• શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

વિદેશમાં નોકરી અર્થે જવા સુખપરની મહિલા સાથે 19.55 લાખની છેતરપિંડી

ભુજ, તા. 20 : વિદેશમાં નોકરી અર્થે જવા સુખપરના મહિલા સાથે ભુજના શ્રીજી ઇમીગ્રેશનવાળા દંપતીએ 19.55 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે બી-ડિવીઝન પોલીસ મથકે સુખપરના આરતીબેન અનિલભાઇ સોલંકીએ ભુજના હોસ્પિટલ રોડ સ્થિત શ્રીજી ઇમીગ્રેશન ઓફિસના અધિકૃત કેતનભાઇ સોલંકી અને તેમનાં પત્ની ડિમ્પલબેન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરતીબેને ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ આજથી દોઢેક વર્ષ પૂર્વે તેમને વિદેશમાં નોકરી અર્થે જવું હોવાથી તેઓ પતિ સાથે શ્રીજી ઇમીગ્રેશનના કેતનભાઇને મળ્યા હતા. કેતનભાઇએ કહ્યું કે, તમારે વિદેશ (યુ.કે.) જવાની પ્રોસેસ માટે 23 લાખ થશે. ટેમ્પરરી વર્ક-ક્રિએટીવ વર્કર તરીકે પ્રોસેસ કરાશે, જે બે મહિનામાં પૂરી થઇ જશે અને યુ.કે. જવા માટે પ્રથમ પરીક્ષા પાસ કરવી પડશે. જે પરીક્ષા પાસ કરી લીધા બાદ તેઓએ કહ્યા મુજબ આરટીજીએસથી 10 લાખ, રોકડા પાંચ લાખ અને બે ચેકથી સાત લાખ આપ્યા હતા. જેની પહોંચ આરોપી કેતનભાઇ અને તેમના પત્ની ડિમ્પલબેને આપી હતી. આ બાદ કેતનભાઇએ કહ્યું કે, તમારે બીજી બ્યુટીશીયન તરીકેની કેટેગરીના વિઝા માટે પ્રોસેસ કરવી પડશે. લાંબા સમય સુધી રાહ જોવા છતાં તેમ ન થતાં કેતનભાઇએ કહ્યું કે, હવે બીજી કેટેગરીમાં એપ્લાય કરશું. આ બાદ સ્કીલ વર્કર કેટેગરીનો લેટર મોકલાવ્યો હતો અને તેના માટે કંપનીના 5000 પાઉન્ડ ભારતની કરન્સી પ્રમાણે રૂા. 5,50,000 આરટીજીએસ મારફત શ્રીજી ઈમીગ્રેશનમાં ટ્રાન્સફર કર્યા હતા. આમ ફરિયાદીએ કુલ રૂા. 27,50,000 આપવા છતાં કામ ન થતાં ફરિયાદીએ નાણાં પાછા માગ્યા હતા. આરોપીઓએ ટુકડે-ટુકડે કુલ રૂા. આઠ લાખ પરત આપ્યા હતા અને બાકીની રકમ રૂા. 19,55,000 માગતાં બંને આરોપી કેતનભાઇ અને ડિમ્પલબેને ઉશ્કેરાઇ જઈને કહી દીધું કે, બાકી નાણાં પરત નહીં મળે, જે થાય તે કરી લેજો તેવી ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd