ગાંધીધામ, તા. 7 : ગાંધીધામ, આદિપુરમાં પાછલા કેટલાક સમયથી ગેરકાયદેસર
બાંધકામની સમસ્યાએ માઝા મૂકી છે. એવી જ રીતે રસ્તે રઝળતા ગૌવંશના લીધે વારંવાર અકસ્માતના
બનાવો ઉજાગર થાય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પ્રશ્નોને પ્રાથમિકતા આપી વહેલીતકે
યોગ્ય નિર્ણય લેવાની માંગ કરાઈ છે. ગાંધીધામને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદીલ કરવા
બદલ સિટીઝન વોઇસ કાઉન્સિલ સંસ્થા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન
પાઠવ્યા હતા તેમજ સનદી અધિકારીઓની નિયુક્તિ બદલ શુભેચ્છા પાઠવી હતી. બાદ મહાનગરપાલિકાના
વહીવટદાર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીને સંબોધીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું
હતું કે, ગાંધીધામમાં સફાઈ બાબતે જે નિર્ણય લેવાનો તે અવિશ્વસનીય છે. તેની સાથે આ નગરમાં
સહુથી મોટી સમસ્યા રખડતા ઢોરોની છે. આ મુદ્દે સંસ્થા દ્વારા અગાઉ રજૂઆત કરાઈ હતી, પરંતુ
કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. રખડતા ઢોરો ગમે તે જગ્યાએ લડતા-ઝઘડતા હોઈ તેનું એકમાત્ર
કારણ ગાંધીધામ, આદિપુરમાં વેંચાતો ઘાસચારો છે. જેનું વેચાણ બંધ કરાતું નથી. આ સમસ્યાથી
નાગરિકોના મૃત્યુની ઘટનાઓ બની હતી. જેથી રખડતા ઢોરોને ગૌશાળામાં સ્થળાંતર કરવા માંગ
કરાઈ છે. આવી જ રીતે બન્ને શહેરોમાં અનેક વિસ્તારો, બજારો, ફુટપાથ તેમજ ટાગોર રોડ ગેરકાયદાકીય
રીતે દબાણો ખડકી દેવાયા છે. પરિણામે વાહન પાર્ક કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે
છે. ફુટપાથ પર પણ દબાણો કરાયા છે. જેના પગલે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. જેથી આ
ગંભીર સમસ્યા સંદર્ભે વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.