ભુજ, તા. 11 : પોરબંદરના દરિયામાં શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા
2025 ઓલ ઇન્ડિયા સમુદ્રી તરણ સ્પર્ધા યોજાઇ હતી. 45થી 60 વર્ષની કેટેગરીમાં ભુજના
46 વર્ષના મિતેશ બુદ્ધભટ્ટીએ કડકડતી ઠંડીમાં 22 મિનિટમાં એક કિ.મી.નું અંતર કાપીને
દેશભરના 1500 તરવૈયાની હરીફાઇમાં પ્રથમ રહીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મિતેશ બુદ્ધભટ્ટી
ભુજના લખોટા ગ્રુપના સૌથી નાની ઉંમરના પ્રથમ નંબરના તરવૈયા છે. 365 દિવસ હમીરસરમાં
તરણની કસરત કરે છે. લખોટા ગ્રુપમાં 18થી 75 વર્ષની ઉંમરના લોકો હમીરસર તળાવમાં વહેલી
સવારે સ્વીમીંગ કરવા માટે આવે છે. ગાંધીધામ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની
તરણ સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. લખોટા ગ્રુપના તમામ સભ્યોએ તેમને બિરદાવ્યા
હતા તેમણે પોતાની જીત હમીરસર તળાવને સમર્પિત કરી તળાવને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી.