• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

આપણા દેશને જ સ્વર્ગ બનાવીએ...

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : હવે અમેરિકા ગેરકાયદે આવેલા ભારતીય વસાહતીઓને પાછા સ્વદેશ મોકલે છે, પણ પચાસ વર્ષ પહેલાં 1960ના દશકમાં ભારતીય સ્નાતકોને આમંત્રણ અપાતાં હતાં - લાલજાજમ પાથરવામાં આવી હતી. હકીકતમાં ભારતનાં `બુદ્ધિધન'ની હિજરત થતી હતી. આપણા યુવાનો ભારતમાં શિક્ષિત થાય - ડોક્ટરો - એન્જિનીયરો બને અને અમેરિકાને તૈયાર વ્યવસાયીઓ મળે. આપણા મૂડી અને સમયનાં રોકાણનો લાભ અમેરિકાને મળવા લાગ્યો. આ `બ્રેઇનડ્રેઇન'ની ચર્ચા જોરદાર હતી, પણ ભારતીય લોકોને સ્વદેશ બોલાવીને ભારતના વિકાસમાં જોડવાના કોઈ પ્રયાસ થયા નહીં. અમેરિકામાં ભોગ - વિલાસમાં રહ્યા પછી કોઈ ભારત આવવા તૈયાર થાય નહીં તે સ્વાભાવિક છે. `ઈન્ડિયામાં તો સારી બ્રેડ પણ મળતી નથી - અમારાં બાળકોને કેવી રીતે લાવીએ ?' આ લખનારે આ પ્રશ્ન ઘણા મિત્રો પાસેથી સાંભળ્યો હતો ! અમેરિકાના વિકાસ અને સમૃદ્ધિમાં ભારતીય મૂળના લોકોનું યોગદાન છે. કેપ કેનેડી હોય કે સિલિકોન વેલી - આજે ભારતની બોલબાલા છે. મેડિકલ, એન્જિનીયરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝમાં ભારતીય લોકો ઉચ્ચ સ્થાને છે તે આપણું ગૌરવ છે. પટેલ એટલે મોટેલ - એ વાત જૂની થઈ ગઈ. હવે લગભગ દરેક વ્યાપાર - ધંધામાં ભારતનું સ્થાન અને માન છે, તેથી જ ટ્રમ્પે `ગેરકાયદે વસાહત મુક્ત અમેરિકા અભિયાન શરૂ કર્યા પછી સુધારો કર્યો - કૌશલ - લાયકાત વેલકમ.' અમેરિકાએ સમય અને તેની જરૂરિયાત અનુસાર વિઝા કાયદા સુધારવાની જરૂર છે. જરૂર વધવા છતાં કામદારોને વિઝા આપવાના નિયમો અને સંખ્યામાં સુધારો થયો નથી ! અને ભારત સરકારે પણ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશના માર્ગ બતાવી લોકોને છેતરતી ટ્રાવેલ એજન્સીઓ સામે સખત પગલાં ભરવાં જોઈએ. આજે `નૂતન ભારત'નું સર્જન ઝડપથી થઈ રહ્યું છે ત્યારે અમેરિકાથી સ્વેચ્છાએ દેશપ્રેમી યુવાવર્ગ ભારત આવવા તૈયાર છે. ભારતનાં ભવિષ્યમાં વિશ્વાસ છે - હવે અમેરિકાનો મોહ ઓસરી રહ્યો છે : છતાં શિક્ષિતવર્ગને બેકારી અને આગળ વધવાના અવકાશની ચિંતા છે. અમેરિકામાં વિશાળ ક્ષેત્ર - છૂટું મેદાન છે એમ હજુ જણાય છે ત્યારે ભારતે વિશ્વને જરૂર હોય એવાં ક્ષેત્રો માટે કર્મચારીઓ તૈયાર કરવાની શરૂઆત કરી છે. ડોક્ટરો કરતાં નર્સ, પ્લમ્બર તથા ઈલેક્ટ્રિશિયન વગેરેને આધુનિક તાલીમ આપવાની વ્યવસ્થા થઈ છે : વડાપ્રધાન મોદીએ - વિશ્વના દેશોની જરૂર મુજબ - એમની ખોટ પૂરવા માટે આપણી નવી પેઢીને આહ્વાન આપ્યું છે. આ સાથે દેશમાં જ કામધંધા વિકસે નોકરી - ધંધામાં આગળ વધી શકે. બેકાર બેસવું પડે નહીં તેવા વિકાસ માટે ભારતને સ્વર્ગ બનાવવામાં આપણાં યુવાધનનો ઉપયોગ થાય તે જરૂરી છે. આપત્તિને અવસર માનીને સ્વદેશ પાછા ફરેલા લોકો અને સરકારે આગળ વધવું જોઈએ. પચાસ વર્ષ અગાઉ ભારતમાંથી `બુદ્ધિધન'ની હિજરત શરૂ થઈ અને અમેરિકાએ પૂરો લાભ ઉઠાવ્યો. હવે આપણા વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવીને સ્વદેશ વાપસી કરે તો `કલ હમારા હૈ' ! અહીં જ સ્વર્ગ છે તેની ખાતરી થશે. વડાપ્રધાને વારંવાર કહ્યું છે કે ચીલાચાલુ ડિગ્રીના બદલે કુશળ કારીગરોની અછત તમામ વિકસિત દેશોમાં છે, તે પૂરવાની તક છે. આપણા કારીગરો ભારતના કમાઉ દીકરા બનીને ભારતને સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપી શકે એમ છે. અત્યારે જરૂર છે - ગેરમાર્ગે અમેરિકા પહોંચવાની ઘેલછા અને લેભાગુ એજન્ટો ઉપર સખત નિયંત્રણો મૂકવાની. અમેરિકામાં ભારત ઉપરાંત ચીનના ગેરકાયદે વસાહતીઓ છે. મેક્સિકનોની સંખ્યા સૌથી વધુ છે. ભારતના વિદ્યાર્થીઓ સૌથી વધુ છે. ઇં-1-ઇ વિઝા હેઠળ અમેરિકામાં અભ્યાસ કરતા ચાર લાખ વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3,51,000 છે ! પણ હવે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ ભારતમાં જ કોલેજો શરૂ કરવા લાગી છે, તેથી હિજરત ઓછી થવાની આશા છે. ભારત ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર ઊપસી રહ્યું છે. વિદેશોથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ભારતમાં આવી રહ્યા છે. ગેરકાયદે વસાહતીઓનો સૌથી વધુ ગંભીર પ્રશ્ન - પડકાર ભારત સામે છે : 1971માં બાંગલાદેશમાં પાકિસ્તાની અત્યાચારથી છૂટવા માટે દસ લાખ - લાખ્ખો શરણાર્થીઓ ભારત આવ્યા અને ઘરજમાઈ થઈ ગયા છે. સસ્તી મજૂરીનાં કારણે આ લોકોને નોકરી - ધંધા મળી રહે છે : આધારકાર્ડ અને વોટિંગ - મતાધિકાર પણ મળી જાય છે ! હવે બાંગલાદેશમાં હિન્દુઓની કત્લેઆમ થયા પછી ભારતમાં જાગૃતિ આવી છે. ગુનાખોરી સામે સાવધાની છે, પણ ગેરકાયદે ઘૂસેલા અને રહેતા બાંગલાદેશીઓની હકાલપટ્ટી આસાન નથી. ખૂણેખાંચરે છુપાયેલા પાંચ - પંદર પકડાય છે, પણ વ્યવસ્થિત અભિયાન નથી. ગેરકાયદે `ડંકી રૂટ'થી વિઝા વિના લોકોને અમેરિકા મોકલતી એજન્સીઓ બંધ થવી જોઈએ અને બાંગલાદેશીઓને - વિઝા વિના - આધારકાર્ડ આપતા એજન્ટોને પણ ડામી દેવા જોઈએ. ગુનાખોરી ઉપરાંત મૂળ સમસ્યા નોકરી - ધંધાની - બેકારીની છે. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને પાડોશીને ઘી - કેળાં ? પ્રમુખની સત્તા સંભાળ્યા પછી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા વસાહતીઓની `હકાલપટ્ટી' શરૂ કરી છે. ગયા સપ્તાહે ભારતમાં - સ્વદેશ ભેગા થયેલા 104 `િહજરતી'ને હાથકડી અને પગમાં બેડી જોઈને વિપક્ષોએ ભારત સરકાર સામે વિરોધ દર્શાવ્યા પછી અમેરિકી સરકારને `અમાનુષી' વર્તાવ નહીં કરવાનો અનુરોધ કરવામાં આવ્યો અને ભારતમાં ટ્રાવેલ એજન્સીઓ સામે સખત તપાસ અને કાર્યવાહી શરૂ થઈ રહી છે. અલગ કાયદો પણ આવનારો છે, પણ અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓને પાછા કાઢયા હોવાની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ જો બાયડન અને ઓબામાનાં શાસન વખતે પણ ગેરકાયદે વસાહતીઓને ભારત પાછા પહોંચાડવામાં આવ્યા હતા ! પણ આ વખતે અમેરિકી સેનાનાં વિમાનમાં અને ગુનેગારોની જેમ મોકલવામાં આવ્યા, તેથી વિરોધ વ્યક્ત થયો છે. વિપક્ષ કહે છે વિમાનને પંજાબમાં - અમૃતસર વિમાનમથકે ઊતરવાની પરવાનગી કેમ આપવામાં આવી ? વિપક્ષનાં મનમાં ફરિયાદ છે કે ગુજરાતમાં કેમ નહીં ?! સેનાનું વિમાન અને ગેરકાયદે વસાહતીઓને બંદીવાન કેમ બનાવવામાં આવ્યા ? સ્પષ્ટતા એવી થઈ છે કે આટલા લાંબા પ્રવાસ માટે આ ટ્રાન્સપોર્ટ વિમાન યોગ્ય છે. કોમર્શિયલ વિમાનમાં ખર્ચ ઓછો આવે - પણ અમેરિકાને ખર્ચની ચિંતા નથી. આવા વસાહતીઓના મૂળ દેશ - ભારત સહિત - પાસેથી ખર્ચ વસૂલ કરવાની શક્યતા પણ હોય છે. વસાહતીઓ `ગેરકાયદે' હતા અને આ ગુનો છે એમ બતાવવા માટે `બંદીવાન' બનાવ્યા હતા. અમેરિકાનાં `સ્વર્ગ'નાં સ્વપ્ન જોતા સૌને સ્પષ્ટ ચેતવણીનો સંદેશ અપાયો છે : ગેરકાયદે પ્રવેશની આ સજા છે ! ટ્રમ્પસાહેબે ચૂંટણીમાં વચન આપ્યું હતું તેનું પાલન હવે થઈ રહ્યું છે, પણ એમના વિરોધી - અથવા ટીકાકારો કહે છે કે આ તો `તમાશો' છે ! એમની વોટ બેન્કને ખુશ કરવાનો પ્રયાસ છે ! વાસ્તવમાં અમેરિકાને ગેરકાયદે વસાહતીઓથી `મુક્ત' કરવાનું આસાન નથી. શક્ય જ નથી. વિશ્વની આ મહાસત્તા પાસે આવાં મુક્તિ અભિયાનના અમલ માટે જરૂરી શાસનતંત્ર - વ્યવસ્થા જ નથી. ઉપરાંત, અમેરિકાનું અર્થતંત્ર ખોરવાઈ જવાની શક્યતા છે. ત્યાંના ઉદ્યોગપતિઓ અને સામાન્ય વ્યાપાર - ધંધાના અગ્રણીઓની ચિંતા વધી છે. આ મુક્તિ અભિયાનમાં થનારા અંદાજિત ખર્ચને કોંગ્રેસ - સંસદની મંજૂરી મળવાની આશા નથી. ટ્રમ્પ આ `અશક્યતાઓનાં ભયસ્થાનો'થી અવગત છે અને તેથી બંદીવાન વસાહતીઓના ફોટા પડાવીને અમેરિકી મતદારોને સંતોષવાના પ્રયાસ કરે છે ! વિશ્વના ખૂણેખૂણે વસતા લોકોના યુવાવર્ગને અમેરિકાનાં સ્વર્ગમાં જવાની તાલાવેલી હોય છે. અત્યારે અમેરિકામાં સાત લાખથી વધુ ભારતીય ગેરકાનૂની વસાહતીઓ હોવાનો અંદાજ છે. સેન્ટ્રલ અમેરિકન દેશોના વસાહતીઓની સંખ્યા પણ આટલી મોટી છે. ભારતીય મૂળના 18,000ને વિદાય કરવાના ઓર્ડર થયા છે. વધુ 3000 અટકાયતમાં છે. વીસ હજાર ભારતીય લોકોને `દેશનિકાલ' કરવાનું આસાન છે, કારણ કે કાનૂન મુજબ `િરમૂવલ ઓર્ડર' હોય ત્યારે આવા લોકોને વિમાનમાં બેસાડવા અગાઉ ન્યાયાધીશ સમક્ષ હાજર કરીને મંજૂરી લેવાની જરૂર નથી હોતી. ભારતીય વસાહતીઓની વાત બાજુએ રહી. વિશ્વભરમાંથી આ રીતે આવેલા એક કરોડથી વધુ ગેરકાયદે વસાહતીઓ છે અને ટ્રમ્પના ઓર્ડર મુજબ ઈમિગ્રેન્ટ પોલીસ રોજના 2000ને પકડે છે, પણ તે તમામને એમના દેશભેગા કરવામાં નથી આવતા. ધારો કે તમામનો દેશનિકાલ થાય અને રોજના 3000 પકડવાનો આદેશ ટ્રમ્પસાહેબ આપે તો અત્યારે છે તે તમામને વિદાય કરવામાં ઓછાંમાં ઓછા દસ વર્ષ લાગે એવો અંદાજ છે અને આ માટે પોલીસદળની સંખ્યામાં ધરખમ વધારો કરવો પડે. આવી `ભરતી' આસાન નથી અને જંગી સંખ્યામાં અટકાયતમાં લીધા પછી એમના માટે અલગ છાવણી - કેમ્પ અને ચકાસણી માટે મોટી સંખ્યામાં જજ -ન્યાયાધીશો જોઈએ. આવી બધી જ વ્યવસ્થા થઈ જાય તો પણ અર્થતંત્ર ખોરવાઈ જાય. કૃષિ, રેસ્ટોરાં તથા સામાન્ય વ્યાપાર - ધંધા ચલાવવા માટે કર્મચારી ક્યાંથી લાવશે ? અત્યારે અભિયાન શરૂ થયા પછી શાકભાજી અને અન્ય જીવનઆવશ્યક ચીજોના ભાવ વધવા લાગ્યા છે, કારણ કે વિદેશી કામદારો `ભૂગર્ભ'માં છુપાઈ રહ્યા છે - પકડાવાની બીકે કામ બહાર આવતા નથી - એવી ફરિયાદો શરૂ થઈ છે. વાસ્તવમાં અમેરિકાને લાખ્ખો - કરોડો કર્મચારીઓની જરૂર છે, પણ જરીપુરાણા કાયદા અને ઈમિગ્રેશન કાનૂનમાં સમય અનુસાર સુધારા થયા નથી. ઇં-1-ઇ વિઝા હેઠળ અમેરિકામાં કાયદેસર પ્રવેશતા કામદારોમાં 70 ટકા ભારતીય હોય છે. વિશેષ કૌશલ્યના આધારે ચોક્કસ સ્કીમ અને સમયમર્યાદા મુજબ આવેલા લોકો પાછા સ્વદેશ આવવા માગતા નથી. ઇં-1-ઇ વિઝા દર વર્ષે માત્ર ચાર લાખ લોકોને અપાય છે અને તે માટે વર્ષો વીતી જાય છે તેથી એજન્સીઓ ગેરકાયદે પ્રવેશનો `ડંકી' - માર્ગ બતાવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd