• શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજથી 8 ટીમ વચ્ચે કસોકસનો જંગ

કરાચી/દુબઇ, તા. 18 : અનિશ્ચિતતા, નાટકીયતા અને પરદા પાછળની રમત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવા અગાઉ જોવા મળી ચૂકી છે. હવે આવતીકાલ બુધવારે યજમાન દેશ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ઉદ્ઘાટન મેચની સાથે જ ત્રણ સપ્તાહ સુધી ચાલનાર આ વન ડે ટૂર્નામેન્ટમાં રોમાંચની પરાકાષ્ટા જોવા મળશે. વર્લ્ડ કપ સમાન કઠિન ગણાતી આ ટૂર્નામેન્ટમાં ટોચની 8 ટીમ વચ્ચે ખિતાબ જીતવાની હરીફાઇ જામશે અને ક્રિકેટ ઇતિહાસનો સોનેરી અધ્યાય લખવાની કોશિશ કરશે. પાક. ધરતી પર 1996ના વિશ્વકપ બાદ પહેલી આઇસીસી ટૂર્નામેન્ટ રમાશે. ભારતની મેચો દુબઇમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફી 8 વર્ષના લાંબા અંતરાલ પછી રમાઇ રહી છે. છેલ્લે 2017માં ભારતીય ટીમને હાર આપી પાકિસ્તાન વિજેતા બન્યું હતું.  - વન-ડે માટે મહત્ત્વની સ્પર્ધા : વન-ડે ક્રિકેટના અસ્તિત્વના ખતરા વચ્ચે આ ટૂર્નામેન્ટ સામે આ ફોર્મેટનું મહત્ત્વ સ્થાપિત કરવાનો પણ એક અલગ પડકાર છે. ટી-20 ક્રિકેટની લોકપ્રિયતા અને ટેસ્ટ ક્રિકેટની પ્રતિબદ્ધતાની ખેંચતાણમાં વન-ડે ક્રિકેટ માટે જગ્યા ઉભી કરવી વિકટ બની છે. ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રારંભ અગાઉ ભારત અને પાકિસ્તાન બોર્ડ વચ્ચે ઘણી કૂટનીતિ જોવા મળી, પણ હવે જ્યારે આવતીકાલ બુધવારે પાક.-કિવિઝ મેચમાં ટોસ ઉછળશે ત્યારે બધું ભૂલાઈ જશે અને દુનિયાના કરોડો ચાહકો ક્રિકેટના રોમાંચમાં ઓતપ્રોત બની જશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પહેલી મેચ 20મીએ દુબઇમાં બાંગલાદેશ વિરૂધ્ધ છે. જયારે 23 ફેબ્રુઆરી-રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મુકાબલો થશે. જેને ટૂર્નામેન્ટનો બ્લોકબસ્ટર ગણવામાં આવે છે. જેમાં સરહદ આરપાર ઝનૂન અને જશ્ન જોવા મળે છે. - `રોકો' પર મદાર : ટીમ સંતુલનની સાથોસાથ કેટલાક મોટા ખેલાડીઓના દેખાવ પર પણ નજર રહેશે. જેમાં ખાસ કરીને ભારતીય કપ્તાન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીનો દેખાવ રડાર પર છે. આધુનિક ક્રિકેટના આ બે દિગ્ગજ તેમની કેરિયરના આખરી પડાવ પર છે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય વન-ડે ટીમમાં રોહિત-વિરાટની જગ્યા દેખાઇ રહી નથી. કદાચ બન્ને આ ફોર્મેટને અલવિદા પણ કરી શકે છે. ટી-20  વિશ્વ વિજેતા બન્યા પછી બન્ને આ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે.  - ગંભીરનીય કસોટી : ચેમ્પિયન્સ ટ્રોફીમાં જો ટીમ ઇન્ડિયાને નિષ્ફળતા મળશે તો આ નિષ્ફળતાની વીજળી કોચ ગૌતમ ગંભીર પર પડી શકે છે. ઇંગ્લેન્ડ સામેની હોમ સિરીઝના સારા દેખાવને લીધે ગંભીરને થોડી રાહત મળી છે. પરંતુ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી હાર ભૂલાશે નહીં. એવામાં તેના માટે ચેમ્પિયન્સ ટ્રોફીનો આઇસીસી ખિતાબ સંજીવની બની શકે છે. ભારતીય ટીમે એમએસ ધોનીની કપ્તાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદથી કોઇ વન ડે ખિતાબ જીત્યો નથી. ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા ખિતાબની પ્રબળ દાવેદારના રૂપમાં ઉતરશે, પણ એક સત્રના ખરાબ દેખાવથી તમામ સમીકરણ બગડી જશે. ખાસ કરીને ભારતીય ટીમને તેના પ્રમુખ ઝડપી બોલર જસપ્રિત બુમરાહની ખોટ પડશે. જેથી શમી સહિતના ભારતીય બોલરો પર દબાણ બની રહેશે. - અન્ય પ્રતિસ્પર્ધીઓ : વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમ તેના મુખ્ય ઝડપી બોલર કપ્તાન પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ વિના ઉતરી રહી છે. ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ પર વધતી ઉંમર અને ખરાબ ફોર્મ હાવી છે. આમ છતાં કપ્તાન જોસ બટલર, જો રૂટ, હેરી બ્રુક, બેન ડકેટ જેવા ખેલાડી ઇંગ્લેન્ડનો બેડો પાર કરી શકે છે. ટ્રેંટ બોલ્ટ અને ટિમ સાઉધીના સંન્યાસ બાદ ન્યૂઝીલેન્ડ ટીમ યુવા બોલરો સાથે ઉતરી છે. જો કે ટીમનો ટ્રમ્પકાર્ડ તો અનુભવી બેટર કેન વિલિયમ્સન જ હશે. જે કિવિઝ ટીમને પહેલો આઇસીસી ખિતાબ અપાવી શકે છે. દ. આફ્રિકા ટીમે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જે તેનો એકમાત્ર આઇસીસી ખિતાબ છે. ચોકર્સ તરીકે જાણીતી બનેલી આ ટીમ ખિતાબનો દુકાળ ખતમ કરવાની ક્ષમતા રાખે છે. આ માટે આફ્રિકાના ખેલાડીઓએ દબાણવાળી મેચમાં કલીક થવું પડશે. - પાકિસ્તાન ઘરઆંગણે : પાકિસ્તાન પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની ફોજ છે. આમ છતાં તેના સ્ટાર બેટર બાબર આઝમના હાલના ખરાબ ફોર્મની અસર પૂરી ટીમ પર પડી રહી છે. બાંગલાદેશ અને અફઘાનિસ્તાન ટીમ અન્ડરડોગ તરીકે ઉતરશે. આઇસીસી ટૂર્નામેન્ટમાં અપસેટનો ઈતિહાસ જાણીતો છે. જેમાં આ બે ટીમના નામ જોવા મળે છે. અતિતમાં બાંગલાદેશ-અફઘાનિસ્તાન મોટી ટીમોને આંચકો આપી ચૂકી છે. બન્ને ટીમ ઉલટફેરના ઇતિહાસનું પુનરાવર્તન કરવા માંગશે. - ચેમ્પિયન્સ ટ્રોફીનો ઇતિહાસ : વર્ષ 1998માં આઇસીસીએ આ વન ડે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી અને 2009 સુધી દર બે વર્ષે આ ટૂર્નામેન્ટ રમાતી હતી. એ પછી દર ચાર વર્ષે આયોજન થતું. છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ઇંગ્લેન્ડમાં રમાઈ હતી ત્યારે ફાઇનલમાં ભારત સામે પાક.ની જીત થઇ હતી. 2021માં આ ટ્રોફીનું ભારતમાં આયોજન થયું હતું, પણ એ જ વર્ષે રમાનાર ટી-20 વિશ્વકપ અને કોરોનાકાળને લીધે આયોજન ટાળી દેવામાં આવ્યું હતું. - મેચ ટાઈ થાય તો ? : આ ટૂર્નામેન્ટમાં કોઇ પણ મેચ જો ટાઇ થશે તો સુપર ઓવરનો સહારો લેવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઇ થશે તો ફરી સુપર ઓવર ફેંકાશે.  - રિઝર્વ ડે : બન્ને સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે છે. રિઝર્વ ડે પર મેચ જયાંથી બંધ રહી હશે ત્યાંથી શરૂ થશે. રિઝર્વ ડેના દિવસે પણ મેચ અનિર્ણિત રહે તો નેટ રનરેટના આધારે ટીમ ફાઇનલમાં પહોંચશે. ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઈ જાય તો આ સ્થિતિમાં બન્ને ટીમ સંયુક્ત વિજેતા બનશે. 2002 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઈ હતી. આથી ભારત-શ્રીલંકા ટીમ સંયુક્ત વિજેતા બની હતી. નોકઆઉટ મેચમાં ડકવર્થ/લૂઇસ નિયમ લાગુ કરવા માટે ઓછામાં ઓછી 2પ ઓવર પૂરી થવી હોવી જોઇએ. ગ્રુપ સ્ટેજની મેચમાં આ આંકડો 20 ઓવરનો હોવો જોઇએ.  - મેચ કયાં જોવા મળશે ? : ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની જુદી જુદી ટીવી ચેનલો પરથી જોવા મળશે. જ્યારે ડિજીટલ પ્લેટફોર્મ જીઓ-ડિઝની હોટસ્ટાર પરથી લાઇવ સ્ટ્રીમિંગ થશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd