છગનલાલ ઠક્કર દ્વારા : નખત્રાણા, તા. 13 : મોસમની શરૂઆત જ આર્દ્રા નક્ષત્રમાં
વરસેલા વરસાદે પંથકના માકપટ્ટમાં ચમત્કાર સર્જ્યો છે. અષાઢ માસના પ્રથમ ચરણમાં જ મધ્યમથી
ભારે મેઘવૃષ્ટિથી સરેરાશ 6થી 10 ઇંચ પાણી વરસી પડતાં સીમાડા-ડુંગર
લીલાછમ બન્યા છે. કુદરતની વરસેલી કૃપાથી ચોમેર
આંખને ઠારતાં દૃશ્યો સર્જાયાં છે, તો સીમાડામાં
ઊગી નીકળેલા ઘાસ-વનસ્પતિના વૃક્ષો સોળે કળાએ ખીલી ઊઠતાં ચોપગા ઢોર-ઢાંખર, પશુ-પક્ષીઓને લીલાલહેર થઇ છે, જ્યારે ખેતીવાડી માટે આર્દ્રા
નક્ષત્રમાં અનુકૂળ સમયના વરસાદથી પિયત, કપિત મોલ માટે આ વરસાદ
આશીર્વાદરૂપ બની રહ્યા છે. બીજી તરફ સીમતળના ચેકડેમ, તળાવ,
આડબંધમાં છ માસનાં ભરાયેલાં પાણીથી પશુઓ માટે પાણીનો સંકટ હળવો થયો છે.
નખત્રાણા પંથકના `માકપટ'માં વિખ્યાત એવા કચ્છના હિમાલય ધીણોધર ડુંગર
ઉપર ઉપજતી ઔષધિ, વનસ્પતિનાં વૃક્ષોએ આંખને ઠારે તેવું સોહામણું
સ્વરૂપ ધારણ કર્યું છે. સિદ્ધયોગી ધોરમનાથની પવિત્ર તપોભૂમિ ધીણોધર ડુંગરથી પૂર્વે
ખીણના માર્ગે થાન જાગીરના રસ્તામાં ખડખડ વહેતા પાણીના ઝરણાનાં મનમોહક દૃશ્યો અદ્ભુત
છે. આ કુદરતની લીલાથી ધરતીએ ઓઢેલી લીલી ઓઢણીના
સર્વત્ર સર્જાયેલાં દૃશ્યો મનમોહક બન્યાં છે. સમયસર સચરાચરા વરસાદથી ધરતીપુત્રોએ છેલ્લા
ચાર દિવસથી નીકળેલા ઉઘાડથી પિયત વાડીઓમાં મોટાભાગે કપાસ, મગફળીના
પાક ઉગાડવા માટે પ્રવૃત્તિમય બન્યા છે, જ્યારે એરંડાનો પાક ઉગાડવા માટે અનુકૂળ વિસ્તારમાં જુલાઇ
માસના મધ્યાંતરે એરંડાનું મોટાપાયે વાવેતર થશે તેવું ખેડૂત સૂત્રોએ જણાવ્યું હતું,
જ્યારે સીમાડા-જંગલોમાં ઊગી
નીકળેલા ઘાસ પશુધનને મોઢે આવતાં પશુપાલક- માલધારીઓને વેચાતા લેવા પડતા ઘાસચારામાંથી મુક્તિ મળતાં માલધારી
વર્ગને આર્થિક બોજો ઓછો થયો છે. મોટી વિરાણીના ભજનિક, સાહિત્યકાર
રામભન ગોસ્વામીએ મેઘમહેરને ટાંકીને એક કાવ્યપંક્તિ યાદ કરાવીને કહ્યું કે, `અતિ મથે માનવી તો વિંઘા બે
વિંઘા પવાય રઘુવીર રિઝે રાજડા ત્યારે નવખંડ લીલા થાય' ઉપરોકત પંક્તિ
સાચી ઠરી છે તેમ કુદરતના જોર આગળ માનવી લાચાર છે. છેલ્લા અષાઢ માસના પ્રારંભથી એક સપ્તાહમાં નવખંડ લીલા થયા છે.