તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : ભાજપને ત્યાં રોજે દિવાળી ને કોંગ્રેસ છાવણીમાં
હોળી જેવો તાલ છે. દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવી છે. મંગળવારે જાહેર થયેલાં પરિણામોમાં
શાસક પક્ષે જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત 68 નગરપાલિકામાંથી 62 પર કબજો જમાવ્યો છે. તાલુકા પંચાયતો અને પેટા ચૂંટણીમાં પણ ભાજપનું
જાણે સ્ટીમ રોલર ફરી વળ્યું છે. પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ
તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમલમ્ ખાતે વિજય સમારંભને સબોધતાં પક્ષમાં વિશ્વાસ
વધુ દૃઢ બનાવવા બદલ જનતાનો આભાર માન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું
છે કે, આ વિકાસની રાજનીતિની જીત છે. ગુજરાતની ચૂંટણીમાં
ભાજપને સફળતા મળે એ સ્વાભાવિક જ મનાય, પણ કોંગ્રેસને જે રીતે
વધુમાં વધુ ઘસારો પહોંચી રહ્યો છે એ ચિંતાજનક છે. એક સમયે રાજ્યમાં શહેરી વર્ગ ભાજપને
વફાદાર અને ગ્રામ્ય પંથકમાં કોંગ્રેસનું જોર મનાતું પણ હવે ચિત્ર પલટાઇ ચૂક્યું છે.
કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. એકાદ (સલાયા) સુધરાઇમાં જીત રાષ્ટ્રીય પક્ષની પ્રતિષ્ઠાને
છાજે તેવી કહેવાય નહીં, કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ છે. કોઇ
એક પક્ષ ઉપર મતદારો ઓળઘોળ થાય એની પાછળ ઘણા પરિબળ કારણભૂત હોય છે. અઢી-ત્રણેક દાયકાથી
વિધાનસભામાં જીતતા આવેલા ભાજપના રાજમાં સમસ્યાઓ નથી એવું બિલકુલ નથી. ભ્રષ્ટાચાર,
કરભારણ, ગૌચર, બેરોજગારી
સહિતના પ્રશ્નો છે જ, પરંતુ મરણપથારીએ રહેલો વિરોધ પક્ષ તેનો
લાભ લઇને રાજકીય મેદાનમાં મજબૂત બને એવું કંઇ થતું નથી. કોંગ્રેસમાંથી ચેતન જ હણાઇ
ગયું છે. લોકશાહી માટે પણ આ સારી વાત નથી. સંસદ હોય, ધારાસભ્ય
હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સશક્ત વિરોધ પક્ષથી જ સત્તા પક્ષ પર નિયંત્રણ રહે
છે એ રખે ભૂલાતું... પણ ગુજરાતની જનતાને જાણે વિરોધ પક્ષની હાજરી જ વર્તાતી નથી. બીજી
બાજુ, મોદીની લોકપ્રિયતાનો કોઇ જોટો જડે તેમ નથી. ભૂપેન્દ્રભાઇ
પટેલે પણ મુખ્યમંત્રી તરીકે હવે સ્થિરતા-પરિપકવતા મેળવી છે. વળી, ભાજપની વ્યૂહરચના-બૂથ મેનેજમેન્ટ અક્સીર છે. સફળતાની ગેરન્ટી આપે છે. દરમ્યાન
કચ્છમાં રાપર અને ભચાઉ એમ બંને નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું
એ સાથે જ કચ્છની તમામ સુધરાઇઓ પર કેસરિયો લહેરાયો છે. નગરપાલિકાને સંબંધ છે ત્યાં સુધી
માંડવીની જેમ ભચાઉમાં પણ બધેબધી 28 બેઠક પર કમળ ખીલ્યું છે અને બંને સુધરાઇમાં વિરોધ પક્ષ નેસ્તનાબૂદ
થઇ ગયો છે. ભચાઉમાં આ પરિણામ અણધાર્યું નથી. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે જ કોંગ્રેસના
10 ફોર્મ પાછાં ખેંચાઇ જતાં 17 બેઠક ભાજપના ખાતામાં બિનહરીફ
જઇ પડી હતી. આમ આજનાં પરિણામ ભચાઉ માટે માત્ર ઔપચારિક જ હતાં. ટીમ ભાજપની રણનીતિ અને
મતદારોના મન જીતી લેવાની કળાનું આ પરિણામ છે. તેમાંય રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ
જાડેજા મૂળ ભચાઉના છે અને વાગડમાં ભારે વર્ચસ્વ ધરાવે છે એનું આ પ્રમાણ છે. રાપરમાં
કોંગ્રેસે પ્રતિકાર કર્યો, પણ ભાજપની
21 બેઠક સામે માત્ર સાત જ બેઠક
તેના ફાળે ગઇ છે. એ ઉપરાંત લાકડિયા તાલુકા પંચાયત બેઠકે ભાજપે કબજે કરી છે. આ પરિણામ
ભાજપનો જુસ્સો બુલંદ કરનારાં છે. કચ્છ કોંગ્રેસ એક પછી એક પરાજય સાથે હતાશામાં ધકેલાઇ
ગઇ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમગ્ર કચ્છની દૃષ્ટિએ વિચાર કરીએ તો જિલ્લા પંચાયત
ઉપરાંત દશેદશ તાલુકા પંચાયત અને સાતે શહેર પર કમળ ધ્વજ ફરકી રહ્યો છે. ભાજપની જાણે
એકચક્રી આણ પ્રવર્તી રહી છે. બને એવું છે કે, કોંગ્રેસ પંચાયત કે સુધરાઇમાં વિજય મેળવે છે તો પણ સત્તા ટકાવી શકતી નથી. લખપત
અને અબડાસા તાલુકા પંચાયત તેનું જીવતું દૃષ્ટાંત છે. સાતત્યભરી જીત માટે ભાજપ કાર્યકર્તાઓની
મહેનત અને જીવંત સંપર્ક ફાયદાકારક બને છે. કોંગ્રેસ સામે હવે રાખમાંથી બેઠા થવાનો પડકાર
છે. મતદારોને રીઝવવામાં ભાજપ કેમ ફાવી જાય છે ? કોંગ્રેસની વોટબેંક
પણ ભાજપ કે બીજા પક્ષો શા માટે આંચકી લઇ જાય છે ? એની સમીક્ષા
થવી જોઇએ, આત્મમંથન કરવું જોઇએ. ભાજપની શક્તિ સંગઠનમાં છે. પ્રદેશ
પ્રમુખ સી. આર. પાટિલે સંકેત આપ્યો છે કે, ટૂંક સમયમાં ભાજપનું
સંગઠનનું પ્રદેશ-રાષ્ટ્રીય માળખું બદલાઇ જશે. ભાજપના પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ
ચાવડા જીતનો આનંદ વ્યકત્ કરતાં કહે છે કે, પાર્ટીમાં હંમેશાં
મતદાર અને કાર્યકર્તાને મહત્ત્વ અપાય છે એનું આ પરિણામ. ભવ્ય જીતની અસર કચ્છ સહિત જિલ્લાઓની
સંગઠન વરણી પર પડશે એવી ધારણા રાખવામાં આવી રહી છે. ભાજપના શાનદાર દેખાવ પર થોડા દિવસ
ઉજવણીનો દોર ચાલશે. પ્રમુખ, કારોબારી અને સમિતિઓની નિમણૂકો થશે,
એ પછી નવા ચૂંટાયેલા પદાધિકારીઓ શાસન સંભાળશે, તેમ છતાં ભાજપના નેતાઓ માટે પણ આંતરખોજનો, પરીક્ષાનો
કઠિન સમય અહીંથી શરૂ થશે. મતદારોએ મૂકેલો અપાર વિશ્વાસ સાર્થક ઠેરવવો પડશે. ભવ્ય જીતમાં
નાના ગુણદોષ-ભૂલો તરફ આંખ મીંચામણા થઇ જતા હોય એ સ્વાભાવિક છે. કચ્છમાં ભાજપની આણ વર્તાવવામાં
સફળતા બદલ ટીમ જિલ્લા પ્રમુખ દેવજીભાઇ વરચંદ અને કચ્છ ભાજપને અભિનંદન આપીએ. વિજય અને
પરાજય એક સિક્કાની બે બાજુ છે. ભાજપે યાદ રાખવું રહ્યું કે, જુદા
જુદા શહેરો-તાલુકામાં ગત બોડીના કાર્યકાળ દરમ્યાન વહીવટ સામે ઊઠેલા સવાલો, ભ્રષ્ટાચારના આક્ષેપોનું પુનરાવર્તન ન થવું જોઇએ. ચૂંટાયેલા સભ્યોએ લોકોની
ફરિયાદો હાથ ધરાય એ માટે જાગૃત રહીને સકારાત્મક ભૂમિકા ભજવવી રહી. સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓ પંચાયતીરાજનો આધારસ્થંભ છે. કચ્છમાં ચૂંટાયેલા તમામ વિજેતાઓને અભિનંદન આપવાની
સાથે એટલું જ કહેવાનું કે, લોકોએ ચૂંટીને ભરોસો મૂક્યો છે એ જાળવીને
જનતાની સેવામાં લાગી જજો. કોંગ્રેસે સજાગ વિપક્ષની ભૂમિકા ભજવીને જનાધાર મજબૂત કરવા
મથવું પડશે. અભી નહીં તો કભી નહીં જેવી હાલત છે.