• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

અફસોસ, કચ્છમાં ઘોરાડની મોજૂદગી `વેન્ટિલેટર' પર

ઘોરાડ પક્ષી કચ્છ-ગુજરાતની શાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનાં સંવર્ધન માટે પ્રયાસો વેગીલા બનાવવા તાકીદ કરી છે, પરંતુ પશ્ચિમ કચ્છમાં ફેલાયેલાં અભયારણ્યમાં પવનચક્કીઓ, તેની સંલગ્ન લાઇનો, ધમધમતી ખેતી, દબાણ, પશુપાલકો દ્વારા ચરિયાણ, જંગલી શ્વાન જેવાં પરિબળોને લીધે ઘોરાડનું અસ્તિત્વ હવે ભૂંસાઇ જવાના આરે આવી પહોંચ્યું છે. આ પરિસ્થિતિથી પક્ષીપ્રેમીઓ વિચલિત છે. જાણકારો કહે છે કે, ઘોરાડ માટે `સરકારી કામ' કદાચ થયું હશે, પરંતુ દૃષ્ટિ-વિઝન અને ખંત સાથે પરિણામલક્ષી કામગીરીનો અભાવ નડી ગયો છે. નર-માદાની જોડીને રાજસ્થાનથી અહીં વસાવીને ઘોરાડની સંખ્યા વધારવાનો એક વિચાર છે. આ વિલક્ષણ પંખીનાં જતન માટે પ્રયાસો આવકાર્ય છે, પરંતુ ઘોરાડ માટે કંઇક હજુએ કરવું હોય, તો ઘાસિયાં મેદાનોને અતિક્રમણ મુક્ત કરવાં જોઇએ. કચ્છનો વિશાળ ભૂભાગ સૌરઊર્જા-પવનચક્કી માટેનો અલાયદો ઝોન હોય એટલી સંખ્યામાં વિન્ડમિલ લાગી ચૂકી છે. વીજલાઇનોની હડફેટે આવીને મોટી પાંખવાળાં અસંખ્ય પંખીઓ જીવ ગુમાવી ચૂક્યાં છે, તેમાં મોર અને ઘોરાડનો પણ સમાવેશ થાય છે. અબડાસા-માંડવી વિસ્તારમાં અભયારણ્ય વીંધીને પસાર થતી વીજલાઇનો પંખીસૃષ્ટિની દુશ્મન પુરવાર થઇ છે. આ મુદ્દે ચિંતા વ્યક્ત થતાં સુપ્રીમ કોર્ટે 2021માં ઘોરાડને બચાવવા માટે વીજલાઇનો ભૂગર્ભમાં પાથરવા આદેશ કર્યો હતો. તેનાં અનુસંધાને છેક ત્રણ વર્ષે કેન્દ્રીય ટીમ મૂલ્યાંકન માટે કચ્છ આવી છે. બે-ત્રણ દિવસનાં અભ્યાસ-મંથન પછી બેઠકમાં વીજ કંપનીઓએ હયાત લાઇનો જમીન અંદર પાથરવા માટે કરોડોના ખર્ચ માટે ચિંતા વ્યક્ત કરી છે. અભયારણ્યને લગતાં નિયંત્રણોને લીધે ખેડૂતો મુશ્કેલી અનુભવતા હોવાનોય અવાજ ઉઠયો. જેમની ભૂમિ છે એમને અન્યાય ન થવો જોઇએ એ સાચી વાત, પરંતુ કચ્છને પોતાનું ઘર બનાવનારાં નિર્દોષ ઘોરાડ વિકાસનો ભોગ શા માટે બને ? અભયારણ્ય દાયકાઓથી છે અને એ વિસ્તારના લોકો- ઘોરાડ સહઅસ્તિત્વ માટે ટેવાયેલાં જ છે. એક અરસામાં 35-40 ઘોરાડ અહીં વિચરતાં.. એ હવે ત્રણ-ચારની સંખ્યામાં સીમિત રહી જાય એ ઘોર બેદરકારી છે. સવાલ એ પણ છે કે, બે-ચાર વર્ષમાં 35-40 કરોડ ખર્ચાઇ ચૂક્યા છે, છતાં ઘોરાડનાં હિતમાં શું વળ્યું? પર્યાવરણપ્રેમીઓનું સ્પષ્ટ માનવું છે કે, પવનચક્કીઓ ઉપરાંત દબાણ, ખેતી પ્રવૃત્તિઓએ ઘોરાડ અને બીજી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડયું છે. અબડાસા-માંડવીના મેદાની ઇલાકાઓમાં લાખોની સંખ્યામાં સાંઢા હતા. શિકારી પક્ષીઓ આકર્ષાઇને મોટી સંખ્યામાં આવતાં, પરંતુ ખેતીના હળ ચાલવાથી સાંઢા મહદ્અંશે ખતમ થતા ગયા અને એને લીધે યાયાવર શિકારી પંખીઓ પણ મોં ફેરવી ગયાં. અતિ વિલુપ્તપ્રાય ઘોરાડનું અસ્તિત્વ ટકાવવા માટે વિકાસની ભૂખ છોડવી પડશે. કોઈપણ પ્રદેશની ઉન્નતિ માટે ડેવલપમેન્ટ આવકાર્ય છે. ઉદ્યોગો ભલે આવે, પરંતુ તેની આંધળી દોડમાં જે-તે વિસ્તારની ભૌગોલિક વિશિષ્ટતા, પર્યાવરણ, જીવસૃષ્ટિ માટેની સંવેદનશીલતા ભૂલાઇ જાય તો તે નાશ પામે છે. શિયાળા દરમ્યાન કચ્છ ઋતુ પ્રવાસી પક્ષીઓનો ટ્રાન્ઝિટ પોઇન્ટ છે. લાખો પંખીઓ અહીં શિયાળો ગાળવા આવે છે. એ પ્રક્રિયા સામે પણ પવનચક્કીઓનાં કાળમુખાં પાંખડાએ ખતરો ઊભો કર્યો છે. છારીઢંઢ તરફ સ્થપાતા ઊર્જા પ્લાન્ટને લીધે પણ કીરો ડુંગર ખાતે છારીઢંઢની પંખી વસાહતો સામે જોખમ છે. વિકાસ અને પર્યાવરણની સંભાળ એ બંને જરૂરી છે, પણ એ માટે પ્રામાણિકતાપૂર્વક પ્રયાસો થવા જોઇએ. ઘોરાડ કચ્છની શોભા અને ઓળખ છે. એ પ્રજાતિ નષ્ટ થતી રોકવા શક્ય એ બધું કરી છૂટવાની ઘડી આવી પહોંચી છે. વીજલાઇનો ભૂગર્ભમાં લઇ જવાના મામલે ભલે વીજ કંપનીઓએ નિયમ પાલન કરવું જ જોઇએ. આખરે કચ્છની ધરતીમાંથી ગંજાવર કમાણી થાય છે, તો કચ્છહિત જળવાય એ જોવાની તેમની જવાબદારી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd