દુબઇ, તા.17 : ચેમ્પિયન્સ
ટ્રોફી અભિયાનનો પ્રારંભ ટીમ ઇન્ડિયા દુબઇમાં તા. 20મીએ બાંગલાદેશ વિરુદ્ધ મેદાને
પડીને કરશે. આઇસીસીની આ વન ડે ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ તેના મુખ્ય ઝડપી બોલર
જસપ્રિત બુમરાહ વિના ઉતરી રહી છે. લિયોનલ મેસ્સી વિના આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમ
મેદાનમાં ઉતરે તો તેની કેવી સ્થિતિ હોય,
ઠીક આવી સ્થિતિ બુમરાહ વિના ટીમ ઇન્ડિયાની છે. તે છેલ્લા કેટલાક
સમયથી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી છે. વિવેચકો
તેને વિરાટ કોહલી અને કપ્તાન રોહિત શર્માથી પણ ઘણા વધુ માર્ક આપી રહ્યા છે. બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નથી. આથી ભારતનો
બેડો પાર કોણ કરશે ? તે સવાલ સવા મણનો છે. અનુભવી ઝડપી બોલર
મોહમ્મદ શમી અને સ્પિનરોના બળે ટીમ ઇન્ડિયા વિજેતા બની શકે છે. તેનું કારણ એ છે કે
કોહલી-શર્મા સહિતના બેટધરો તેમના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી. જો કે રોહિત અને
વિરાટે ઇંગ્લેન્ડ વિરુદ્ધની વન ડે શ્રેણીમાં ફોર્મ વાપસીની કોશિશ કરી છે અને એક-એક
સારી ઇનિંગ રમી છે. બુમરાહની ગેરહાજરીમાં 34 વર્ષીય શમી પર ભારતનો મદાર વધુ
રહેશે. તેનું કારણ એ છે કે આઇસીસી ટૂર્નામેન્ટમાં તુનો દેખાવ સારો રહ્યો છે. વન ડે
વર્લ્ડ કપમાં તે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો. ભારતના પૂર્વ ઝડપી
બોલર લક્ષ્મીપતિ બાલાજીનું માનવું છે કે શમી પાસે ઘણો અનુભવ છે. તે પડકારનો સમાનો
કરી શકે છે. તેનું કહેવું છે કે ભારતે જો સારો દેખાવ કરવો હશે તો શમીએ નવા દડાથી
કમાલ કરવી પડશે. શમી ઉપરાંત સ્પિનર્સનો રોલ પણ ભારત માટે મહત્ત્વનો બની રહેશે.
ભારતે રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સ્પિન ત્રિપુટીને ઇલેવનમાં રાખીને ઉતરી શકે
છે. ભારત ગ્રુપ એમાં છે. તેની પહેલી મેચ 20મીએ બાંગલાદેશ સામે છે. આ પછી 23મીએ
રવિવારે પાકિસ્તાન સામે કાંટે કી ટક્કર થવાની છે જ્યારે 2 માર્ચે
આખરી લીગ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. આ ટીમ અપસેટ માટે જાણીતી છે. ભારતીય ટીમ જો
સેમી ફાઈનલ અને ફાઇનલમાં પહોંચશે તો એ બન્ને નોકઆઉટ મેચ પણ દુબઇમાં રમાશે. ભારતે
છેલ્લે 2013માં ઈંગ્લેન્ડને ફાઇનલમાં હાર આપી ધોનીની
કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી જ્યારે 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત રૂપે
વિજેતા બન્યું હતું. ત્યારે વરસાદમાં ફાઇનલ ધોવાઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત
ઉપવિજેતા પણ રહી ચૂકી છે. વર્ષ 2000માં ન્યુઝીલેન્ડ સામે અને 2017માં
પાકિસ્તાન સામે ફાઇનલમાં હાર મળી હતી.