• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

રામપર ગામ સાંકડું બન્યું : આવ્યા રે... અવિનાશી અલબેલ

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 4 : તાજેતરના ઉત્સવ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવી શોભાયાત્રાની ગરિમા સાથે નારીરત્ન ધનબાઇ ફઇનો દ્વિશતાબ્દી મહોત્સવ શનિવારે પરાકાષ્ટા પામ્યો હતો. રામપર-વેકરાના રસ્તા અને ગામ સાંકડું થઇ?ગયું ત્યારે ભાવિકોના હૃદયના એક ઉદ્ગાર હતા... રામપર ગામમાં રે... આવ્યા અવિનાશી અલબેલ... બપોરે ચોવીસીની વાજિંત્ર મંડળી, મહિલાઓનું બેન્ડ, લેઝિમ, કણબી કચ્છી પાઘની છટા, કલામંડિત વાહનો, કીર્તનના ભાવ સાથે ધનબાઇ ફઈ સાથે નરનારાયણ દેવનો જયઘોષ છવાયો હતો. આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું, ચોવીસીમાં સત્સંગીઓના ઘર ઘટતા જાય છે. વિદેશગમન થઇ રહ્યું છે ત્યારે હરિભક્તોને મૂળ?સત્સંગ, નરનારાયણદેવ પ્રત્યેનો વધુ ખટકો રાખી પરંપરા જાળવવાની જરૂર છે. તેમણે સિંહાસનો `ચોખ્ખા' રાખવા ભલામણ કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ અગાઉના કાળમાં વર્ષોની તપસ્યા પછી કલ્યાણ થતું તે શ્રીજી મહારાજે સત્સંગ સ્થાપી સહજ બનાવ્યું છે. જીવાત્માના કલ્યાણના આશીર્વાદ આપ્યા હતા. કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે નરનારાયણ દેવના આશ્રિત સૌએ ધર્મ નિયમ જાળવી રાખવા ભલામણ કરતાં લાધીબા, સૂરજબા અને ધનબાઇ ફઇને યાદ કર્યા હતા. તેમણે સ.ગુ. અક્ષરજીવન સ્વામી, પૂર્વ મહંત અચ્યુતાનંદજી સ્વામીના પ્રદાન અને દાખડાને સ્મરવા કહ્યું હતું. શાત્રી દેવચરણદાસજી સ્વામીએ માતાનો પાલવ સૌ માટે સરખો તેવું કહી ફોઇબાએ સૌને સ્વીકાર્યાની પ્રેરક વાત મૂકી હતી. હરિ તપોવન ગુરુકુળના સંસ્કાર પર્વનો લોગો વિમોચિત કરાયો હતો. વક્તા નારાયણમુનિ સ્વામી સહિતના વરિષ્ઠ સંતોએ આશીર્વાદ આપ્યા હતા.ન માત્ર રામપર ગામ પણ ચોવીસીના ગ્રામ્ય ઇતિહાસમાં નોંધાય તે રીતે ઉજવાયેલા મહામહોત્સવના સફળ આયોજન માટે મંદિર તેમજ ઉત્સવ સમિતિના આગેવાનો હીરજી માવજી ગોરસિયા, રવજીભાઇ કાનજી વેકરિયા, કરશનભાઇ?હરજી કેરાઇ, ધનજી દેવજી કેરાઇ, વાલજી કલ્યાણ રાબડિયાની સમગ્ર ગામ વતી વિશેષ પહેરામણી કરાઇ હતી. અનેક કાર્યકર્તા ભાઇ-બહેનો, વડીલોની અવિરત સેવાની નોંધ લેવાઇ હતી. ભોજન પ્રસાદની વ્યવસ્થાઓએ દિલ જીત્યા હતા. તો કચ્છી રેંકડાની વ્યાસપીઠને આચાર્ય મહારાજે રાજીપા સાથે બિરદાવી હતી. દેશ-વિદેશના હરિભક્તોની મોટી સંખ્યાથી ગામ ગાજી ઉઠયું હતું. ચોમેર આનંદ વર્તાયો હતો. ધનબાઇ ફઇના કર્તૃત્વને વધાવતાં મોટો હાર મહંત સ્વામી, આચાર્ય મહારાજના સ્વાગતમાં અપાયો હતો. ઉપસ્થિત સંતોએ રામપરના આ મહોત્સવને અંતરના આશિષ આપ્યા હતા. સભા સંચાલન કૃષ્ણસ્વરૂપ સ્વામીએ તળપદી પ્રેમાળ વાણીમાં સૌને જકડી રાખી યથોચિત પહેરામણીનો દોર સાંધ્યો હતો તો શ્રીજીનંદન સ્વામીના સંગીતવૃંદે બ્રહ્માનંદ, પ્રેમાનંદ, ભૂમાનંદ, મુક્તાનંદના પદોને દિલમાં ઉતારી માહોલ ભક્તિરસ તરબોળ કર્યો હતો. કાલે તા. 5/1 રવિવારે મહોત્સવ વિરામ લેશે તે સાથે કચ્છ સત્સંગમાં નારીરત્નના ઓવારણાનો નૂતન ઇતિહાસ લોકો લાંબો સમય સ્મરશે તેવો ભાવ સ્વયં પ્રગટ થયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd