ભુજ, તા. 4 : ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના
અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ
હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રવાસન સચિવને આવકારીને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોના
વિકાસ અને સ્વચ્છતા કામગીરી માટે રાજ્ય સરકારના સહકારની સરાહના કરી હતી. કચ્છ જિલ્લા
વહીવટીતંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી
હતી. જિલ્લા કલેક્ટરે અમિત અરોરા અને પ્રાંત અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી વર્તમાન
સમયમાં કરવામાં આવી રહેલી સફાઈની કામગીરી અંગે પ્રવાસન સચિવને વાકેફ કરાવ્યા હતા. ધોરડો
અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો કચરો ત્યાં રહે નહીં
તે રીતે તેને એકઠો કરીને જીપીસીબી અને અન્ય ખાનગી કંપનીઓના સહયોગથી કોડીનાર મોકલવામાં
આવી રહ્યો છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રની આ પહેલને પ્રવાસન સચિવે બિરદાવીને જણાવ્યું
હતું કે, પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીઓ, જિલ્લા વહીવટી
તંત્રના વિભાગો, વિવિધ ખાનગી કંપનીઓએ સફાઈ બાબતે સુંદર કામગીરી કરી છે. રોડ ટુ હેવન
અને ધોરડો પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ હવે માંડવીના દરિયાકિનારા સહિતના વિસ્તારને
પણ પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવા માટે ત્વરિત પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે
જણાવ્યું હતું. સંબંધિત પ્રાંત અધિકારીઓએ પોતાના વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોએ ખાનગી
કોન્ટ્રાક્ટ એજન્સી, નગરપાલિકા અને ખાનગી કંપનીઓના સહયોગથી થઈ રહેલી સફાઈ કામગીરીની
વિગતો પ્રવાસન સચિવને આપી હતી. ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરાની જેમ અન્ય પ્રવાસન
સ્થળો જેવા કે માંડવી બીચ, માતાના મઢ, લખપત ફોર્ટ, નારાયણ સરોવર કોટેશ્વરમાં હાલમાં
ચાલી રહેલી સફાઈ કામગીરીને વધુ આયોજનબદ્ધ કરીને આ પ્રવાસન સ્થળોને સ્વચ્છ બનાવાશે તેમ
જણાવ્યું હતું. જિલ્લા આયોજન અધિકારી જિતેન્દ્ર રાવલે કચ્છના પ્રવાસન સ્થળોએ થઈ રહેલી
સફાઈની કામગીરી અંગે અવગત કરાવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.જે. ચૌધરી,
સર્વે પ્રાંતઅધિકારીઓ અને સર્વે ચીફ ઓફિસર, નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા
શિક્ષણાધિકારી સંજય પરમાર સહિતના અધિકારીઓ, એજન્સીના કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા હતા.