇ હોવાની જાહેરાત પણ બજેટમાં સામેલ કરાઇ હતી. દરમ્યાન, નવાસવા બનેલા ખોબા જેટલા થરાદ જિલ્લાને કૃષિ યુનિવર્સિટીની ઘોષણા કરાઇ હતી, પરંતુ ગત બજેટમાં કચ્છ માટે જાહેરાત કરનાર રાજ્ય સરકારના આજના બજેટમાં રાજ્યના સૌથી મોટા જિલ્લા માટે કૃષિ યુનિવર્સિટી વિશે કોઇ ઉલ્લેખ કરાયો નહોતો. કચ્છના કૃષિજગતના ચિંતકો અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ મજબૂત રજૂઆત કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd