• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

જેપીસીમાં વકફ સુધારા ખરડો મંજૂર

વકફ કાયદાના સુધારા ખરડાની ચર્ચા-વિચારણા માટે ગઠિત સંયુક્ત સંસદીય સમિતિ, જેપીસીના રિપોર્ટને બહુમતથી સ્વીકારવામાં આવ્યો છે. હવે જેપીસી રિપોર્ટ લોકસભા સચિવાલયને સોંપી દેશે અને આગામી બજેટસત્રમાં સંસદનાં બન્ને ગૃહમાં રજૂ કરવામાં આવશે. બજેટસત્રના બીજા તબક્કામાં જેપીસી દ્વારા સૂચવાયેલા 15 સુધારા સાથે ખરડો પસાર કરવાનો પ્રયાસ થશે. જેપીસીના અંતિમ રિપોર્ટમાં ખરડામાં શાસક પક્ષના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા 15 સુધારા સામેલ કરવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા સૂચવવામાં આવેલા સુધારા બહુમતથી નકારી કાઢવામાં આવ્યા છે. વિપક્ષી સભ્યોએ રિપોર્ટમાં ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ ગણાવી તેની વિરુદ્ધ મત નોંધાવ્યો હતો. ખરડામાં કરવામાં આવેલા 15 સુધારામાં ચાર મહત્ત્વપૂર્ણ છે. આમાં સૌથી મોટું સંશોધન વકફ સંપત્તિનાં નિર્વારણમાં કલેક્ટર ભૂમિકાને સીમિત કરવાનું છે. ઓગસ્ટમાં ખરડો રજૂ કરતી વખતે વિપક્ષે કલેક્ટરને વધુ સત્તા આપવા બાબત સવાલ કર્યા હતા. જેપીસીના રિપોર્ટમાં કલેક્ટરનાં સ્થાને કમિશનર કે સચિવ જેવા વરિષ્ઠ અધિકારીને રાખવાનો પ્રસ્તાવ છે, જેની નિયુક્તિ રાજ્ય સરકાર કરશે. આ સાથે જ વકફ કાયદાને અગાઉની તારીખથી લાગુ નહીં કરવાની ભલામણ કરી છે. શરત એવી છે કે, જમીન સરકારી ન હોય અથવા પહેલેથી કોઈ વિવાદ ન ચાલી રહ્યો હોય. રિપોર્ટમાં મુસ્લિમ સમાજથી સંકળાયેલાં રજિસ્ટર્ડ મોટાં ટ્રસ્ટને પણ વકફ કાયદાથી બહાર રાખવામાં આવ્યાં છે અને વકફ બોર્ડમાં મુસ્લિમ વિદ્વાનને સ્થાન આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં પસમંદા અર્થાત્ પછાત મુસલમાનો, ગરીબો, મહિલાઓ અને યતીમોને પહેલીવાર વકફના લાભાર્થીઓમાં સામેલ કરવામાં આવ્યા છે. સમિતિ દ્વારા મંજૂર સુધારામાં વિપક્ષી સભ્યોની ચિંતા પણ દૂર કરાઈ છે. ખરડો કાયદાનું રૂપ લીધા પછી વકફ બોર્ડની કામગીરી પારદર્શી અને પ્રભાવી રીતે થઈ શકે તે માટે મદદ મળશે. ગત ઓગસ્ટનાં ચોમાસુસત્રમાં ખરડો રજૂ થયો ત્યારથી જ વિપક્ષ સુધારા ખરડાનો વિરોધ કરે છે. જેપીસીની બેઠક દરમિયાન પણ આ વિરોધ જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ સાંસદ કલ્યાણ બેનરજી પર બેઠક દરમિયાન બાટલી ફોડવા અને ખુદને ઘાયલ કરવાની સાથે સ્પીકર જગદંબિકા પાલ અને તેમના પર અપશબ્દ આપવા સુધીનો આક્ષેપ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ વકફ બોર્ડમાં ગેરમુસ્લિમોને સામેલ કરવાને બંધારણના અનુચ્છેદ 26માં મુસ્લિમોને મળેલી ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન જણાવ્યું છે. શાસક પક્ષના સભ્યોએ વિપક્ષના સભ્યો દ્વારા સૂચવાયેલા સુધારા નકારવાને ઉચિત ઠરાવીને વકફ સંશોધન કાયદાની મૂળ ભાવનાને બચાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. જો કે, વકફ સુધારા ખરડાને પસાર કરાવવા માટે સરકારને બન્ને ગૃહોમાં સાધારણ બહુમતની આવશ્યકતા પડશે, પણ એનડીએના સહયોગી પક્ષોની એકતાથી પસાર કરવામાં કોઈ સમસ્યા આવે એમ જણાતું નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd