કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 13 : અબડાસા તાલુકાના મુખ્ય મથક
નલિયાની સાત દાયકા જૂની હાઈસ્કૂલમાં શિક્ષકોની ઘટ,
બિલ્ડિંગની જર્જરિત હાલત તેમજ પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓનું
ભવિષ્ય અંધકારમય બન્યું છે. સિત્તેર વર્ષ જૂની હાઈસ્કૂલ કે જેનું શિક્ષણ જગતમાં એક
સમયે નામ હતું અને જે શાળામાં વિદ્યાર્થીઓ માત્ર કચ્છ-સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાત અને ગુજરાત બહારથી અભ્યાસ કરવા આવતા હતા
એ નામાંકિત જ્ઞાન વિસ્તારક સંઘ સંચાલિત વી. એલ. હાઈસ્કૂલ નલિયાની સ્થિતિ વર્તમાન સમયે
દયનીય બની છે. હાઇસ્કૂલમાંથી બે માસ અગાઉ સાગમટે
ચાર શિક્ષકોની માગણી મુજબ બદલી થઇ ગઇ છે. એક
શિક્ષકની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે તે જોતાં કુલ્લ પાંચ શિક્ષકોની ઘટ થઇ છે. શૈક્ષણિક કાર્ય શરૂ થઈ
ગયાને દોઢ માસનો સમયગાળો થઈ ગયો હોવા છતાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી.
શાળા ટ્રસ્ટ દ્વારા શિક્ષકોની કોઈ હંગામી વ્યવસ્થા
પણ કરવામાં આવી નથી. સન. 1998માં વી.એલ.
હાઈસ્કૂલ નલિયાના વિસ્તૃતીકરણ માટે શાળાને લગોલગ આવેલ 3000 ચો.મી. જેટલી સરકારી જમીન સરકાર
દ્વારા મંજૂર કરવામાં આવી હતી, જેનો
ઉપયોગ વર્ષો સુધી વિદ્યાર્થીઓના રમતગમતનાં મેદાન માટે લેવાતો હતો, પરંતુ વર્ષ 2012-13માં
ટ્રસ્ટ દ્વારા આ મેદાન વિદ્યાર્થીઓ પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું જે અંગે નલિયા
શિક્ષણ સમિતિના નેજા હેઠળ તેમજ વિવિધ સમાજના આગેવાનોની સહી સાથે ટ્રસ્ટ, આચાર્ય, જિલ્લા શિક્ષણાધિકારી,
શિક્ષણ કમિશનર ગાંધીનગર સહિતનાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. બાર
વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ રજૂઆતનો કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હોવાનું જાગૃત
નાગરિકોએ જણાવ્યું હતું. ટ્રસ્ટ હવે હાઈસ્કૂલ સરકારને પરત સોંપવાની પેરવીમાં છે ત્યારે
સરકાર દ્વારા અલગ કરાયેલ શૈક્ષણિક હેતુ માટે મંજૂર થયેલ જમીન પણ પરત મેળવે એવી ગ્રામજનોની
માંગ છે. માર્ગ અને મકાન વિભાગના નિયમો અનુસાર
હાઇસ્કૂલની અવધિ વર્ષો પહેલાં પૂર્ણ થઈ ગયેલ છે. લોખંડ કાટ ખાઈ ગયેલ છે, છતમાં પડેલાં ગાબડાંઓને થીગડથાગડ પ્લાસ્ટર કરી વારંવાર ઢાંકી દેવામાં આવે છે. સિત્તેર વર્ષ જૂની જર્જરિત થઈ ગયેલું હાઈસ્કૂલનું
બિલ્ડિંગ કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલાં નવનિર્માણ કરવામાં આવે એવી ગ્રામજનોની
માંગ છે.