નવી દિલ્હી, તા. 20 : શાલિમાર બાગ
બેઠક જીતી લઇને પહેલીવાર ધારાસભ્ય બનેલાં હરિયાણાનાં 50 વર્ષીય રેખા ગુપ્તા ગુરુવારે
શપથગ્રહણ કરીને દિલ્હીનાં ચોથાં મહિલા મુખ્યમંત્રી બની ગયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર
મોદી સહિત નેતાઓની હાજરીમાં રેખાએ નવમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દિલ્હીનાં
રામલીલા મેદાનમાં ગુરુવારે રેખા ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવનાર
યુવા નેતા પ્રવેશ વર્મા સહિત છ પ્રધાનોએ પણ શપથ લીધા હતા. વડાપ્રધાન મોદી ઉપરાંત દેશના
ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત
21 રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ શપથ ગ્રહણ સમારોહના સાક્ષી
બન્યા હતા.જાટ સમુદાયના નેતા પ્રવેશ સાથે આશિષ સૂદ, મનજિંદરસિંહ
સિરસા, રવીન્દ્ર ઇંદ્રાજસિંહ, કપિલ મિશ્રા
તેમજ પંકજકુમારસિંહે પણ પ્રધાન પદના શપથ લીધા હતા. ઉપરાજ્યપાલ વી.કે. સકસેનાએ સૌને
શપથ લેવડાવ્યા હતા. રાજધાનીમાં 27 વર્ષના વનવાસ બાદ સત્તા વાપસી કરી હોવાથી આજનો દિવસ ભાજપ માટે
ઐતિહાસિક બની રહ્યો હતો. શાલિમાર બાગ બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં બંદનાકુમારીને 29 હજાર કરતાં વધુ મતોથી હાર આપનાર
રેખાએ શપથ બાદ કહ્યું હતું કે, હું શીશ
મહેલમાં રહેવાની નથી. શપથ ગ્રહણથી પહેલાં મીડિયા સાથે વાત કરતાં રેખાએ જણાવ્યું હતું
કે, આ ઘણી મોટી જવાબદારી
છે. મારા પર ભરોસો બતાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ પક્ષના ટોચનાં નેતૃત્ત્વનો
આભાર માનું છું. મેં કદી વિચાર્યું નહોતું કે, દિલ્હીની મુખ્યમંત્રી
બનીશ. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનને
કેસરિયા પક્ષે `શીશ મહેલ' નામ આપ્યું હતું. ભાજપે આરોપ મૂકયો હતો કે,
અરવિંદ કેજરીવાલે શીશ મહેલ બનાવવા માટે નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયા
ખર્ચી નાખ્યા હતા. ભાજપે શીશ મહેલને ચૂંટણીમાં મુદ્દો બનાવ્યો હતો. દિલ્હીમાં સુષ્મા
સ્વરાજ, શિલા દીક્ષિત અને આતિશી બાદ ચોથાં મહિલા મુખ્યમંત્રી
બનેલાં રેખા, રાજધાનીમાં ભાજપનાં પણ ચોથા મુખ્યમંત્રી બન્યાં
છે, કેસરિયા પક્ષમાંથી મદનલાલ ખુરાના, સાહેબસિંહ
વર્મા અને સુષ્મા સ્વરાજ દિલ્હીની ગાદી પર રહી ચૂકયા છે.